ODI: આખરે શિખર ધવન આવ્યો ફોર્મમાં, 17 ઈનિંગ બાદ ફટકારી સદી
ઓપનર શિખર ધવને 97 બોલમાં 12 ચોગ્ગા અને 1 સિક્સની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. આ તેના વનડે કરિયરની 16મી સદી છે.
Trending Photos
મોહાલીઃ ઓપનર શિખર ધવન (143)એ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી વનડેમાં આખરે પોતાના બેટનો જલવો દેખાડી દીધો છે. શિખરે અહીં પોતાના વનડે કરિયરની 16મી સદી ફટકારીને ભારતના મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો. તેણે 97 બોલમાં 12 ફોર અને એક સિક્સની મદદથી 100 રન પૂરા કર્યા હતા. તે 150 રન તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે પેટ કમિન્સે તેને બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તેણે પોતાના વનડે કરિયરના સર્વશ્રેષ્ઠ સ્કોર દરમિયાન 115 બોલનો સામનો કર્યો, જ્યારે 18 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી હતી. તેની વિકેટ 38મી ઓવરમાં પડી હતી. બીજીતરફ તેની સાથે રોહિત શર્મા (95) પોતાની સદી ચુકી ગયો હતો.
ધવને પોતાની આ સદી 17 ઈનિંગ બાદ ફટકારી છે. આ પહેલા તેણે એશિયા કપમાં આશરે 6 મહિના પહેલા પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. દુબઈના મેદાનમાં ત્યારે ધવને 114 રનની ઈનિંગ રમી હતી.
પોતાના વનડે કરિયરની 127મી મેચ રમી રહેલો ધવન ફોર્મમાં આવવાથી ટીમ ઈન્ડિયાને થોડી રાહત જરૂર મળી છે. આ પહેલા ધવન જલ્દી આઉટ થવાથી ઓપનિંગ જોડીની ભાગીદારી ન મળવાને કારણે કોહલી સહિત ટીમના મિડલ ઓર્ડર પર દબાવ વધી જતો હતો. છેલ્લી છ વનડે ઈનિંગમાં ધવને 30 રનનો આંકડો પણ પાર ન કર્યો હતો. પરંતુ આજે સદી ફટકારીને ન માત્ર તેને પરંતુ ટીમ મેનેજમેન્ટને પણ રાહત મળી હશે.
Shikhar Dhawan departs after a well made 143 #TeamIndia 254/2 after 37.4 overs pic.twitter.com/Ga8sTbCBYw
— BCCI (@BCCI) March 10, 2019
મોહાલીનું મેદાન ધવન માટે ખાસ બનતું જઈ રહ્યું છે. શિખરે આ મેદાન પર વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારે તેણે 187 રન બનાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે