પુલવામા હુમલા બાદ ક્રિકેટને નિશાન બનાવવું નિરાશાજનકઃ સરફરાઝ અહમદ

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સાથે વિશ્વકપમાં ન રમવાની માગ ઉગ્ર બની છે. આ વચ્ચે પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે કહ્યું કે, રમત અને રાજનીતિને દૂર રાખવા જોઈએ. 
 

પુલવામા હુમલા બાદ ક્રિકેટને નિશાન બનાવવું નિરાશાજનકઃ સરફરાઝ અહમદ

કરાચીઃ પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સાથે દરેક પ્રકારના સંબંધો તોડવાની માગ વચ્ચે પાડોસી દેશની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહમદનું નિવેદન આવ્યું છે. સરફરાઝે કહ્યું કે, પુલવામા હુમલા બાદ ક્રિકેટને નિશાન બનાવવું નિરાશાજનક છે અને વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર યોજાવી જોઈએ. ભારતમાં આ મેચના બહિષ્કારની ઉઠી રહેલી માગ વચ્ચે સરફરાઝે કહ્યું કે, પાકિસ્તાન ક્યારેય રમતને રાજનીતિથી જોડતું નથી. 

પાકિસ્તાનના કેપ્ટને રમતને રાજનીતિથી દૂર રાખવાની અપીલ કરતા કહ્યું કે, બંન્ને દેશોના ક્રિકેટ દર્શકોના ઉત્સાહને જોતા આ મેચ રમાવી જોઈએ. સરફરાઝે એક પાકિસ્તાન વેબસાઇટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, ભારત અને પાકિસ્તાનનો મેચ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર યોજાવો જોઈએ કારણ કે, લાખો લોકો છે જે મેચ જોવા ઈચ્છે છે. મારુ માનવું છે કે, રાજકીય હિતો માટે ક્રિકેટને નિશાન ન બનાવવું જોઈએ. 

તેણે કહ્યું, પુલવામા હુમલા બાદ ક્રિકેટને નિશાન બનાવવું નિરાશાજનક છે. મને યાદ નથી કે પાકિસ્તાને ક્યારેય રમતને રાજનીતિ સાથે જોડી હોય. તેણે કહ્યું કે, રાજનીતિના ફાયદા માટે ક્રિકેટને નિશાન ન બનાવવું જોઈએ. 

સીઓએએ સરકાર પર છોડ્યો નિર્ણય
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથે દરેક પ્રકારના સંબંધ તોડવાની માગ કરવામાં આવી રહી છે. તેમાં ક્રિકેટ પણ સામેલ છે. ઘણા સીનિયર ખેલાડીઓનું કહેવું છે કે, ભારતે 16 જૂને પાકિસ્તાન સામે યોજાનારી મેચ રમવી જોઈએ નહીં. શુક્રવારે તેના પર પ્રશાસકોની સમિતિની બેઠક યોજાઇ હતી. 

તેમણે મુદ્દો સરકારને સોંપી  દીધો છે કહ્યું કે, તે આગળ નિર્ણય કરશે મેચ રમવો જોઈએ કે નહીં. આ સાથે સીઓએએ આઈસીસી સહિત અન્ય દેશોને પણ પત્ર લખ્યો છે. જેમાં એવા દેશો સાથે સંબંધ તોડવાનું કહેવામાં આવ્યું છે, જે આતંકનો ગઢ હોય. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news