CSK vs LSG: કેમ લખનૌ સામે 210 રન છતાં હારી ગયું ચેન્નઈ? કેપ્ટન ગાયકવાડે આપ્યો જવાબ
CSK vs LSG: ચેન્નઈ સુપર કિંગ્સને લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ સતત બીજી મેચમાં હાર મળી છે. પોતાના હોમ ગ્રાઉન્ડ પર 210 રન બનાવવા છતાં ચેન્નઈએ હારનો સામનો કરવો પડ્યો છે. કેપ્ટન ગાયકવાડે પણ સદી ફટકારી હતી છતાં ટીમ જીતી શકી નહીં.
Trending Photos
ચેન્નઈઃ આઈપીએલ 2024માં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમની સફર ઉતાર-ચડાવ ભરેલી રહી છે. સતત બે જીતની સાથે લીગની શરૂઆત કરનાર રુતુરાજ ગાયકવાડની ટીમને 8 મેચમાં 4 જ જીત મળી છે. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ સતત બીજી મેચમાં ચેન્નઈને હાર મળી છે. પોતાના ઘર પર રમતા ચેન્નઈની ટીમ 210નો સ્કોર પણ ડિફેન્ડ કરી શકી નહીં. આઈપીએલની આ સીઝનમાં ચેન્નઈની ચેપોક સ્ટેડિયમ પર પહેલી હાર છે.
ગાયકવાડે ઝાકળને ગણાવી જવાબદારી
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ અનુસાર ઝાકળ તેની ટીમની હારનું કારણ રહી. તેણે મેચ બાદ કહ્યું- હારને પચાવવી મુશ્કેલ છે, પરંતુ સારી રમત જોવા મળી. લખનૌએ અંતમાં ખુબ સારૂ પ્રદર્શન કર્યું. અમે 13-14 ઓવર સુધી મેચને અમારા કબજામાં રાખી હતી, પરંતુ સ્ટોઇનિસે શાનદાર બેટિંગ કરી. ઝાકળે અસર કરી, ખુબ વધુ ઝાકળ હોવાને કારણે અમારા સ્પિનરો નબળા બની ગયા હતા. બાકી અમે મેચને સારી રીતે નિયંત્રિત કરી શકતા હતા અને તેને આગળ લઈ જઈ શકતા હતા. પરંતુ આ રમતનો ભાગ છે, તેને નિયંત્રિત કરી શકાય નહીં.
જાડેજા કેમ નંબર 4 પર આવ્યો?
રવીન્દ્ર જાડેજાને નંબર ચાર પર રમવાના સવાલ પર સીએસકે કેપ્ટને કહ્યું- જાડેજા નંબર 4 પર બેટિંગ કરી રહ્યો છે કારણ કે અમે પાવરપ્લેની અંદર બીજી વિકેટ ગુમાવી દીધી. અમારી રણનીતિ સ્પષ્ટ છે કે જો પાવરપ્લે બાદ કોઈ વિકેટ પડે છે તો શિવમ બેટિંગ માટે આવશે. અમે બેટરોને બાદમાં આઉટ થવા માટે મજબૂર ન કરી શકીએ. ઈમાનદારીથી કહું તો મને લાગે છે કે અમારો ટાર્ગેટ ઓછો હતો. પરંતુ લખનૌએ જે રીતે બેટિંગ કરી તેની પ્રશંસા કરીએ છીએ.
મેચમાં શું થયું?
લખનૌ સુપર જાયન્ટ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી20 મેચમાં મંગળવારે અહીં ચેન્નઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું હતું. સીએસકેને 4 વિકેટ પર 210 રન પર રોક્યા બાદ એલએસજીએ ત્રણ બોલ બાકી રહેતા જીત મેળવી હતી. લખનૌ માટે માર્કસ સ્ટોઇનિસે 63 બોલમાં અણનમ 124 રન બનાવી ટીમને યાગદાર જીત અપાવી હતી. સીએસકે માટે મથીસ પથિરાનાએ 35 રન આપી બે વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે