RR vs GT: અંતિમ ઓવરોમાં રાશિદ-તેવતિયાએ પલટી બાજી, રાજસ્થાનને મળી પ્રથમ હાર

IPL 2024: રાશિદ ખાન અને રાહુલ તેવતિયાની શાનદાર ઈનિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે પરાજય આપ્યો છે. 

RR vs GT: અંતિમ ઓવરોમાં રાશિદ-તેવતિયાએ પલટી બાજી, રાજસ્થાનને મળી પ્રથમ હાર

જયપુરઃ રાશિદ ખાને અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારી ગુજરાત ટાઈટન્સને રોમાંચક મેચમાં 3 વિકેટે જીત અપાવી છે. રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-2024માં પ્રથમવાર હારનો સામનો કરવો પડ્યો છે. રાહુલ તેવતિયા અને રાશિદ ખાનનો ગુજરાતની જીતમાં મહત્વનો ફાળો રહ્યો હતો. છેલ્લી બે ઓવરમાં ગુજરાતને જીત માટે 35 રનની જરૂર હતી. ત્યારે રાશિદ અને તેવતિયાએ રાજસ્થાન પાસેથી જીત છીનવી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 3 વિકેટે 196 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ગુજરાતે 20 ઓવરમાં 7 વિકેટે 199 રન બનાવી મેચ જીતી લીધી હતી. 

સાંઈ સુદર્શન અને ગિલ વચ્ચે અડધી સદીની ભાગીદારી
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત ધીમી રહી હતી. ટીમે પાવરપ્લેમાં 44 રન બનાવ્યા હતા. ગિલ અને સાંઈ સુદર્શને પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. સુદર્શન 29 બોલમાં 3 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 35 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ મેથ્યૂ વેડ માત્ર 4 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. 

શુભમન ગિલની શાનદાર ઈનિંગ
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે આજે પણ લાંબી ઈનિંગ રમી હતી. ગિલે 44 બોલમાં 6 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 72 ન બનાવ્યા હતા. ગિલ ચહલનો શિકાર બન્યો હતો. આ સીઝનમાં પ્રથમ મેચ રમી રહેલ અભિનવ મનોહર 1 પરન બનાવી આઉટ થયો હતો. વિજય શંકરે પણ માત્ર 16 રન ફટકાર્યા હતા. 

તેવતિયા-રાશિદે ગુજરાતને અપાવી જીત
ગુજરાત ટાઈટન્સની ટીમ એક સમયે મેચમાંથી બહાર લાગી રહી હતી. પરંતુ અંતિમ ઓવરોમાં રાશિદ ખાન, રાહુલ તેવતિયા અને શાહરૂખ ખાનની ઈનિંગની મદદથી શાનદાર જીત મેળવી હતી. શાહરૂખ ખાને 8 બોલમાં 14 રન ફટકાર્યા હતા. રાહુલ તેવતિયા 11 બબોલમાં 3 ચોગ્ગા સાથે 22 રન બનાવી આઉટ થયો હતો. તો રાશિદ ખાને 11 બોલમાં ચાર ફોર સાથે 24 રન બનાવ્યા હતા. 

રાજસ્થાને પાવરપ્લેમાં ગુમાવી 2 વિકેટ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ માટે જોસ બટલર અને યશસ્વીએ પ્રથમ વિકેટ માટે 32 રનની ભાગીદારી કરી હતી. યશસ્વી જયસ્વાલ 19 બોલમાં 5 ચોગ્ગા સાથે 24 રન બનાવી આઉટ થયો હતો. આ સફળતા ઉમેશ યાદવને મળી હતી. જોસ બટલર 8 રન બનાવી રાશિદનો શિકાર બન્યો હતો. રાજસ્થાને પાવરપ્લેમાં 2 વિકેટે 43 રન બનાવ્યા હતા. 

રિયાન પગાર અને સંજૂ સેમસન વચ્ચે સદીની ભાગીદારી
રિયાન પરાગ આ સીઝનમાં શાનદાર ફોર્મમાં છે. ગુજરાત ટાઈટન્સ સામે પણ રિયાન પરાગે કમાલની બેટિંગ કરી હતી. તેણે સંજૂ સેમનસ સાથે મળી ત્રીજી વિકેટ માટે 130 રનની ભાગીદારી પણ કરી હતી. રિયાન પરાગે 48 બોલમાં 3 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 76 રન બનાવ્યા હતા. તે મોહિત શર્માની ઓવરમાં આઉટ થયો હતો. 

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજૂ સેમસન 38 બોલમાં 7 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 68 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે હેટમાયર 13 રન બનાવી અણનમ રહ્યો હતો. ગુજરાત તરફથી ઉમેશ યાદવ, રાશિદ ખાન અને મોહિત શર્માને એક-એક વિકેટ મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news