આઈસીસીએ સનથ જયસૂર્યા પર લગાવ્યો 2 વર્ષનો પ્રતિબંધ

49 વર્ષીય જયસૂર્યા આ પ્રતિબંધ બાદ 2021 સુધી ક્રિકેટ સાથે જોડાયેલા કોઈપણ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. 
 

આઈસીસીએ સનથ જયસૂર્યા પર લગાવ્યો 2 વર્ષનો પ્રતિબંધ

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (આઈસીસી) શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન સનથ જયસૂર્યા પર ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. આઈસીસીએ મંગળવારે એક એક નિવેદનમાં કહ્યું કે, જયસૂર્યાને આઈસીસી ભ્રષ્ટાચાર વિરોધી દળની બે સંહિતાઓના ઉલ્લંઘન કરવાનો દોષિ સાબિત ગણવામાં આવ્યો છે. તેને તપાસમાં સહયોગ ન કરવાનો પણ દોષિ ગણવામાં આવ્યો છે. 

ક્રિકેટ શ્રીલંકાની પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ જયસૂર્યાએ આ પ્રતિબંધને સ્વીકાર કરી લીધો છે. આ પ્રતિબંધ બાદ તે 2021 સુધી ક્રિકેટ સાથે જોડાયેલા કોઈપણ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. સનથ જયસૂર્યાએ 445 વનડે, 110 ટેસ્ટ અને 31 ટી20 મેચ રમી છે. તેણે 1996માં શ્રીલંકાને વિશ્વ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1990ના દશકમાં જયસૂર્યા અને રોમેશ કાલૂવિતર્ણાની જોડી સૌથી વિસ્ફોટક ઓપનિંગ જોડી માનવામાં આવતી હતી. 

49 વર્ષના સથન જયસૂર્યા પર લાગેલા પ્રતિબંધ શ્રીલંકામાં ક્રિકેટમાં એસીયૂના ભ્રષ્ટાચાર વિરોધી તપાસનો એક ભાગ છે. એસીયૂએ હાલમાં શ્રીલંકન ક્રિકેટના સંબધમાં એક માફી યોજનાનું આયોજન કર્યું હતું, જેના પરિણામસ્વરૂપ 11 ખેલાડી સામે આવ્યા હતા. આઈસીસીના જનરલ મેનેજર એલેક્સ માર્શલે કહ્યું, આ માફી યોજનાએ શાનદાર કામ કર્યું છે અને આ સંબંધમાં ઘણી મહત્વપૂર્ણ ગુપ્ત જાણકારી આપી છે. આ જાણકારીની મદદથી અમને થોડો સહયોગ મળ્યો છે અને કેટલિક નવી તપાસ ચાલી રહી છે. 

સનથ જયસૂર્યાએ 110 ટેસ્ટ મેચોમાં 40.07ની એવરેજથી 6973 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 340 રન છે. જયસૂર્યાએ ટેસ્ટ ક્રિકેટમાં 14 અને વનડેમાં 28 સદી ફટકારી છે. 445 વનડે રમનાર જયસૂર્યાના નામે 32.36ની એવરેજથી 13430 રન નોંધાયેલા છે. વનડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 189 રન છે. શ્રીલંકાના આ દિગ્ગજે 31 ટી20 મેચોમાં 23.29ની એવરેજથી 629 રન બનાવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news