IND vs AUS : ઓસ્ટ્રેલિયા શ્રેણી મારો અંતિમ પ્રવાસ હોઈ શકે છે- ઈશાંત શર્મા

ટીમ ઈન્ડિયામાં અત્યારે સૌથી અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્માનું માનવું છે કે, ઓસ્ટ્રેલિયાની આગામી શ્રેણી તેનો અંતિમ પ્રવાસ હોઈ શકે છે 

Updated By: Nov 16, 2018, 05:38 PM IST
IND vs AUS : ઓસ્ટ્રેલિયા શ્રેણી મારો અંતિમ પ્રવાસ હોઈ શકે છે- ઈશાંત શર્મા
ઈશાંત શર્માને લાગે છે કે ઓસ્ટ્રેલિયા માટે ટીમ ઈન્ડિયાના હવે પછીના પ્રવાસમાં કદાચ જ તેને એન્ટ્રી મળે. (ફોટો- રોઈટર્સ)

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા ગુરૂવારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે રવાના થઈ ચૂકી છે. આગામી 21 નવેમ્બરથી ટીમ ઈન્ડિયા ત્રણ ટી20 ઈન્ટરનેશનલ મેચની શ્રેણી રમવાની છે. ત્યાર બાદ 6 ડિસેમ્બરથી ટીમ એડિલેડમાં ઓસ્ટ્રેલિય સાથે પ્રથમ ટેસ્ટ રમશે. ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયેલા ભારતના સૌથી અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા માટે આ તક 'અત્યારા નહીં તો ક્યારેય નહીં' જેવું છે. તેણે જણાવ્યું કે, તે પોતાના ચોથા અને સંભવતઃ અંતિમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પોતાનું સર્વસ્વ આપવા માગે છે. 

ઈશાંત વર્તમાન ટેસ્ટ ટીમમાં 87 મેચ રમવા સાથે સૌથી અનુભવી ખેલાડી છે. આ અગાઉ તે 2007-08, 2011-12 અને 2014-15માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનારી ભારતીય ટીમમાં સામેલ રહી ચૂક્યો છે. 

ઈંગ્લેન્ડના પ્રવાસ પછી બે મહિના બાદ પોતાની પ્રથમ મેચ રમવા જનારા ઈશાંતે જણાવ્યું કે, 'હું મારું સર્વસ્વ આપવા માગું છું. કેમ કે તમે જ્યારે દેશ માટે રમો છો ત્યારે તમે બીજી તક અંગે વિચારી શકો નહીં. હું અત્યારે 30 વર્ષનો છું. મને નથી લાગતું કે આગામી પ્રવાસ (ઓસ્ટ્રેલિયા 2022-23) માટે ટીમમાં રહીશ કે નહીં. કેમ કે એ સમયે હું 34 વર્ષનો થઈ જઈશ. આથી, વર્તમાન પ્રવાસમાં હું મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશ.'

ઈંગ્લેન્ડના પ્રવાસનો સૌથી સફળ બોલર
ઈંગ્લેન્ડના પ્રવાસની 5 ટેસ્ટમાં ઈશાંતે 18 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી. ઈશાંતનું માનવું છે કે, તે હવે વધુ પરિપક્વ થઈ ગયો છે. આ માનસિક સ્થિતિ છે, જે ઘણી વખત મેદાન પરના પ્રદર્શનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. 

ભારત તરફથી 87 ટેસ્ટમાં 256 વિકેટ લેનારા ઈશાંતે જણાવ્યું કે, "હવે હું પરિપક્વ છું અને એ સારી રીતે જાણું છું કે ફિલ્ડરોને ક્યાં ગોઠવવાના છે અને પરિસ્થિતી અનુસાર કેવા પ્રકારની બોલિંગ કરવાની છે. તમારી ઉંમર વધવાની સાથે જ શરીરને પણ નુકસાન પહોંચવા લાગે છે. આ બાબત માનસિક સ્થિતિ સાથે જોડાયેલી હોય છે. જો તમે ફીટ છો અને તમારી માનસિક સ્થિતી સારી છે તો તમે કહી શકો છો કે તમે સારી બોલિંગ કરી રહ્યા છો."

મેન્ટરની ભૂમિકામાં રહેશે ઈશાંત
કેપ્ટન કોહલી (73 મેચ) કરતાં પણ વધુ મેચ રમનારા ઈશાંતનું લક્ષ્ય નવી પેઢીના ફાસ્ટ બોલરોને એવી રીતે તૈયાર કરવાના છે કે તેઓ પણ કેટલાક વર્ષમાં અન્ય ફાસ્ટ બોલરો સાથે પોતાનું જ્ઞાન શેર કરી શકે. 

ઈશાંતે જણાવ્યું કે, "હું મારા અનુભવ વહેંચવા માગું છું. મારી પાસે જે કંઈ છે હું તેને આપું છું. ફિલ્ડિંગ ગોઠવી શકું છું અને તેમને જણાવી શકું છું કે ચોક્કસ વિકેટ પર કેવા પ્રકારની બોલિંગ કરવાની છે. યુવાન ફાસ્ટ બોલરોએ પણ સીનિયર બન્યા બાદ જૂનિયર બોલરોને માર્ગદર્શન આપવું જોઈએ."

ઈશાંત લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં નથી
ઈંગ્લેન્ડમાં 2013 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના વિજયના હીરો રહેલો ઈશાંત એ બાબતે દુખી છે કે તેને ભારતની મર્યાદિત ઓવરોની ટીમમાં સામેલ કરાયો નથી. તે માત્ર 80 વન ડે જ રમી શક્યો છે. 

ઈશાંતે જણાવ્યું કે, 'વન ડે મેચ રમતો નથી એ બાબતે મને ઘણું જ દુખ થાય છે. હું દેશ માટે ત્રણેય ફોર્મેટમાં રમવા માગું છું. જોકે, કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તમારા હાથમાં હોતી નથી. હું નકારાત્મક બાબતો અંગે વધુ વિચારતો નથી.'

ઓસ્ટ્રેલિયા પ્રવાસની ટીમ ઈન્ડિયા 
વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, લોકેશ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત (વિકેટ કીપર), પાર્થિવ પટેલ (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર.