IPL 2022: ચેન્નઈએ પ્લેઓફની આશા જીવંત રાખી, દિલ્હીને 91 રને કારમો પરાજય આપ્યો

DC vs CSK: દિલ્હી કેપિટલ્સની ટીમ ફરી નિષ્ફળ રહી છે. ટીમનું પ્રદર્શન આ સીઝનમાં ચઢાવ-ઉતાર ભર્યુ રહ્યું છે. દિલ્હીને આજે ચેન્નઈએ 91 રનના મોટા અંતરે પરાજય આપ્યો છે. 

IPL 2022: ચેન્નઈએ પ્લેઓફની આશા જીવંત રાખી, દિલ્હીને 91 રને કારમો પરાજય આપ્યો

મુંબઈઃ ડેવોન કોનવેની શાનદાર બેટિંગ બાદ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-2022ની 55મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 91 રને પરાજય આપી પ્લેઓફની આશા જીવંત રાખી છે. ચેન્નઈની 11મી મેચમાં આ ચોથી જીત છે. તેના આઠ પોઈન્ટ થઈ ગયા છે. ટોસ હારી પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સ 17.4 ઓવરમાં 117 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

દિલ્હીના બંને ઓપનરો ફેલ
ચેન્નઈએ આપેલા પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને બીજી ઓવરમાં ઝટકો લાગ્યો હતો. આ સીઝનમાં પ્રથમ મેચ રમી રહેલ એસ ભરત 8 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ વોર્નર 19 રન બનાવી તીક્ષ્ણાનો શિકાર બન્યો હતો. દિલ્હીએ પાવરપ્લેમાં બે વિકેટે 59 રન બનાવ્યા હતા. 

મોઇન અલીનો શાનદાર સ્પેલ
દિલ્હી કેપિટલ્સને 72 રનના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. મિશેલ માર્શ 20 બોલમાં 25 રન બનાવી આઉટ થયો હતો. આ સફલતા મોઇન અલીને મળી હતી. ત્યારબાદ રિષભ પંત 11 બોલમાં ચાર ચોગ્ગા સાથે 21 રન બનાવી મોઇનની ઓવરમાં બોલ્ડ થયો હતો. રિપલ પટેલ 6 રન બનાવી આઉટ થયો હતો. મોઇન અલીએ 4 ઓવરમાં 13 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. 

દિલ્હીની ટીમનો થયો ધબડકો
દિલ્હીએ 72 રન પર ત્રીજી વિકેટ ગુમાવી અને 85 રન પર ટીમે સાત વિકેટ ગુમાવી દીધી હતી. મુકેશ ચૌધરીએ રોવમૈન પોવેલ (3) અને અક્ષર પટેલ (1) ને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. કુલદીપ યાદવ 5 રન બનાવી સિમરજીત સિંહનો શિકાર બન્યો હતો. શાર્દુલ ઠાકુરે 24 રન બનાવ્યા હતા. 

ચેન્નઈ તરફથી મોઇન અલીએ 13 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય મુકેશ ચૌધરી, સિમરજીત સિંહ, ડ્વેન બ્રાવોએ બે-બે તથા તીક્ષ્ણાએ એક વિકેટ લીધી હતી. 

ચેન્નઈના ઓપનરોની ધમાલ
જ્યારથી રુતુરાજ ગાયકવાડ સાથે ડેવોન કોનવેએ ઓપનિંગની શરૂઆત કરી છે, ત્યારથી ચેન્નઈની ટીમ મજબૂત લાગી રહી છે. આજે પણ બંને ઓપનરોએ આક્રમક શરૂઆત કરી હતી. ચેન્નઈએ પાવરપ્લેમાં વિના વિકેટે 57 રન બનાવ્યા હતા. ડેવોન કોનવે અને ગાયકવાડે પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી હતી. ગાયકવાડ 33 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 41 રન બનાવી આઉટ થયો હતો. 

ડેવોન કોનવેની સતત ત્રીજી અડધી સદી
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં વાપસી કર્યા બાદ ડેવોન કોનવે દમદાર પ્રદર્શન કરી રહ્યો છે. કોનવેએ સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. આજે કોનવેએ 49 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 87 રન ફટકાર્યા હતા. તેણે સ્પિનર અને ફાસ્ટ બોલરો સામે આક્રમક સ્વરૂપ અપનાવ્યું હતું. 

ચેન્નઈ માટે શિવમ દુબેએ 19 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 32 રન બનાવ્યા હતા. અંબાતી રાયડૂ માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. મોઇન અલી 9 અને ઉથપ્પા શૂન્ય રને આઉટ થયા હતા. તો એમએસ ધોનીએ 8 બોલમાં બે સિક્સ અને એક ફોર સાથે અણનમ 21 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી ખલીલ અહમદે બે, નોર્ત્જેએ ત્રણ અને માર્શે એક વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news