INDvsAUS: રોહિતની સદી પાણીમાં, સિડની વનડેમાં ભારતનો 34 રને પરાજય

સિડનીમાં રમાયેલી પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 34 રને હરાવીને ત્રણ મેચોની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

 INDvsAUS: રોહિતની સદી પાણીમાં, સિડની વનડેમાં ભારતનો 34  રને પરાજય

સિડનીઃ  સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ત્રણ મેચોની સિરીઝના પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 34 રને હરાવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 288 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 289 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 254 રન બનાવી શકી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 133 રન બનાવ્યા હતા. તો ઓસ્ટ્રેલિયા તરફથી રિચર્ડસને 10 ઓવરમાં 26 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય બેહરનડ્રોફ તથા સ્ટોઇનિસને બે-બે સફળતા મળી હતી. સિડલે પણ એક વિકેટ ઝડપી હતી. શ્રેણીની બીજી વનડે એડિલેડમાં 15 જાન્યુઆરીએ રમાશે. 

289 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી અને શિખર ધવન પોતાનું ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. તેને કરિયરનો પ્રથમ મેચ રમી રહેલા જૈ,સન બેહરનડ્રોફે LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ જેયી રિચર્ડસને પોતાની એક ઓવરમાં કેપ્ટન કોહલી અને અંબાતી રાયડૂને આઉટ કરીને ભારતને બે ઝટકા આપ્યા અને બેકફૂટ પર લાવી દીધું હતું. ધવનની જેમ રાયડુ પણ શૂન્ટ પર આઉટ થયો અને કોહલીએ ત્રણ રન બનાવ્યા હતા. ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માએ ભારતને મુશ્કેલીમાંથી ઉગાર્યું હતું. બંન્નેએ 137 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન બંન્નેએ પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. ટીમનો સ્કોર 141 રન પર પહોંચ્યો ત્યારે ધોની 51 રન બનાવી આઉટ થયો હતો. 

ત્યારબાદ રોહિત અને ધોનીએ આશરે 28 ઓવર બેટિંગ કરી અને મળીને 137 રન જોડ્યા હતા. અહીં ધોનીને બેહરનડ્રોફે એલબી આઉટ કરીને પોતાનો બીજો શિકાર બનાવ્યો હતો. ધોનીએ 15 આંતરરાષ્ટ્રીય ઈનિંગ બાદ પોતાના કરિયરની બીજી સૌથી ધીમી અડધી સદી ફટકારી હતી. ધોની બાદ કાર્તિક મેદાને આવ્યો પરંતુ તે (12) રન બનાવી બોલ્ડ થયો હતો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા પણ (8) રન બનાવી રિચર્ડસનનો શિકાર બન્યો હતો. રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા 129 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 133 રન ફટકાર્યા હતા. તે આઉટ થતા ભારતની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું. અંતમાં ભુવનેશ્વર કુમારે 23 બોલમાં અણનમ 29 રન બનાવ્યા હતા. 

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ
ઓસ્ટ્રેલિયા તરફતી ઉસ્માન ખ્વાજા (59), શોન માર્શ (54) અને પીટર હૈંડ્સકોમ્બ (71) અડધી સદી ફટકારી હતી. તો માર્કસ સ્ટોઇનિસે 47 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે બે-બે તથા જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. 

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની ત્રીજી ઓવરમાં ભુવનેશ્વર કુમારે કેપ્ટન આરોન ફિન્ચ (6)ને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ કૈરીએ ઉસ્માન ખ્વાજા સાથે મળીને ઈનિંગને સંભાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે વિરાટે કુલદીપને બોલ આપ્યો એલેક્સ કૈરી (24) પહેલી સ્લિપમાં ઉભેલા રોહિત શર્નાના હાથે કેચઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા અને શોન માર્શની જોડીએ ઓસ્ટ્રેલિયાની ઈનિંગને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. બંન્ને બેટ્સમેનોએ ધૈર્ય સાથે બેટિંગ કરતા ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. 

ધીરજ સાથે રમતા ખ્વાજાએ પોતાના ગેયર બદલ્યા અને કેટલિક બાઉન્ડ્રી ફટકારીને રનરેટ વધારવાનો પ્રયાસ કર્યો હતો. આશરે એક વર્ષ બાદ વનડે ટીમમં પરત ફરેલા ખ્વાજાએ 70 બોલમાં 5 ચોગ્ગાની મદદથી પોતાના કરિયરની પાંચમી અડધી સદી પૂરી કરી હતી. પરંતુ ખ્વાજા મોટી ઈનિંગ રમવાથી ચુકી ગયો તેને જાડેજાએ LBW આઉટ કર્યો હતો. 

આ વચ્ચે શોન માર્શે પણ પોતાની અડધી સદી પૂરી કરીને પ્રવાસી ટીમને 200ની નજીક પહોંચાડી દીધી હતી. શોન માર્શના કરિયરની આ 13મી અડધી સદી હતી. ત્યારબાદ કુલદીપે શમીના હાથે માર્શને કેચઆઉટ કરાવ્યો હતો. બીજીતરફ પીટર હૈંડ્સકોમ્બે આક્રમક અડધી સદી પૂરી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે પોતાના કરિયરની બીજી અડધી સદી ફટકારી હતી. તે 61 બોલમાં 73 રન બનાવી ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. 

— cricket.com.au (@cricketcomau) January 12, 2019

ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈંડ્સકોમ્બ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, નાથન લિયોન, પીટર સિડલ, ઝાઇ રિચર્ડસન, જેસન બેહરનડોર્ફ. 

ભારતીય ટીમઃ શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, એમ.એસ.ધોની,રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ખલીલ અહમદ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news