Irani Cup: હનુમા વિહારીની સદી, રેસ્ટ ઓફ ઈન્ડિયા 330 રનમાં ઓલઆઉટ

શેષ ભારત (Rest of India)ની ટીમ રણજી ચેમ્પિયન વિદર્ભ વિરુદ્ધ ઈરાની કપના પહેલા દિવસે 330 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. 

Irani Cup: હનુમા વિહારીની સદી, રેસ્ટ ઓફ ઈન્ડિયા 330 રનમાં ઓલઆઉટ

નવી દિલ્હીઃ હનુમા વિહારી (114) અને મયંક અગ્રવાલ (95)ની શાનદાર ઈનિંગ છતાં ઈરાની કપના પ્રથમ દિવસે રેસ્ટ ઓફ ઈન્ડિયાની બેટિંગનો ધબડકો થયો હતો. અંજ્કિય રહાણેની આગેવાનીવાળી રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમનો એક સમયે સ્કોર 1 વિકેટે 171 રન હતો. ત્યારે લાગી રહ્યું હતું કે, ટીમ મોટો સ્કોર બનાવી શકે છે. પરંતુ વિદર્ભે બીજા અને ત્રીજા સત્રમાં શાનદાર વાપસી કરતા શેષ ભારતને 330 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. શેષ ભારતની અંતિમ વિકેટ અંતિમ ઓવરમાં પડી હતી. 

રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમે નાગપુરમાં રમાઈ રહેલી મેચમાં મંગળવારે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઓપનર મયંક અગ્રવાલ અને અનમોલપ્રીત સિંહે 45 રનની ઓપનિંગ ભાગીદારી કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. રજનીશ ગુરબાનીએ અનમોતપ્રીતને આઉટ કરીને વિદર્ભને પ્રથમ સફળતા અપાવી હતી. અનમોલપ્રીત 15 રન બનાવી આઉટ થયો હતો. 

અનમોલપ્રીત આઉટ થયા બાદ હનુમા વિહારી ક્રીઝ પર આવ્યો હતો. તેણે મયંકની સાથે સદીની ભાગીદારી કરીને રેસ્ટ ઓફ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું હતું. મયંક અગ્રવાલે ઈનિંગની 21મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. લંચ સુધી ટીમે એક વિકેટ ગુમાવી હતી. 

લંચ બ્રેક બાદ એટલે કે બીજા સેશનમાં વિદર્ભે ચાર વિકેટ ઝડપીને મેચમાં વાપસી કરી હતી. આ સેશનમાં હનુમા વિહારીએ 38મી ઓવરમાં સતત ત્રણ બોલ પર બાઉન્ડ્રી ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ મયંક અગ્રવાલ 95ના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. આ સફળતા યશ ઠાકુરને મળી હતી. 

મયંક અગ્રવાલ આઉટ થયા બાદ શેષ ભારતે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. કેપ્ટન રહાણે 13 અને શ્રેયસ અય્યર 19 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ઈશાન કિશન બે, કૃષ્ણપ્પા ગૌતમે 7, ધર્મેન્દ્ર જાડેજા છ રન બનાવી આઉટ થયો હતો. આ વચ્ચે હનુમા વિહારીએ પોતાની 16મી ફર્સ્ટક્લાસ સદી પૂરી કરી હતી. તે સદી ફટકાર્યા બાદ 114 રનના સ્કોરે આદિત્ય સરવટેનો શિકાર બન્યો હતો. 

હનુમા વિહારી રેસ્ટ ઓફ ઈન્ડિયાના આઠમાં બેટ્સમેનના રૂપમાં આઉટ થયો હતો. તે જ્યારે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 295 રન હતો. ત્યારબાદ ટીમ 35 રન જોડીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વિદર્ભ માટે આદિત્ય સરવટે અને અક્ષય વખારેએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news