રોહિત શર્મા બન્યો ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન
રોહિત શર્મા બન્યો ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન. તેણે કીવી બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ રોહિત શર્મા ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શુક્રવારે ઓકલેન્ડમાં રમાયેલી મેચમાં તેણે આ સિદ્ધિ મેળવી હતી. રોહિતે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડ્યો જે 2272 રન બનાવીને લિસ્ટમાં ટોપ પર હતો. તો પાકિસ્તાની ઓલરાઉન્ડર શોએબ મલિકના નામે 2263 રન છે.
રોહિતને આ મેચ શરૂ થયા પહેલા ગુપ્ટિલથી આગળ નિકળવા માટે 35 રનની જરૂર હતી. મલિકની વાત કરીએ તો તેણે 111 મેચોમાં 30.58ની એવરેજથી 2263 રન બનાવ્યા છે.
રોહિતે આ મેચમાં 50 રન બનાવ્યા હતા. આ ટી20 આંતરરાષ્ટ્રીયમાં તેની 16મી અડધી સદી હતી. રોહિતના નામે હવે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 2288 રન છે.
રોહિતે પોતાના 92માં ટી20 મેચમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ગુપ્ટિલ જે ઈજાને કારણે ભારત વિરુદ્ધ આ સિરીઝમાં રમી રહ્યો નથી તેણે 76 મેચમાં 33.91ની એવરેજ અને 132.71ની સ્ટ્રાઇક રેટથી 2 સદી અને 14 અડધી સદી સાથે 2272 રન બનાવ્યા છે.
ભારત તરફથી ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોના લિસ્ટમાં બીજા નંબર પર નિયમિત કેપ્ટન વિરાટ કોહલી છે, જેણે 65 મેચોમાં 2167 રન બનાવ્યા છે. કોહલીની બેટિંગ એવરેજ 49.25ની છે અને સ્ટ્રાઇક રેટ 136.11ની છે.
આ સાથે રોહિતે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 100 સિક્સ પણ પૂરી કરી છે. તે આમ કરનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન છે અને ભારતનો પ્રથમ બેટ્સમેન છે. ટી20 આંતરરાષ્ટ્રીયમાં ક્રિસ ગેલ અને માર્ટિન ગુપ્ટિલે સૌથી વધુ 103 સિક્સ ફટકારી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે