IPL 2019: રૈના-જાડેજાની આગળ પરાસ્ત થયા કોલકત્તાના બોલર, ચેન્નઈ ટોપ પર મજબૂત
કોલકત્તા નાઇટ રાઇડર્સને ચેન્નઈ સુપર કિંગ્સે કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલા આઈપીએલ સિઝન 12ના 29માં મેચમાં 5 વિકેટે પરાજય આપ્યો અને પોઈન્ટ ટેબલમાં નંબર-1નું સ્થાન મજબૂત કર્યું છે.
Trending Photos
કોલકત્તાઃ કોલકત્તા નાઇટ રાઇડર્સને ચેન્નઈ સુપર કિંગ્સે કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલા આઈપીએલ સિઝન 12ના 29માં મેચમાં 5 વિકેટે પરાજય આપ્યો અને પોઈન્ટ ટેબલમાં નંબર-1નું સ્થાન મજબૂત કર્યું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા અને ચેન્નઈને 162 રનનો લક્ષ્ય આપ્યો હતો. જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સે સુરેશ રૈનાના શાનદાર 58 રનની મદદથી 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 162 રન બનાવી લીધા અને કોલકત્તાને હરાવ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ પણ 17 બોલમાં અણનમ 31 રન ફટકારી ચેન્નઈના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ચેન્નઈને પ્રથમ ઝટકો શેન વોટસનના રૂપમાં લાગ્યો જ્યારે તેને હૈરી ગર્ને 6 રનના વ્યક્તિગત સ્કોર પર LBW આઉટ કર્યો હતો. સુનીલ નરેને ચેન્નઈને બીજો ઝટકો આપતા ફાફ ડુ પ્લેસિસને બોલ્ડ કર્યો હતો. પ્લેસિસે 24 રન બનાવ્યા હતા. રાયડૂ પાંચ રન બનાવી ચાવલાનો શિકાર બન્યો હતો. પીયૂષ ચાવલાએ કેદાર જાધવ (20)ને LBW આઉટ કરીને ચેન્નઈને ચોથો ઝટકો આપ્યો હતો. સુનીલ નરેને એમએસ ધોની (16)ને આઉટ કરીને કોલકત્તાને પાંચમી સફળતા અપાવી હતી.
કોલકત્તા નાઇટ રાઇડર્સની ઈનિંગ
ઇમરાન તાહિર (27/4)ની શાનદાર બોલિંગના દમ પર ચેન્નઈ સુપર કિંગ્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને 161 રન પર રોકી દીધું હતું. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તાના ઓપનર સુનીલ નરેન (2) અને ક્રિસ લિન (82)એ પ્રથમ વિકેટ માટે 38 રનની ભાગીદારી કરી હતી. લિને નીતિશ રાણા (21)ની સાથે બીજી વિકેટ માટે 41 રન જોડ્યા હતા. નીતિશ ટીમના (79) અને રોબિન ઉથપ્પા (0) ટીમના 80ના સ્કોર પર આઉટ થયા હતા. કોલકત્તાએ ત્યારબાદ 122ના સ્કોર પર લિનની પણ વિકેટ ગુમાવી દીધી હતી. લિને 51 બોલ પર સાત ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.
લિન આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા આંદ્રે રસેલ (10) કંઇ ખાસ ન કરી શક્યો અને ચાર બોલ પર એક ફોર અને એક સિક્સ ફટકારીને આઉટ થયો હતો. રસેલનો આ સિઝનમાં અત્યાર સુધીનો ન્યૂનતમ સ્કોર છે. રસેલ આઉટ થયા બાદ કોલકત્તાની ટીમ અંતિમ ત્રણ ઓવરમાં માત્ર 19 રન બનાવી શકી અને ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમના બેટ્સમેન અંતિમ ચાર ઓવરમાં એકપણ બાઉન્ડ્રી લગાવી શકી નહતી, જે કારણે ટીમ આઠ વિકેટ પર 161 રન સુધી પહોંચી શકી હતી.
કેપ્ટન દિનેશ કાર્તિકે 18 અને શુભમન ગિલ 20 બોલ પર 15 રન બનાવી શક્યો હતો. પીયૂષ ચાવલા ચાર રન બનાવીને અણનમ રહ્યો હતો. ચેન્નઈ તરફથી તાહિરની ચાર વિકેટ સિવાય શાર્દુલ ઠાકુરે 18 રન પર બે વિકેટ અને મિશેલ સેન્ટનરે 30 રન પર એક વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે