દાદા બોલ્યા- ઈન્ડિયા સારી ટીમ, શિખર બહાર થવાથી નહીં પડે ફેર

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે શિખર ધવન બહાર થવાથી ટીમ ઈન્ડિયાને વધુ ફેર પડશે નહીં. ટીમ ઈન્ડિયા ફોર્મમાં છે અને સારૂ રમી રહી છે. 

દાદા બોલ્યા- ઈન્ડિયા સારી ટીમ, શિખર બહાર થવાથી નહીં પડે ફેર

કોલકત્તાઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બુધવારે કહ્યું કે, ભારતીય ટીમ આઈસીસી વિશ્વ કપમાં આ સમયે સૌથી મજબૂત ટીમ લાગી રહી છે. ગાંગુલીએ આ સાથે કહ્યું કે, શિખર ધવનનું ઈજાને કારણે બહાર થવું તેમના માટે ચોંકાવનારૂ નથી. ધવનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંગૂઠામાં ઈજા થઈ હતી. 

બીસીસીઆઈએ ધવન ટૂર્નામેન્ટની બાકીની મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં તે વાતને સમર્થન આપ્યું છે. વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ભારતે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં તેને જીત મળી છે જ્યારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેનો મુકાબલો વરસાદને કારણે રદ્દ થયો હતો. 

ગાંગુલીએ કહ્યું, 'ઈંગ્લેન્ડ સારી ટીમ છે પરંતુ ભારત શાનદાર ટીમ લાગી રહી છે.' ધવન ગયા બાદ ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. તેના સ્થાન પર બીસીસીઆઈએ યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ટીમમાં સામેલ કરવા માટે આઈસીસીને અપીલ કરી છે. 

ધવન બહાર થવા પર ગાંગુલીએ કહ્યું, 'હું આ વાતથી ચોંક્યો નથી કે તે બહાર થયો કારણ કે મેં ઈંગ્લેન્ડમાં તેને જોયો હતો. તેના અંગૂઠામાં ફ્રેક્ચર છે. તેમાં ઘણો સમય લાગશે. ઈંગ્લેન્ડથી પરત આવેલા ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યું કે, ધવનનું બહાર થવું ટીમ ઈન્ડિયા માટે ઝટકો છે તો તેમણે કહ્યું, આ ઝટકો છે, પરંતુ તેના વગર આપણે પાકિસ્તાનને આસાનીથી પરાજય આપ્યો હતો. તેથી હું કહી શકું તે ભારતીય ટીમ સારા ફોર્મમાં છે. મને આશા છે કે ધવન ઝડપથી ફિટ થઈ જશે.'

ધવનની ગેરહાજરીમાં લોકેશ રાહુલે પાકિસ્તાન વિરુદ્ધ રોહિત શર્માની સાથે ઓપનિંગ બેટ્સમેનની જવાબદારી સંભાળી હતી અને અડધી સદી ફટકારી હતી. ધવનના સ્થાન પર વિજય શંકરને ટીમમાં સ્થાન મળ્યું હતું જે ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થતાં બોલિંગમાં આવ્યો અને પ્રથમ બોલ પર વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. 

પૂર્વ કેપ્ટને કહ્યું, 'વિજયે છેલ્લા એક વર્ષમાં સારૂ કર્યું છે. ઈજા રમતનો ભાગ છે, તેના પર કોઈનું નિયંત્રણ નથી. આશા છે કે બાકી ખેલાડી આવશે અને સારૂ કરશે. મને લાગે છે કે પાછલી મેચમાં ભુવી ન રહેતા વિજયે સારૂ કર્યું હતું. ભુવનેશ્વર ઈજાને કારણે ત્રણ મેચ માટે બહાર થઈ ગયો છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news