IND vs SL: શ્રીલંકાએ 3 વર્ષ બાદ વનડે મેચમાં ભારતને હરાવ્યું, ટીમ ઈન્ડિયાનો 32 રને પરાજય

IND vs SL: શ્રીલંકાએ ત્રણ મેચની સિરીઝની બીજી વનડેમાં ભારતને 32 રને હરાવી 1-0ની લીડ મેળવી લીધી છે. મહત્વનું છે કે પ્રથમ વનડે મેચ ટાઈ રહી હતી. 

 IND vs SL: શ્રીલંકાએ 3 વર્ષ બાદ વનડે મેચમાં ભારતને હરાવ્યું, ટીમ ઈન્ડિયાનો 32 રને પરાજય

IND vs SL: શ્રીલંકાએ બીજી વનડે મેચમાં ભારતને 32 રને પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચની જેમ આ વખતે પણ સારી શરૂઆત મળી, પરંતુ મિડલ ઓર્ડર નિષ્ફળ રહેતા ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકાની ટીમ આશરે ત્રણ વર્ષ બાદ ભારત સામે વનડે મેચ જીતવામાં સફળ રહી છે. ભારતીય મિડલ ઓર્ડરની વાત કરીએ તો શિવમ દુબે અને કેએલ રાહુલ શૂન્ય પર આઉટ થયા, તો અય્યર બે આંકડાના સ્કોરમાં પહોંચી શક્યો નહીં. યજમાન શ્રીલંકા માટે જેફરી વેન્ડરસને સૌથી શાનદાર બોલિંગ કરતા છ વિકેટ લીધી હતી. 

શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 240 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાવી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી થઈ અને આ વચ્ચે કેપ્ટન રોહિતે 29 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. રોહિત શર્માએ 44 બોલમાં 64 રન બનાવ્યા, આ દરમિયાન તેણે પાંચ ફોર અને ચાર સિક્સ ફટકારી હતી. બીજીતરફ ગિલે 35 રનનું યોગદાન આપ્યું હતું. 

50 રનની અંદર ગુમાવી છ વિકેટ
ભારતીય ટીમે એક સમયે વિના વિકેટે 97 રન બનાવી લીધા હતા, પરંતુ રોહિતની વિકેટ પડ્યા બાદ ટીમનો ધબડકો થયો હતો. દુબે ચાર બોલમાં શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. કોહલી 14 રન બનાવી શક્યો હતો. અય્યર અને રાહુલ સાત તથા શૂન્ય રન બનાવી આઉટ થયા હતા. 97 રનથી ભારતનો સ્કોર 147 રન પર છ વિકેટ થઈ ગયો હતો. આ રીતે ટીમ ઈન્ડિયા સંકટમાં આવી ગઈ હતી. અક્ષર પટેલે જરૂર 44 રન ફટકાર્યા હતા. 

શ્રીલંકાએ ત્રણ વર્ષ બાદ ભારતને હરાવ્યું
શ્રીલંકાએ કોઈ વનડે મેચમાં ભારત પર છેલ્લે જુલાઈ 2021માં જીત મેળવી હતી. શ્રીલંકાએ તે સમયે ટીમ ઈન્ડિયાને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. તો આ વખતે ભારતનો 32 રને પરાજય થયો છે. આ સિવાય સિરીઝની વાત કરીએ તો શ્રીલંકાએ કોઈ વનડે સિરીઝમાં છેલ્લે ભારતને 1997માં હરાવ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news