IPL 2019: ચેપોકમાં ધોની-રોહિતના ધુરંધરો ફાઇનલની ટિકિટ મેળવવા માટે ટકરાશે

આઈપીએલમાં આજથી પ્લેઓફના મુકાબલાની શરૂઆત થવાની છે. ક્વોલિફાયર-1માં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થવાની છે. જે ટીમ જીતશે તે સીધી ફાઇનલમાં પહોંચશે જ્યારે હારનારી ટીમને બીજી તક મળશે.

IPL 2019: ચેપોકમાં ધોની-રોહિતના ધુરંધરો ફાઇનલની ટિકિટ મેળવવા માટે ટકરાશે

ચેન્નઈઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સ આઈપીએલ 2019ના પ્રથમ ક્વોલિફાયરમાં આજે (7 મે)એ પોતાના ઘરઆંગણે ચેપોકના મેદાન પર મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. ત્યારે બંન્ને ટીમોનું લક્ષ્ય ફાઇનલમાં પહોંચવાનું હશે. જે ટીમ હારશે તેને ફાઇનલમાં પહોંચવાની બીજી તક પણ મળશે. 

બંન્ને ટીમો ત્રણ-ત્રણ વખત જીતી ચુકી છે ટાઇટલ
લીગ રાઉન્ડ બાદ આઈપીએલમાં આજથી પ્લેઓફના મુકાબલાનો પ્રારંભ થશે. જેના પ્રથમ મેચમાં મુંબઈ અને ચેન્નઈ આમને-સામને હશે. જીતનારી ટીમને 12 મેએ હૈદરાબાદમાં રમાનારી ફાઇનલની ટિકિટ મળશે. જ્યારે હારેલી ટીમ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનારા એલિમિનિટેરના વિજેતા સામે ટકરાશે. મુંબઈની ટીમ અહીં કોલકત્તાને હરાવીને પહોંચી છે જ્યારે ચેન્નઈની ટીમનો અંતિમ લીગ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે પરાજય થયો હતો. 

શાનદાર રેકોર્ડ છે ચેન્નઈનો પોતાના ઘરમાં
ચેન્નઈ માટે સારી વાત છે કે, મેચ તેના ગઢમાં રમાઇ રહી છે જ્યાં તેનો રેકોર્ડ શાનદાર છે. ચેન્નઈએ એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ પર સાતમાંથી છ મેચમાં વિજય મેળવ્યો છે જેનો ફાયદો મળશે. હારનારી ટીમ 10 મેએ બીજી ક્વોલિફાયર રમશે. 

મુંબઈની શાનદાર બોલિંગનો મળશે પડકાર
લીગ રાઉન્ડમાં ચેન્નઈના ટોપ ક્રમનું સાતત્યપૂર્ણ પ્રદર્શન રહ્યું નથી જેણે મુંબઈના શાનદાર બોલરોની સામે દમદાર પ્રદર્શન કરવું પડશે. મુંબઈના જસપ્રીત બુમરાહ 17, લસિથ મલિંગા 15, હાર્દિક પંડ્યા 14, ક્રુણાલ અને રાહુલ ચહર 10-10 વિકેટ ઝડપી ચુક્યા છે. આ સિવાય મુંબઈની ડેથ ઓવરમાં બોલિંગ પણ ખતરનાક રહી ચે. તો ચેન્નઈની ટીમ ડેથ ઓવરોમાં પોતાના કેપ્ટન ધોની પર વધુ નિર્ભર રહે છે. 

કેદાર જાધવની ખોટ પડશે
ચેન્નઈ માટે બેટિંગનો આધાર કેપ્ટન ધોની પર રહ્યો છે જેણે 12 મેચોમાં ત્રણ અડધી સદીની મદદથી 368 રન બનાવ્યા છે. આ સાથે શેન વોટસન અને રૈનાએ પણ એક-બે મોટી ઈનિંગ રમી છે. અંબાતી રાયડૂ આ સિઝનમાં સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. તો પંજાબ સામે ડુ પ્લેસિસે પણ 96 રન ફટકારીને પોતાના ફોર્મનો પરિચય આપ્યો હતો. ઈજાને કારણે કેદાર જાધવ આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. ત્યારે ધોની તેના સ્થાને ક્યા બેટ્સમેનને અંતિમ ઈલેવનમાં તક આપે તે જોવાનું રહ્યું. લાગી રહ્યું છે કે, જાધવના સ્થાને ધ્રુવ શોરેને તક મળી શકે છે. 

ધીમી બોલિંગ રહી છે ચેન્નઈની તાકાત
આ સિઝનમાં ધીમી બોલિંગ ચેન્નઈની તાકાત રહી છે અને ધીમી વિકેટ પર તેના બોલરોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ઈમરાન તાહિર અત્યાર સુધી 21 વિકેટ ઝડપી ચુક્યો છે અને દિલ્હી કેપિટલ્સના રબાડા (25) બાદ પર્પલ કેપની રેસમાં બીજા ક્રમે છે. હરભજન સિંહ અને જાડેજા પણ 13-13 વિકેટ ઝડપી ચુક્યા છે. ચેન્નઈના બોલરો માટે પડકાર મોટો છે કારણ કે મુંબઈના ડી કોક (492), રોહિત શર્મા (386) અને હાર્દિક (380) શાદનાર ફોર્મમાં છે. કીરોન પોલાર્ડનો દિવસ હોય તો તેને રોકવો પણ મુશ્કેલ છે. તો હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા ગમે ત્યારે મેચની સ્થિતિ બદલવા માટે સક્ષમ છે. ચેન્નઈ માટે શરૂઆતી વિકેટ લેવાની જવાબદારી ફરી દીપક ચહરની હશે. જે અત્યાર સુધી 16 વિકેટ ઝડપી ચુક્યો છે. 

લીગ રાઉન્ડમાં રમાયેલી બંન્ને મેચ મુંબઈએ પોતાના નામે કરી હતી. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news