ઓલિમ્પિક ક્વોલિફાયરઃ ભારતીય પુરૂષ ટીમ રૂસ તો મહિલા ટીમ અમેરિકા સામે ટકરાશે

ટોક્યો ઓલિમ્પિક ક્વોલિફાયર માટે ભારતીય પુરૂષ ટીમને આસાન ડ્રો મળ્યો છે. તેણે રૂસ સામે રમવાનું છે, જ્યારે મહિલા હોકી ટીમ માટે આ મુહિમમાં પડકાર થોડો મુશ્કેલ છે. મહિલા ટીમે આ ડ્રોમાં અમેરિકા સામે ટકરાવાનું છે. 
 

ઓલિમ્પિક ક્વોલિફાયરઃ ભારતીય પુરૂષ ટીમ રૂસ તો મહિલા ટીમ અમેરિકા સામે ટકરાશે

લુસાને (સ્વિટ્ઝર્લેન્ડ): ભારતીય પુરૂષ હોકી ટીમને સોમવારે ટોક્યો ઓલિમ્પિક ક્વોલિફાયરના અંતિમ રાઉન્ડમાં આસાન ડ્રો મળ્યો છે. ટીમ ઈન્ડિયાને નિચલા રેન્કિંગવાળી રૂસની ટીમ સામે ટકરાવાનું છે, જ્યારે મહિલા ટીમને અમેરિકાના રૂપમાં મજબૂત વિરોધી મળ્યો છે. ટોક્યો ગેમ્સમાં જગ્યા બનાવવા માટે ટીમો વચ્ચે સતત બે મેચ રમાશે. 

ભારતીય પુરૂષ ટીમ 1 અને 2 નવેમ્બરે રૂસ સામે ટકરાશે, જ્યારે મહિલા ટીમ 2 અને 3 નવેમ્બરે ભુવનેશ્વરમાં અમેરિકા સામે ટકરાશે. 8 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ભારતની એફઆઈએચ વર્લ્ડ રેન્કિંગ 5 જ્યારે રૂસની 22 છે. આ વર્ષે ભુવનેશ્વરમાં એફઆઈએચ સિરીઝ ફાઇનલ દરમિયાન પણ ભારતે રૂસને 10-0થી હરાવ્યું હતું. 

અમેરિકાની મહિલા ટીમ રેન્કિંગમાં 13મા ક્રમે છે, જ્યારે ભારતીય મહિલા ટીમ 9મા સ્થાને છે પરંતુ રાની રામપાલની આગેવાની વાળી ટીમ માટે આ મુકાબલો આસાન રહેશે નહીં. પાછલા વર્ષે લંડનમાં મહિલા વર્લ્ડ કપ દરમિયાન બંન્ને વચ્ચે રમાયેલો મુકાબલો 1-1થી બરોબર રહ્યો હતો. 

ભારતીય પુરૂષ હોકી ટીમના મુખ્ય કોચ ગ્રાહમ રીડે કહ્યું કે, તેમને ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરવામાં વિશ્વાસ છે. રીડે કહ્યું, 'અમે ઓલિમ્પિક ક્વોલિફિકેશન હાસિલ કરવાને લઈને પ્રતિબદ્ધ છીએ અને આ દરમિયાન અમારૂ ધ્યાન અમારા ડિફેન્સમાં સુધાર કરવા પર રહેશે. મારૂ માનવું છે કે ટ્રેનિંગ અને વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમો વિરુદ્ધ રમવાથી અમે ક્વોલિફાયર માટે સારૂ મંચ મળશે.'

ભારતીય મહિલા હોકી ટીમના કોચ શોર્ડ મારિનને પણ પોતાની ટીમની સંભાવનાઓને લઈને ખાતરી છે. ક્વોલિફાયરની તયારી હેઠળ ભારતીય મહિલા ટીમ આ મહિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની સિરીઝ રમશે. રાની રામપાલે કહ્યું, 'મારૂ હંમેશા માનવું રહ્યું છે કે જો અમારી તૈયારી સારી હોય તો તે મહત્વ રાખતું નથી કે અમે કોની વિરુદ્ધ રમી રહ્યાં છીએ અને તેના પર અમારૂ ધ્યાન છે.'

પુરૂષ વર્ગના અન્ય ક્વોલિફાયર મેચોમાં નેધરલેન્ડનો સામનો પાકિસ્તાન, ગ્રેટ બ્રિટનનો મલેશિયા, સ્પેનનો ફ્રાન્સ, જ્યારે ન્યૂઝીલેન્ડ કોરિયા અને કેનેડા આયર્લેન્ડ વિરુદ્ધ ટકરાશે. 

જર્મનીએ આ ક્વોલિફાયરમાં ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરવો પડશે. મહિલા વર્ગમાં ઓસ્ટ્રેલિયાનો સામનો રૂસ સામે થશે, જ્યારે જર્મનીનો ઈટાલી, ગ્રેટ બ્રિટનનો ચિલી, સ્પેનનો કોરિયા, આયર્લેન્ડનો કેનેડા અને ચીન બેલ્જિયમ સામે ટકરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news