Asia Cup: ભારતને હરાવી ઝૂમી રહેલા પાકિસ્તાનને મળ્યો મોટો ઝટકો, ખતરનાક ખેલાડી ઈજાગ્રસ્ત
India vs Pakistan Asia Cup 2022: એશિયા કપ 2022 સીઝનમાં પાકિસ્તાને સુપર-4માં શાનદાર શરૂઆત કરી. તેણે પોતાની પહેલી મેચમાં ભારતને 5 વિકેટથી હરાવ્યું. પણ હવે પાકિસ્તાનની ટીમ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. કારણ કે આ ખતરનાક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે.
Trending Photos
India vs Pakistan Asia Cup 2022: એશિયા કપ 2022 સીઝનમાં પાકિસ્તાને સુપર-4માં શાનદાર શરૂઆત કરી. તેણે પોતાની પહેલી મેચમાં ભારતને 5 વિકેટથી હરાવ્યું. આ જીતનો હીરો વિકેટકિપર બેટર મોહમ્મદ રિઝવાન (71) રહ્યા. પરંતુ હવે પાકિસ્તાની ફેન્સ માટે એક દુ:ખદ સમાચાર આવ્યા છે.
મેચમાં ઈજાગ્રસ્ત થયેલા મોહમ્મદ રિઝવાનને હોસ્પિટલ લઈ જવાયા છે. રિઝવાનનો એમઆરઆઈ સ્કેન કરાવવામાં આવ્યો છે. હાલ એ માહિતી પ્રાપ્ત નથી થઈ રહી કે ઈજા કેટલી ગંભીર છે અને ક્યારે સાજા થશે પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની ટીમ માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા
ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે આ મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ પહેલી બેટિંગ કરી હતી. આ દરમિયાન 15મી ઓવરમાં માથા ઉપરથી પસાર થતા એક બોલને રોકવાના ચક્કરમાં રિઝવાન ઈજાગ્રસ્ત થયા. રિઝવાને થોડો વધુ પ્રયત્ન કરતા કૂદકો માર્યો હતો. તે દરમિયાન પગમાં ઈજા થઈ. ત્યારબાદ મેચ થોડીવાર માટે રોકવામાં આવી હતી અને રિઝવાનને મેદાન ઉપર જ ટ્રિટમેન્ટ અપાઈ હતી.
ઉપચાર બાદ રિઝવાને મેચ રમી. બેટિંગમાં પણ રિઝવાને દમદાર અર્ધસદી ફટકારી અને ટીમને જીત અપાવી. પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મોહમ્મદ નવાઝને મળ્યો. પરંતુ રિઝવાનની ઈનિંગ પણ દમદાર હતી. તેમણે જે રીતે સંભાળીને ઈનિંગ રમી તેના કારણે ટીમને જીત મળી.
MRI માટે દુબઈ હોસ્પિટલ લઈ જવાયા
મેચ બાદ તરત જ રિઝવાનને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનો એમઆરઆઈ સ્કેન કરાવવામાં આવ્યો. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ વાતની જાણકારી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આપી. પીસીબીએ કહ્યું કે રિઝવાનને મેચ બાદ તરત જ દુબઈની એક હોસ્પિટલ લઈ જવાયા હતા જેથી કરીને ખબર પડે કે ઈજા કેટલી ગંભીર છે.
ત્રણ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે
અત્રે જણાવવાનું કે પાકિસ્તાન ટીમ પહેલેથી ખેલાડીઓની ઈજાનો માર સહન કરી રહી છે. ટીમના ત્રણ સ્ટાર ખેલાડી પહેલેથી ઈજાગ્રસ્ત થઈને ટીમની બહાર થઈ ચૂક્યા છે. જેમાં સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રીદી તો એશિયા કપ પહેલા જ ઈજાગ્રસ્ત થઈ ગયા. જ્યારે મોહમ્મદ વસીમ જૂનિયર અને શાહનવાઝ દાની ટુર્નામેન્ટ દરમિયાન ઘાયલ થયા. આવામાં જો રિઝવાન પણ બહાર થશે તો પાકિસ્તાન માટે મોટો ઝટકો સાબિત થશે. કારણ કે આખી બેટિંગ લાઈન રિઝવાનના ખભે ટકેલી છે. બાબર પણ હાલ ફોર્મમાં નથી.
રિઝવાનના કારણે ટીમ જીતી
અત્રે જણાવવાનું કે ગઈ કાલની ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ ગુમાવીને 181 રન કર્યા હતા. વિરાટ કોહલીએ 44 બોલમાં 60 રન કર્યા. કોહલીની આ સતત બીજી અર્ધ સદી હતી. એક છગ્ગા અને 4 ચોગ્ગા સાથે આ રન કર્યા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ શાદાબ ખાને સૌથી વધુ 2 વિકેટ લીધી.
આ મેચ છેલ્લી ઓવર સુધી ચાલી. જેમાં 182 રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાનની ટીમે 5 વિકેટ ગુમાવીને 182 રન કર્યા અને મેચ જીતી. મોહમ્મદ રિઝવાને 51 બોલમાં 71 રન કર્યા. આ ઉપરાંત મોહમ્મદ નવાઝે 20 બોલમાં 42 રન કર્યા. બંનેએ મળીને ત્રીજી વિકેટ માટે 41 બોલમાં 73 રનની ભાગીદારી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે