AUS vs IRE: ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલની આશા જીવંત, આયર્લેન્ડને 42 રને હરાવ્યું

T20 World Cup 2022: યજમાન ઓસ્ટ્રેલિયાએ આઈસીસી ટી20 વિશ્વકપમાં પોતાની સેમીફાઇનલની આશા જીવંત રાખતા આયર્લેન્ડને 42 રને પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન ફિન્ચે અડધી સદી ફટકારી હતી. 
 

AUS vs IRE: ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલની આશા જીવંત, આયર્લેન્ડને 42 રને હરાવ્યું

બ્રિસબેનઃ Australia vs Ireland T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયાએ આઈસીસી ટી20 વિશ્વકપમાં પોતાની બીજી જીત મેળવતા આયર્લેન્ડને 42 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાના 5 પોઈન્ટ થઈ ગયા છે અને હવે તેની એક મેચ બાકી છે. આ મુકાબલામાં કેપ્ટન આરોન ફિંચે અડધી સદી ફટકારી હતી. જ્યારે ગ્લેન મેક્સવેલ અને એડમ ઝમ્પાએ બોલિંગમાં કમાલ કરતા બે-બે વિકેટ ઝડપી હતી. લોર્કન ટકરે આયર્લેન્ડ માટે લડાયક ઈનિંગ રમતા અણનમ 71 રન ફટકાર્યા હતા. પરંતુ તે પોતાની ટીમની જીત અપાવી શક્યો નહીં. 

ઓસ્ટ્રેલિયાએ આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમ 18.1 ઓવરમાં 137 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંતુ ટકરે અંત સુધી સંઘર્ષ કર્યો હતો. તેણે 48 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 71 રન બનાવ્યા હતા. તેના સિવાય આયર્લેન્ડના અન્ય બેટર ખાસ કરી શક્યા નહીં. હૈરેથ ડેલાનીએ 10 બોલમાં બે ચોગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા. પોલ સ્ટર્લિંગ 11 રન બનાવી આઉટ થયો હતો. 

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. આ દરમિયાન આરોન ફિન્ચે અડધી સદી ફટકારી હતી. તેણે 44 બોલનો સામનો કરતા 63 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 5 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. મિચેલ માર્શે 22 બોલમાં 28 રન ફટકાર્યા હતા. માર્શની ઈનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. અંતમાં સ્ટોયનિસે 35 રનની ઈનિંગ રમી હતી. તેણે 25 બોલમાં 3 બાઉન્ડ્રી અને એક સિક્સ ફટકારી હતી. ટિમ ડેવિડ 15 રન બનાવી અણનમ રહ્યો હતો. 

ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝમ્પાએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 19 રન આપી બે વિકેટ ઝડપી હતી. ગ્લેન મેક્સવેલે 2.1 ઓવરમાં 14 રન આપી બે સફળતા મેળવી હતી. પેટ કમિન્સને પણ બે વિકેટ મળી હતી. સ્ટાર્કે બે વિકેટ લીધી પરંતુ તેણે 4 ઓવરમાં 43 રન આપી દીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news