T20 WC 2022: ટૂર્નામેન્ટમાં ભારતને મળી પ્રથમ હાર, આફ્રિકાએ 5 વિકેટે હરાવ્યું
India vs South Africa Live Updates: આઈસીસી ટી20 વિશ્વકપ 2022ના ગ્રુપ મુકાબલામાં ભારતની સામે આજે દક્ષિણ આફ્રિકાનો મુકાબલો છે. આ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. તમામ લાઇવ અપડેટ્સ માટે જોડાયેલા રહો....
Trending Photos
પર્થઃ પર્થઃ આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2022 (ICC T20 World Cup 2022) માં ભારતે પ્રથમ પરાજયનો સામનો કરવો પડ્યો છે. પર્થમાં આજે સાઉથ આફ્રિકા સામે રોમાંચક મેચમાં ભારતે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. અંતિમ ઓવરમાં સાઉથ આફ્રિકાએ જીત મેળવી હતી. આફ્રિકા તરફથી ડેવિડ મિલર અને એડન માર્કરમે શાનદાર અડધી સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 133 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આફ્રિકાએ 19.4 ઓવરમાં 5 વિકેટે 137 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ જીત સાથે આફ્રિકાની ટીમ ગ્રુપ-2માં પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
મોહમ્મદ શમીએ પોતાના સ્પેલની પ્રથમ ઓવરમાં ઝડપી વિકેટ
ભારતને પાવરપ્લેમાં ત્રીજી સફળતા મળી છે. મોહમ્મદ શમીએ પોતાના સ્પેલની પ્રથમ ઓવરમાં કેપ્ટન ટેમ્બા બવુમાને 10 રને આઉટ કર્યો છે. આફ્રિકાએ 24 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી છે.
અર્શદીપને મળી બીજી વિકેટ
અર્શદીપ સિંહે ભારતને મોટી સફળતા અપાવી છે. રોસો શૂન્ય રન બનાવી LBW આઉટ થયો છે. આફ્રિકાનો સ્કોર 2 વિકેટે 3 રન છે.
ભારતને મળી પ્રથમ સફળતા
ભારતની જેમ સાઉથ આફ્રિકાની શરૂઆત પણ ખરાબ રહી છે. ઓપનિંગ બેટર ડિ કોક માત્ર 1 રન બનાવી અર્શદીપનો શિકાર બન્યો છે. અર્શદીપે પોતાના પ્રથમ બોલ પર વિકેટ ઝડપી છે.
ભારતનો સ્કોર 20 ઓવરમાં 133/9
ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 133 રન બનાવ્યા છે અને આફ્રિકાને જીત માટે 134 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 40 બોલમાં 6 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 68 રન બનાવ્યા છે. આફ્રિકા તરફથી એનગિડીએ 29 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય પાર્નેલને ત્રણ અને નોર્ત્જેને એક સફળતા મળી હતી.
ભારતનો સ્કોર 100ને પાર
ભારતનો સ્કોર 15મી ઓવરમાં 100ને પાર થઈ ગયો છે. સૂર્યકુમાર યાદવ અને દિનેશ કાર્તિક વચ્ચે અડધી સદીની ભાગીદારી પણ થઈ છે.
સૂર્યકુમારની અડધી સદી
સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદી ફટકારતા ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું છે. સૂર્યકુમારે 30 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી છે.
ભારતનો ધબડકો
ભારતે આફ્રિકા સામે 49 રન પર પાંચ વિકેટ ગુમાવી દીધી છે. વિરાટ કોહલી 12 રન બનાવી આઉટ થયો હતો. દીપક હુડ્ડા શૂન્ય અને હાર્દિક પંડ્યા 2 રન બનાવી આઉટ થયા હતા. લુંગી એનગિડીએ ચાર અને નોર્ત્જેએ એક વિકેટ લીધી છે.
રાહુલનું ખરાબ ફોર્મ યથાવત
લુંગી એનગિડીને એક ઓવરમાં બીજી સફળતા મળી છે. કેએલ રાહુલ સતત ત્રીજી મેચમાં ફ્લોપ રહ્યો છે. રાહુલ માત્ર 9 રન બનાવી આઉટ થયો છે. ભારતનો સ્કોર 5 ઓવર બાદ 2 વિકેટે 26 રન છે.
રોહિત શર્મા આઉટ
ભારતને પાંચમી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો છે. લુંગી એનગિડીએ કેપ્ટન રોહિત શર્માને 15 રને પેવેલિયન પરત મોકલી આપ્યો છે. રોહિતે પોતાની ઈનિંગમાં એક ફોર અને એક સિક્સ ફટકારી હતી.
ત્રણ ઓવર બાદ ભારત 14/0
ભારતે ધીમી શરૂઆત કરી છે. પ્રથમ ત્રણ ઓવરમાં વિના વિકેટે 14 રન બનાવ્યા છે. રાહુલ અને રોહિત 7-7 રને બેટિંગ કરી રહ્યાં છે.
ભારતે ટોસ જીત્યો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં એક ફેરફાર કવામાં આવ્યો છે. અક્ષર પટેલના સ્થાને દીપક હુડ્ડાને સામેલ કરવામાં આવ્યો છે.
બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, દીપક હુડ્ડા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.
સાઉથ આફ્રિકાઃ ક્વિન્ટન ડિકોક, તેમ્બા બાવુમા, રિલે રોસો, એડન માર્કરમ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વેન પાર્નેલ, કેશવ મહારાજ, કગિસો રબાડા, એનરિક નોર્ત્જે અને લુંગી એનગિડી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે