IPL Auction 2019: રાજસ્થાને ફરી જયદેવ પર ખેલ્યો દાવ, 8.4 કરોડમાં ખરીદ્યો

જયદેવને ગત સિઝનમાં રાજસ્થાને 11.5 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો પરંતુ ત્યારબાદ રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. જયદેવની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા હતી અને તેને 5 ગણી વધુ રકમ મળી છે. 

IPL Auction 2019: રાજસ્થાને ફરી જયદેવ પર ખેલ્યો દાવ, 8.4 કરોડમાં ખરીદ્યો

નવી દિલ્હીઃ ડાબોડી બોલર જયદેવ ઉનડકટને ફરી એકવાર રાજસ્થાન રોયલ્સે તેની ટીમમાં સામેલ કર્યો છે. આઈપીએલની 12મી સિઝન માટે મંગળવારે જયપુરમાં યોજાયેલી હરાજીમાં 27 વર્ષના ઉનડકટને રાજસ્થાને 8.4 કરોડની ભારે રકમ સાથે ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ હતી અને તેને પાંચ ગણી વધુ રકમ મળી છે. 

ઉનડકટ ગત સિઝનમાં આઈપીએલની હરાજીમાં 11.5 કરોડની રકમ મેળવીને સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો હતો. તેને ગત સિઝનમાં પણ રાજસ્થાન ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યો હતો. ભારતીયોમાં તેની બરોબર રકમ મેળવનાર વરૂણ ચક્રવર્તી છે, જેને કિંગ્સ ઇલેવન પંજાબે 8.4 કરોડમાં ખરીદ્યો છે. ભારતીયોમાં તેના બાદ અક્ષર પટેલનો નંબર આવે છે, જેને દિલ્હી કેપિટલ્સે 5 કરોડમાં ખરીદ્યો છે. 

રમી છે 10 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ
જયદેવ ઉનડકટે 10 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને તેના નામે 14 વિકેટ નોંધાયેલી છે. તેણે 110 ટી20 મેચ રમી જેમાં તેના નામે 134 વિકેટ છે. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 વખત 5 કે તેનાથી વધુ વિકેટ મેળવી ચુક્યો છે. તે ઈન્ડિયા એ અને ઈન્ડિયા અન્ડર-18 ટીમમાં પણ રમી ચુક્યો છે. આ સિવાય તે આઈપીએલમાં કોલકત્તા નાઇટરાઇડર્સ, રાઇઝિંગ પૂણે સુપજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં રમી ચુક્યો છે. 

આ ફાસ્ટરોને પણ મળી સારી રકમ
ફાસ્ટ બોલરોમાં શમી, મોહિત શર્મા અને વરૂણ આરોનને પણ સારી રકમ મળી છે. શમીને પંજાબે 4.8 કરોડમાં ખરીદ્યો છે. મોહિત શર્માને ચેન્નઈએ 5 કરોડ તથા વરૂણ આરોનને રાજસ્થાને 2.4 કરોડમાં લીધો છે. ઇશાંત શર્માને દિલ્હી કેપિટલ્સે 1.1 કરોડમાં ખરીદ્યો છે. 

વેલકમ બેક જયદેવ
રાજસ્થાને જયદેવનું સ્વાગત કર્યું છે. ટીમે ટ્વીટ કર્યું- વેલકમ બેક જયદેવ. પરંતુ ગત સિઝનમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને તે 15 મેચમાં માત્ર 11 વિકેટ ઝડપી શક્યો હતો. ત્યારબાદ રાજસ્થાને તેને રિલીઝ કરી દીધો હતો. 

— Rajasthan Royals (@rajasthanroyals) December 18, 2018

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news