ENG vs IND: રિષભ પંત અને હાર્દિક પંડ્યા જીતના હીરો, ઈંગ્લેન્ડને હરાવી ભારતે જીતી વનડે સિરીઝ
ENG vs IND ODI: ભારતે માન્ચેસ્ટરના ઓલ્ટ ટ્રેફર્ડમાં રમાયેલી ત્રણ મેચની સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ભારતે વનડે સિરીઝ 2-1થી કબજે કરી લીધી છે.
Trending Photos
માન્ચેસ્ટરઃ રિષભ પંતની વનડે કરિયરની પ્રથમ સદી () અને હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડર પ્રદર્શન (71 રન અને 4 વિકેટ) ની મદદથી ભારતે ઓલ્ટ ટ્રેફર્ડમાં રમાયેલી નિર્ણાયક વનડે મેચમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે પરાજય આપી શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 45.5 ઓવરમાં 259 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે 42.1 ઓવરમાં 261 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. રિષભ પંતે ભારત તરફથી શાનદાર સદી ફટકારતા અણનમ 125 રન બનાવ્યા હતા.
ભારતની ખરાબ શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ત્રીજી ઓવરમાં શિખર ધવન (1) ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ધવન ટોપ્લેનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા 17 બોલમાં 17 રન બનાવી ટોપ્લેની ઓવરમાં રૂટના હાથે કેચઆઉટ થયો હતો. વિરાટ કોહલી ફરી મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. કોહલી 17 રન બનાવી ટોપ્લેની ઓવરમાં વિકેટની પાછળ કેચ આઉટ થયો હતો. ભારતે 38 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. સૂર્યકુમાર યાદવ 16 રન બનાવી આઉટ થયો હતો.
હાર્દિક પંડ્યા અને રિષભ પંત વચ્ચે સદીની ભાગીદારી
ભારતીય ટીમે એક સમયે 72 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ હાર્દિક પંડ્યા અને રિષભ પંતે સંકટમાં રહેલી ટીમને બહાર કાઢી હતી. પંત અને પંડ્યાએ પાંચમી વિકેટ માટે 133 રનની ભાગીદારી કરી હતી. હાર્દિક પંડ્યાએ 55 બોલમાં 10 ચોગ્ગા સાથે 71 રન ફટકાર્યા હતા.
રિષભ પંતના વનડે કરિયરની પ્રથમ સદી
ભારતના યુવા વિકેટકીપર રિષભ પંતે આજે સ્થિતિ પ્રમાણે બેટિંગ કરી હતી. પંતે ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે પંડ્યા સાથે મળીને ભાગીદારી કરી. શરૂઆતમાં ધીમી બેટિંગ કર્યા બાદ રિષભ પંતે 106 બોલમાં પોતાના વનડે ક્રિકેટની પ્રથમ સદી ફટકારી હતી. પંતે 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તો રિષભ પંત રાહુલ દ્રવિડ અને કેએલ રાહુલ બાદ એશિયાની બહાર સદી ફટકારનાર ભારતનો ત્રીજો વિકેટકીપર બની ગયો છે. રિષભ પંતે 113 બોલમાં 16 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 125 રન બનાવ્યા હતા.
મોહમ્મદ સિરાજે ભારતને અપાવી શરૂઆતી સફળતા
ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો પ્રથમ નિર્ણય કર્યા બાદ મોહમ્મદ સિરાજે બીજી જ ઓવરમાં ઈંગ્લેન્ડને બે ઝટકા આપ્યા હતા. જોની બેયરસ્ટો અને જો રૂટ ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા. ઈંગ્લેન્ડે 12 રનમાં બે વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ જેસન રોય (41) અને બેન સ્ટોક્સે ત્રીજી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી. જેસન રોય 31 બોલમાં 41 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો.
બટલરે સંભાળી ઈંગ્લેન્ડની ઈનિંગ
બેન સ્ટોક્સ પણ 27 રન બનાવી હાર્દિકનો શિકાર બન્યો હતો. ઈંગ્લેન્ડે 74 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મોઈન અલી અને જોસ બટલરે પાંચમી વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી હતી. મોઈન અલી 44 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 34 રન બનાવી જાડેજાની ઓવરમાં આઉટ થયો હતો. જોસ બટલરે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન ફટકાર્યા હતા. બટલર 80 બોલમાં 60 રન બનાવી આઉટ થયો હતો.
લિયામ લિવિંગસ્ટોન 24 રન બનાવી હાર્દિકનો શિકાર બન્યો હતો. અંતમાં ડેવિડ વિલી 18 અને ક્રિસ ઓવર્ટનના 32 રનની મદદથી ઈંગ્લેન્ડ 250ને પાર થવામાં સફળ રહ્યું હતું. વિલી અને ઓવર્ટનને ચહલે આઉટ કર્યા હતા.
હાર્દિક પંડ્યા છવાયો
ભારત તરફથી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સૌથી સફળ બોલર રહ્યો હતો. પંડ્યાએ જેસન રોટ, જોસ બટલર, બેન સ્ટોક્સ અને લિવિંગસ્ટોનની વિકેટ ઝડપી હતી. પંડ્યાએ 7 ઓવરમાં 3 મેડન સાથે 24 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય યુઝવેન્દ્ર ચહલે 60 રન આપીને ત્રણ સફળતા મેળવી હતી. સિરાજને બે અને જાડેજાને પણ એક વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે