ટી20 વિશ્વકપ-2007ના હીરો આ ગુજ્જુ ક્રિકેટરે ક્રિકેટને કહ્યું અલવિદા

મૂળ વડોદરાના અને ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી દીધી છે.  

ટી20 વિશ્વકપ-2007ના હીરો આ ગુજ્જુ ક્રિકેટરે ક્રિકેટને કહ્યું અલવિદા

અમદાવાદઃ Irfan Pathan retirement: ગુજરાતનું ગૌરવ અને ભારતને 2007ના વર્લ્ડ ટી20નું ટાઇટલ અપાવનાર  ઇરફાન પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ઇરફાન પઠાણ બ્લૂ જર્સીમાં ભારત માટે છેલ્લે 2 ઓક્ટોબર 2012માં રમતો જોવા મળ્યો હતો. તે છેલ્લા ઘણા વર્ષેથી ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યો હતો. હવે તેણે 35 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે. આ નિર્ણયની સાથે તેના 16 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરનો અંત આવી ગયો છે. 

ઇરફાને પોતાને ગણાવ્યો ભાગ્યશાળી
ઇરફાન પઠાણે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર સત્તાવાર રીતે પોતાની નિવૃતીની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે, વડોદરાની એક જગ્યાથી હું આ મુકામ પર પહોંચ્યો તે માટે મારી જાતને ભાગ્યશાળી માનુ છું. તેમણે કહ્યું કે, મેં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વિરેન્દ્ર સહેવાગ, ગંભીર જેવા ક્રિકેટરની સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો આ મારૂ નસીબ હતું. પઠાણે આ તકે પોતાના ચાહનારાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે, ફેન્સે ગમે તે સ્થિતિમાં મારો સાથ આપ્યો છે. આ માટે તેમનો ખુબ ખુબ આભાર. 

2007 ટી20 વિશ્વકપ ફાઇનલમાં બન્યો હતો મેન ઓફ ધ મેચ
ભારતે ધોનીની આગેવાનીમાં અત્યાર સુધી એકમાત્ર ટી20 વિશ્વકપનું ટાઇટલ 2007માં જીત્યું હતું. ભારતે ફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ ફાઇનલ મેચમાં ઇરફાન પઠાણે 4 ઓવરમાં 16 રન આપીને મહત્વની ત્રણ વિકેટ ઝડપી હતી. ઇરફાન પઠાણે જણાવ્યું કે, આ ત્રણ વિકેટમાં આફ્રિદીની વિકેટ સૌથી મહત્વની હતી. તેણે કહ્યું કે, વિશ્વકપ જીતવો મારા જીવનની સૌથી મોટી ક્ષણ હતી. 

જમ્મૂ-કાશ્મીર માટે રમી પાછલી ડોમેસ્ટિક સિઝન
પઠાણે પાછલી રણજી ટ્રોફી સિઝન જમ્મૂ-કાશ્મીર માટે રમી હતી. તે આ ટીમનો કોચ પણ છે. તેણે અંતિમ ડોમેસ્ટિક મેચ કેરલ વિરુદ્ધ 27 ફેબ્રુઆરી 2019ના રમી હતી. આ મેચમાં તેણે 10 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 

ટેસ્ટમાં ઇરફાન પઠાણનું પ્રદર્શન
ઇરફાન પઠાણના કરિયરની વાત કરીએ તો તેણે ભારત માટે 29 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 31.57ની એવરેજથી 1105 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 6 અડધી સદી સામેલ છે. તેના નામે 32.26ની એવરેજથી 100 વિકેટ છે. તેનું બોલિંગમાં બેસ્ટ પ્રદર્શન 59 રન આપીને 7 વિકેટ છે. ટેસ્ટમાં તેણે 2 વખત 10 કે તેથી વધુ વિકેટ, 7 વખત 5  વિકેટ અને 2 વાર ચાર વિકેટ ઝડપી છે. 

પ્રથમ મેચ vs ઓસ્ટ્રેલિયાઃ ડિસેમ્બર 12-16, 2003
અંતિમ મેચ vs દક્ષિણ આફ્રિકા, એપ્રિલ 3-5, 2008

વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય કરિયર
વનડે કરિયરમાં આ ઓલરાઉન્ડરે 120 મેચ રમી અને 23.29ની એવરેજથી 1544 રન બનાવ્યા છે. તેના નામે 5 અડધી સદી છે. જ્યારે તેણે 173 વિકેટ ઝડપી છે. તો ટી20 ફોર્મેટમાં પઠાણે ભારતીય ટીમ માટે 24 મેચમાં 172 રન બનાવ્યા અને 28 વિકેટ ઝડપી હતી. 

વનડે
પ્રથમ મેચ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, જાન્યુારી 9, 2004
અંતિમ મેચ વિરુદ્ધ શ્રીલંકાઃ ઓગસ્ટ 4, 2012

ટી20
પ્રથમ મેચ વિરુદ્ધ આફ્રિકા, 1 ડિસેમ્બર 2006
અંતિમ મેચ વિરુદ્ધ આફ્રિકા, ઓક્ટોબર 2, 2012

આઈપીએલમાં પઠાણનું પ્રદર્શન
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પણ પઠાણનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ઘણી ટીમો માટે રમનારા ઇરફાન પઠાણે 103 મેચોમાં 1139 રન બનાવ્યા અને બોલની સાથે 33.11ની એવરેજથી 80 વિકેટ પોતાના નામે કરી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news