એશિયા કપમાં ભારતની જીત છતાં પાકિસ્તાન બની ગઈ વનડેમાં નંબર-1 ટીમ, જાણો કેમ તેને થયો ફાયદો
પાકિસ્તાનની ટીમ ફરી આઈસીસી વનડે રેન્કિંગમાં નંબર-1 પર પહોંચી ગઈ છે. કારણ કે ઓસ્ટ્રેલિયાનો આફ્રિકા સામે વનડે સિરીઝમાં 2-3થી પરાજય થયો છે અને આ કારણે રેન્કિંગમાં ફેરફાર થયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ટીમે આજે શ્રીલંકાને 10 વિકેટે પરાજય આપી રેકોર્ડ આઠમી વખત એશિયા કપની ટ્રોફી કબજે કરી છે. મોહમ્મદ સિરાજની છ વિકેટની મદદથી શ્રીલંકાની ટીમ માત્ર 50 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે 6.1 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. એશિયા કપમાં ભારતની પાસે ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનવાની તક હતી પરંતુ બાંગ્લાદેશ સામે હાર બાદ તેનું આ સપનું તૂટી ગયું હતું. પરંતુ એશિયા કપ જીત્યા બાદ પણ ભારતીય ટીમ આઈસીસી વનડે રેન્કિંગમાં ટોપ પર પહોંચી શકી નથી. ભારતની જીતથી પાકિસ્તાનને ફાયદો થયો અને તે વનડે રેન્કિંગમાં ફરી નંબર-1ના સ્થાને પહોંચી ગઈ છે. આખરે આ કઈ રીતે શક્ય બન્યું કે પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાને પછાડી નંબર વન બની ગયું છે.
પાકિસ્તાનની ટીમ જ્યારે એશિયા કપ રમવા ઉતરી તો તે વનડે રેન્કિંગમાં નંબર વન ટીમ હતી. પરંતુ ભારત અને પછી શ્રીલંકા સામે મેચ ગુમાવવાને કારણે પાકિસ્તાનની ટીમ બીજા સ્થાને ખસી ગઈ અને ભારતીય ટીમ ફાઈનલ મુકાબલા પહેલા ત્રીજા સ્થાને હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ આફ્રિકા સામે સતત બે મેચ જીતીને ટોપ પર પહોંચી ગઈ હતી. પરંતુ પાંચ મેચની સિરીઝમાં આફ્રિકાએ શાનદાર વાપસી કરતા ઓસ્ટ્રેલિયાને 3-2થી પરાજય આપ્યો છે. આ સિરીઝ હાર બાદ ઓસ્ટ્રેલિયાને નુકસાન થયું અને તેણે નંબર-વનનો તાજ ગુમાવી દીધો છે. તેનો ફાયદો પાકિસ્તાનને મળ્યો અને એશિયા કપ સુપર-4 માં 2 મેચ હારવા છતાં બાબર આઝમની ટીમ નંબર-1 બની ગઈ છે.
પાકિસ્તાનની ટીમને આઈસીસી વનડે રેન્કિંગમાં 115 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે ભારતના પણ આટલા પોઈન્ટ છે. જ્યારે આફ્રિકા સામે 2-3થી સિરીઝ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાના 113 રેટિંગ પોઈન્ટ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આગામી સપ્તાહે વનડે સિરીઝમાં આમને-સામને હશે, જે ટીમ આ સિરીઝ જીતશે તેની પાસે નંબર-1 બનવાની તક વધુ હશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ મોહાલી, ઈન્દોર અને રાજકોટમાં ક્રમશઃ 22, 24 અને 27 સપ્ટેમ્બરે રમાશે. ત્યારબાદ પાંચ ઓક્ટોબરથી વિશ્વકપની શરૂઆત થશે. આ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમ પણ જાહેર કરી દીધી છે. જેમાં સ્ટાર ખેલાડીઓની વાપસી થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે