World Cup 2019: ભારત-પાક 20 વર્ષ બાદ ફરી ઓલ્ડ ટ્રૈફર્ડમાં, ત્યારે આ ખેલાડી બન્યો હતો હિરો
ભારત અને પાકિસ્તાનની ટીમો 1999માં માનચેસ્ટરમાં ટકરાઈ હતી. ત્યારે અઝહર ભારત અને વસીમ અકરમ પાકિસ્તાનનો કેપ્ટન હતો.
Trending Photos
નવી દિલ્હીઃ આખરે તે સમય આવી ગયો છે જેની કરોડો ક્રિકેટપ્રેમિઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં છે. જી હાં, હવે બસ થોડી કલાકો બાદ ભારત અને પાકિસ્તાનની ટીમ આઈસીસી વિશ્વ કપમાં ટકરાવા જઈ રહી છે. સંયોગથી આ મુકાબલો તે મેદાન પર યોજાવા જઈ રહ્યો છે, જ્યાં 20 વર્ષ પહેલા વિશ્વ કપ મુકાબલામાં બંન્ને ટીમો ટકરાઈ હતી. ત્યારે તે મેચમાં ભારતનો વિજય થયો હતો. પરંતુ તે મેચમાં પાકિસ્તાની બોલરોએ ભારતીય બેટ્સમેનોને ખુબ પરેશાન કર્યાં હતા. આવો જાણીએ તે મેચની સંપૂર્ણ સ્થિતિ...
ભારત અને પાકિસ્તાનની ટીમો 1999ના વિશ્વકપમાં આઠ જૂને માનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર ટકરાઇ હતી. આ મેચ 8 જૂને રમાઇ હતી. ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ પાકિસ્તાનની મજબૂત બોલિંગ લાઇનઅપની સામે ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. હકીકતમાં રાહુલ દ્રવિડ (61), અઝહર (59) અને સચિન (45)ની ઈનિંગની મદદથી ભારતીય ટીમે 50 ઓવરમાં 6 વિકેટ પર 227 રનનો સ્કોર બનાવ્યો હતો.
ભારતનો આ સ્કોર મોટો નહતો અને હવે દારોમદાર બોલરો પર આવી ગયો હતો. 227નો સ્કોર બચાવવા દમદાર બોલિંગની જરૂર હતી. જ્યારે વાત પાકિસ્તાન સામે ટક્કરની હોયતો વેંકટેશ પ્રસાદ (5/27) કેમ પાછળ રહે. વેંકટેશ પ્રસાદે 9.3 ઓવરના સ્પેલમાં પાંચ વિકેટ ઝડપી હતી. જવાગલ શ્રીનાથ (3/37) અને અનિલ કુંબલ (2/43)એ પણ તેનો સાથ આપ્યો હતો. આ ત્રણેયે પાકિસ્તાનને માત્ર 180 રનમાં ઢેર કરી દીધું હતું. આ રીતે ભારતીય ટીમે આ મેચ 47 રનથી પોતાના નામે કરી હતી. વેંકટેશ પ્રસાદ મેન ઓફ ધ મેચ રહ્યો હતો.
મહત્વનું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી વિશ્વકપમાં છ વખત ટક્કર થઈ છે. ભારતે દર વખતે પાકિસ્તાનને હરાવ્યું છે. વિરાટ કોહલીની ટીમ પણ આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ કારણે તેની જીતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પાકિસ્તાન માટે એક વાત સકારાત્મક છે કે, તેણે બે વર્ષ પહેલા ભારતને ઈંગ્લેન્ડમાં હરાવ્યું હતું. તે ચેમ્પિયન્સ ટ્રોફીની તે જીતથી પોતાનું મનોબળ વધારવા ઈચ્છશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે