Asian Games: કેપ્ટન રાનીની હેટ્રિકની મદદથી ભારતીય હોકી ટીમ સેમિફાઇનલમાં

ભારતીય મહિલા ટીમે અંતિમ ગ્રુપ-બી મેચમાં થાઇલેન્ડને 5-0થી પરાજય આપ્યો હતો. ટીમે પોતાનો ત્રીજો મેચ જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. 
 

Asian Games: કેપ્ટન રાનીની હેટ્રિકની મદદથી ભારતીય હોકી ટીમ સેમિફાઇનલમાં

જકાર્તાઃ કેપ્ટન રાની રામપાલની હેટ્રિકની મદદથી ભારતીય મહિલા ટીમે 18મી એશિયન ગેમ્સમાં સોમવારે પોતાની અંતિમ ગ્રુપ મેચ જીતી લીધી હતી. ભારતીય મહિલા ટીમે અંતિમ ગ્રુપ-બી મેચમાં થાઇલેન્ડને 5-0થી પરાજય આપ્યો હતો. ટીમે પોતાની ત્રીજી મેચ જીતીને સેમીમાં પ્રવેશ કરી લીધો છે. 

આ મેચની ચોથી મિનિટમાં ભારતીય ટીમની કેપ્ટન રાની રામપાલે સીધો શોટ માર્યો હતો પરંતુ તે વાઇડ થઈ ગયો હતો. ત્યારબાદ ભારતને પ્રથમ પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ ટીમ ગોલ કરવામાં અસફળ રહી હતી. 

દીપ ગ્રેસ એક્કાએ ડ્રેગ ફ્લિક કરીને શોટ માર્યો જેને થાઇલેન્ડની ગોલકીપરે રોકી લીધો હતો. ત્યારબાદ પ્રથમ ક્વાર્ટરનું સમાપન થયું હતું

બીજા ક્વાર્ટરમાં પણ બંન્ને ટીમો ગોલ માટે સંઘર્ષ કરતી દેખાઇ હતી. 16મી મિનિટે ફરી એકવાર ગોલની તક મળી પરંતુ બોલ વાઇડ થયો હતો. 25મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ તેનો લાભ પણ ભારતીય ટીમ ઉઠાવી ન શકી. આમ બીજો હાફ પણ ગોલવિહોણો રહ્યો હતો. 

ત્રીજા ક્વાર્ટરની શરૂઆત બાદ આગામી મિનિટે ભારતને ફરી પેનલ્ટી કોર્નર પર ગોલ કરવાની તક મળી પરંતુ આ વખતે પણ ભારતીય ટીમ અસફળ રહી હતી. 

ત્યારબાદ 35મી મિનિટે ફરી પેનલ્ટી કોર્નર મળ્યો અને તેમાં ભારતીય ટીમે કોઈ ભૂલ ન કરતા પોતાનો પ્રથમ ગોલ કર્યો હતો. આ ગોલ કેપ્ટન રાનીએ કર્યો. 

ચોથા ક્વાર્ટરમાં ભારતીય ટીમે થાઈલેન્ડના ડિફેન્સ પર હુમલો ચાલુ રાખ્યો અને તેના પરિણામસ્વરૂપ કેપ્ટન રાનીએ 46મી મિનિટમાં ફિલ્ડ ગોલ કરીને ટીમની લીડ 2-0 કરી દીધી હતી. 

ભારતીય ટીમને 51મી મિનિટમાં મળેલા પેનલ્ટી કોર્નરમાં પણ ગોલ કરી દીધો. દીપ ગ્રેસ એક્કાના શોટને થાઇલેન્ડના ડિફેન્સે રોક્યો પરંતુ મોનિકાએ તેને સીધો નેટમાં પહોંચાડીને ભારતનો સ્કોર 3-0 કરી દીધો હતો. 

નવજોત કૌરે 54મી મિનિટમાં ભારતીય ટીમ માટે ચોથો ફીલ્ડ ગોલ કર્યો હતો. 55મી મિનિટમાં રાનીએ ભારત માટે પાંચમો ગોલ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી અને ટીમને 5-0થી જીત અપાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news