બાંગ્લાદેશની વનડે ટીમના કેપ્ટન જંગી લીડથી ચૂંટણી જીતીને સાંસદ બન્યાં

બાંગ્લાદેશની સંસદની ચૂંટણીમાં વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી આવામી લીગની શાનદાર જીત થઈ છે. પાર્ટીના જીતેલા ઉમેદવારોમાં દેશની વનડે ટીમના કેપ્ટન મુશર્રફ બિન મુર્તઝાનો પણ સમાવેશ થાય છે.

બાંગ્લાદેશની વનડે ટીમના કેપ્ટન જંગી લીડથી ચૂંટણી જીતીને સાંસદ બન્યાં

ઢાકા: બાંગ્લાદેશની સંસદની ચૂંટણીમાં વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી આવામી લીગની શાનદાર જીત થઈ છે. પાર્ટીના જીતેલા ઉમેદવારોમાં દેશની વનડે ટીમના કેપ્ટન મુશર્રફ બિન મુર્તઝાનો પણ સમાવેશ થાય છે. આ અગાઉ મતદાન દરમિયાન દેશના વિભિન્ન ભાગોમાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા હતાં. મુશર્રફ બિન મુર્તઝાએ અવામી લીગ પાર્ટી તરફથી ચૂંટણી લડી હતી અને અઢી લાખથી વધુ મતોથી જીત મેળવી.

સત્તારૂઢ પાર્ટી આવામી લીગની આ સતત ત્રીજી જીત છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ મુર્તઝાએ નરેલ બે સંસદીય બેઠકથી ચૂંટણી લડી હતી. તેને કુલ 2,74,418 મતો મળ્યા હતાં. જ્યારે તેના નજીકના વિરોધી ઉમેદવારને માત્ર 8006 મતો જ મળ્યાં. મીડિયામાં આવેલા અહેવાલો મુજબ અવામી લીગના નેતૃત્વવાળા ગઠબંધને 300 બેઠકોવાળા સદનમાં 260થી વધુ બેઠકો મેળવી છે. ખાનગી ડીબીસી ટીવીએ 300માંથી 299 બેઠકોના પરિણામ જણાવ્યાં. 

આવો છે મુર્તઝાનો વનડે રેકોર્ડ
ટીમ માટે ઓલરાઉન્ડર તરીકે રમનારા મુશર્રફ મુર્તઝાએ પોતાના વનડે કેરિયરમાં 202 મેચો રમી છે. જેની 148 ઈનિંગમાં 14.04ની સરેરાશ અને 87.84ના સ્ટ્રાઈક રેટથી 1728 રન બનાવ્યાં છે. બોલિંગમાં પણ તેણે 4.8ની ઈકોનોમી અને 31.36ની સરેરાશથી કુલ 258 વિકેટ લીધી છે. તેણે વનડેમાં સૌથી વધુ 51 રન કર્યા છે જ્યારે બોલિંગમાં 26 રન આપીને 6 વિકેટ સર્વશ્રેષ્ઠ વનડે પ્રદર્શન છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સિરીઝમાં તેને ફક્ત એકવાર બેટિંગ કરવાની તક મળી હતી. જેમાં તેણે ફક્ત અણનમ 6 રન કર્યા હતાં. આ જ સિરીઝમાં બોલિંગમાં તેણે 19.33ની સરેરાશથી કુલ 6 વિકેટ લીધી હતી. 

વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે શ્રએમી જીતી હતી મુર્તઝાની ટીમે
બાંગ્લાદેશે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઘરઆંગણે મુર્તઝાના નેતૃત્વ હેઠળ વનડે સીરિઝ પર 2-1થી કબ્જો જમાવ્યો હતો. આ ઉપરાંત ટીમે બે ટેસ્ટ મેચોની સિરીઝમાં પણ શાનદાર પ્રદર્શન કરતા ક્લીન સ્વીપ કર્યું હતું. પરંતુ ટી 20 સિરીઝમાં તેણે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. 

આ પરિણામો બાદ જ્યાં શેખ હસીના ચોથીવાર દેશના વડાપ્રધાન બનશે ત્યાં તેમના કટ્ટર વિરોધી ખાલિદા ઝીયા ઢાકા જેલમાં અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરી રહ્યાં છે. તેઓ કથિત રીતે આંશિત લકવાગ્રસ્ત પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news