Asia Cup 2023: ટીમ ઈન્ડિયા સામે મોટું સંકટ, સતત ત્રણ દિવસ રમવી પડશે મેચ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ના સુપર 4નો મુકાબલો કોલંબોમાં રમાઈ રહ્યો છે. જેમાં પ્રથમ દિવસે વરસાદનું વિઘ્ન આવ્યું એટલે બાકીની મેચ રિઝર્વ ડેમાં રમાશે.
Trending Photos
નવી દિલ્હીઃ એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે રમાઈ રહેલી સુપર 4 મેચ પહેલા દિવસે પણ પુરી થઈ નથી. વરસાદને કારણે ભારતીય ઈનિંગની માત્ર 24.1 ઓવર જ પૂરી થઈ શકી હતી અને વરસાદના કારણે વિક્ષેપ સર્જાયો હતો. જોકે, આ મેચ માટે રિઝર્વ ડે છે એટલે કે મેચ હવે સોમવારે રમાશે. જેના કારણે ટીમ ઈન્ડિયા સામે મોટું સંકટ ઊભું થયું છે. ખરેખર, હવે ભારતે સતત ત્રણ દિવસ મેચ રમવાની રહેશે. સફેદ બોલ ક્રિકેટના ઈતિહાસમાં આ એકદમ અનોખી ઘટના છે. આપણે કોઈ ટીમને સતત બે દિવસ મેચ રમતી જોઈ હશે. પરંતુ અહીં ટીમ ઈન્ડિયાએ સતત ત્રણ દિવસ મેચ રમવી પડશે.
આ મેચ રવિવાર 10 સપ્ટેમ્બરે રમાવાની હતી. ત્યારબાદ મેચ 11મી સપ્ટેમ્બરે રિઝર્વ ડે પર પૂર્ણ થવાની છે. 12 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયાને સુપર 4ની બીજી મેચ રમવાની છે જેમાં તેનો મુકાબલો શ્રીલંકા સાથે થશે. એટલે કે હવે ટીમ ઈન્ડિયાએ સતત ત્રણ દિવસ રમવું પડશે. જ્યારે ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ ઈજા બાદ પરત ફર્યા છે ત્યારે આ વધુ મુશ્કેલ બની જાય છે. હાર્દિક પંડ્યા પણ વર્કલોડ મેનેજમેન્ટ પર સતત કામ કરે છે. આવી સ્થિતિમાં શંકા છે કે સતત ત્રણ દિવસ રમવાથી ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી શકે છે.
સુપર 4માં માત્ર એક મેચને મળ્યો રિઝર્વ ડે
આ પહેલા ટૂર્નામેન્ટની ગ્રુપ મેચમાં વરસાદના કારણે કોઈ પરિણામ આવી શક્યું ન હતું. આને ધ્યાનમાં રાખીને એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ શાનદાર મેચ માટે રિઝર્વ ડે રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે અન્ય સુપર 4 મેચો પણ કોલંબોમાં યોજાવાની છે, પરંતુ કોઈ મેચને રિઝર્વ દિવસ મળ્યો નથી. આ ઉપરાંત અહીં 17મી સપ્ટેમ્બરે યોજાનારી ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. આ મેચની વાત કરીએ તો પહેલા દિવસે ભારતીય ટીમે 24.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 8 રન અને કેએલ રાહુલ 17 રન સાથે ક્રિઝ પર હતા. રિઝર્વ ડે પર ભારતની ઇનિંગ્સ અહીંથી શરૂ થશે.
રિઝર્વ ડેના મામલામાં ભારતનો ઈતિહાસ ખરાબ
જો રિઝર્વ ડેના ઈતિહાસની વાત કરીએ તો તે ટીમ ઈન્ડિયા માટે સારો રહ્યો નથી. અત્યાર સુધી ટીમ ઈન્ડિયા બે વખત રિઝર્વ ડેમાં રમી છે અને બંનેવાર હારનો સામનો કર્યો છે. આ બંને મેચ ભારત માટે મહત્વની હતી. સૌથી પહેલા વર્ષ 2019માં વિશ્વકપની સેમીફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ રિઝર્વ ડેમાં પહોંચી હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો. ત્યારબાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ફાઇનલમાં પણ ભારત અને ન્યૂઝીલેન્ડ આમને-સામને હતા. આ મેચનું પરિણામ રિઝર્વ ડેમાં આવ્યું હતું અને ભારતની હાર થઈ હતી. જ્યારે 2002 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને શ્રીલંકાનો મુકાબલો રિઝર્વ ડેના દિવસે પણ થઈ શક્યો નહોતો. આ પહેલા 1999 વિશ્વકપમાં ભારત અને ઈંગ્લેન્ડની મેચનું પરિણામ રિઝર્વ ડેમાં આવ્યું હતું, જેમાં ભારતની જીત થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે