શાસ્ત્રીના નિવેદન પર ગાંગુલી બોલ્યો- અપરિપક્વ વાત કરે છે કોચ, ધ્યાન ન આપો

ગાંગુલીએ એક ખાનગી ટીવી ચેનલને વાતચીતમાં કહ્યું, આવી વાતો કરવી યોગ્ય નથી. આ માત્ર તેમની અપરિપક્વતા દર્શાવે છે.

Updated By: Sep 9, 2018, 03:58 PM IST
 શાસ્ત્રીના નિવેદન પર ગાંગુલી બોલ્યો- અપરિપક્વ વાત કરે છે કોચ, ધ્યાન ન આપો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના તે નિવેદનની ચારેબાજુ આલોચના થઈ રહી છે, જેમાં તેમણે કહ્યું હતું કે હાલની ભારતીય ટીમનો વિદેશની ધરતી પર રેકોર્ડ છેલ્લા 15-20 વર્ષની ભારતીય ટીમની તુલનામાં સારો છે. શાસ્ત્રીના આ નિવેદન પર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ નારાજગી વ્યક્ત કરી છે. ગાંગુલીએ આ સાથે કહ્યું કે, શાસ્ત્રીની વાતો અપરિપક્વ છે અને તેના પર ધ્યાન ન આપવું જોઈએ. 

ગાંગુલીએ એક ખાનગી ટીવી ચેનલને વાતચીતમાં કહ્યું, આવી વાતો કરવી યોગ્ય નથી. આ માત્ર તેમની અપરિપક્વતા દર્શાવે છે. તે ક્યારે શું કહી દે છે, તે કોઈ જાણતું નથી. ગાંગુલીએ કહ્યું, હું નથી ઈચ્છતો કે આપણે તેના નિવેદન પર ધ્યાન આપવું જોઈએ. હું માત્ર ઈચ્છું છું કે, ભારત આ અંતિમ ટેસ્ટ મેચમાં સારૂ ક્રિકેટ રમે. 

દાદાએ કહ્યું, ભલે કોઇપણ જનરેશનના ખેલાડી રમી રહ્યાં હોય, ભલે ચેતન શર્મા હોય, હું હોવ કે ધોની અથવા વિરાટ... અમે બધા ભારતીય ટીમ છીએ અને ભારત માટે રમી રહ્યાં છીએ. અમે જુદા-જુદા સમયે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે જરૂરી નથી કે તમે એક જનરેશનની તુલના બીજા સાથે કરો. વિરાટ કોહલી અને તેની ટીમના સભ્યો ભારત માટે ઘણી મહેનત કરી રહ્યાં છે. 

શાસ્ત્રીએ કરી હતી તુલના
શાસ્ત્રીએ કહ્યું હતું, આ ટીમનો વિદેશની ધરતી પર રેકોર્ડ સારો છે. છેલ્લા 3 વર્ષમાં અમે વિદેશમાં 9 મેચ અને 3 શ્રેણી જીતી છે. મેં આ પહેલા છેલ્લા 15-20 વર્ષમાં કોઈપણ ભારતીય ટીમને જોઈ નથી, જેણે આટલા ઓછા સમયમાં આ પ્રકારનું પ્રદર્શન કર્યું હોય. તે સમયે વિશ્વના દિગ્ગજ ખેલાડીઓમાં સામેલ પ્લેયર્સ પણ ટીમમાં હતા.