શ્રીલંકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સીરિઝ પર કબજો, કુલદીપ-સિરાજની 3 વિકેટ
કર્ણાટકના કેએલ રાહુલ આ મેચમાં હાર અને જીત વચ્ચે દીવાલ બનીને ઉભો હતો. વિરાટ કોહલીના આઉટ થયા બાદ કેએલ રાહુલ બેટિંગ કરવા આવ્યો હતો અને અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો. તેણે 103 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગાની મદદથી 64 રન બનાવ્યા.
Trending Photos
India vs Sri Lanka 2nd ODI : ભારતીય સ્ટાર કેએલ રાહુલે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર પોતાની ODI કારકિર્દીનું યાદગાર પ્રદર્શન કર્યું. રાહુલે શ્રીલંકા સામેની સીરિઝની બીજી વનડેમાં ભારતની 4 વિકેટથી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં શ્રીલંકાની ટીમ 39.4 ઓવરમાં 215 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી, જે બાદ ભારતે 6 વિકેટ ગુમાવીને 43.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ રીતે ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
હાર અને જીત વચ્ચે દીવાલ બન્યો રાહુલ
કર્ણાટકના કેએલ રાહુલ આ મેચમાં હાર અને જીત વચ્ચે દીવાલ બનીને ઉભો હતો. વિરાટ કોહલીના આઉટ થયા બાદ કેએલ રાહુલ બેટિંગ કરવા આવ્યો હતો અને અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો. તેણે 103 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગાની મદદથી 64 રન બનાવ્યા. જ્યારે એવું લાગતું હતું કે પિચ પર બોલરોને મદદ મળી રહી છે ત્યારે તેણે ક્રિઝ પર જોરદાર રમવાનો પ્લાન બનાવ્યો. તે એમાં સફળ પણ રહ્યો અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી.
સંયમ સાથે રમ્યો રાહુલ
30 વર્ષીય કેએલ રાહુલના સંયમનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે 93 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રાહુલ ઘણીવાર ઝડપી રન બનાવવાનો પ્રયાસ કરે છે પરંતુ કોલકાતામાં તેણે ટીમ માટે પોતાની ઇનિંગ્સ સજાવી હતી. ઈનિંગની 41મી ઓવરના બીજા બોલ પર સિંગલ લઈને તેણે પોતાનો વ્યક્તિગત સ્કોર 50 સુધી પહોંચાડ્યો. જોકે બાદમાં અમ્પાયરે આ બોલને નો-બોલ ગણાવ્યો હતો, પરંતુ રાહુલના ખાતામાં એક રન જોડાયો હતો.
ભારતીયો દ્વારા કાતિલ બોલિંગ
આ પહેલા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોએ ફરીથી શાનદાર પ્રદર્શન કર્યું અને શ્રીલંકાની ટીમને 39.4 ઓવરમાં 215 રનના કુલ સ્કોર પર ઓલઆઉટ કરી દીધી. ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે 10 ઓવરમાં 51 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેના સિવાય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 5.4 ઓવર નાખી અને 30 રન આપીને 3 વિકેટ લીધી. યુવા ઝડપી બોલર ઉમરાન મલિકે 2 જ્યારે ઓલરાઉન્ડર અક્ષર પટેલને એક વિકેટ મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે