શું રવિ શાસ્ત્રીની વિકેટ પડશે? ટોમ મૂડી પણ કોચની રેસમાં સામેલ

ટીમ ઈન્ડિયાના નવા કોચ માટે અરજી કરવાની તિથિ સમાપ્ત થઈ ગઈ છે અને હવે કપિલ દેવની આગેવાની વાળી સલાહકાર સમિતિ કોચ પસંદગી માટે ઈન્ટરવ્યૂ કરશે. મુખ્ય કોચની દોડમાં ઓસ્ટ્રેલિયાના ટોમ મૂડી મોટું નામ છે.

શું રવિ શાસ્ત્રીની વિકેટ પડશે? ટોમ મૂડી પણ કોચની રેસમાં સામેલ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચના દાવેદારોની યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ટોમ મૂડીનું નામ પણ સામેલ થઈ ગયું છે. પરંતુ કેપ્ટન વિરાટ કોહલી કહી ચુક્યો છે કે જો રવિ શાસ્ત્રી બીજીવાર કોચ બને છે તો તેને ખુશી થશે. કોચ પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ મંગળવારે સમાપ્ત થઈ ગઈ છે. 

આ વચ્ચે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે રવાના થઈ ચુકી છે અને વિશ્વ કપમાં સેમિફાઇનલમાં બહાર થયા બાદ રવિ શાસ્ત્રી પર દબાવ વધી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ન્યૂઝીલેન્ડ ટીમના મુખ્ય કોચ માઇક હેસન, શ્રીલંકાના માહેલા જયવર્ધને, પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રોબિન સિંહ અને ભારતીય મેનેજર અને ઝિમ્બાબ્વેના કોચ રહેલા લાલચંદ રાજપૂત જેવા ખેલાડી શાસ્ત્રીના ઉત્તરાધિકારી બનવાના હકદાર છે. 

આ સિવાય તેવી પણ વિગતો સામે આવી કે પૂર્વ ટેસ્ટ ખેલાડી પ્રવીણ આમરેએ ટીમના બેટિંગ કોચ માટે અરજી કરી છે. દક્ષિણ આફ્રિકાના જોન્ટી રોડ્સે ફીલ્ડિંગ કોચ માટે અરજી કરી છે. શાસ્ત્રી અને તેની ટીમને આ સંપૂર્ણ પ્રક્રિયામાં સીધો પ્રવેશ મળી ગયો છે. 

રોબિન સિંહે એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, સતત બે વિશ્વ કપ અને વર્લ્ડ ટી20 ચેમ્પિયનશિપની સેમીફાઇનલમાં હાર બાદ ફેરફાર ટીમ માટે સારો હોઈ શકે છે. શાસ્ત્રીનો કરાર વિશ્વ કપ બાદ સમાપ્ત થઈ ગયો હતો પરંતુ તેને અને સપોર્ટ સ્ટાફને 45 દિવસ સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તેનો કાર્યકાળ ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ સુધી ચાલશે. 

નવા કોચની પસંદગી બોર્ડની ક્રિકટ સલાહકાર સમિતિ (સીએસી) કરશે જેમાં કપિલ દેવ, પૂર્વ મુખ્ય કોચ અંશુમાન ગાયકવાડ અને ભારતીય મહિલા ટીમની પૂર્વ કોચ શાંતા રંગાસ્વામી સામેલ છે. 

કોહલીએ ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રવાના થતાં પહેલા પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, જો રવિ શાસ્ત્રી બીજીવાર કોચ બને છે તો તેને ઘણી ખુશી થશે. ભારતીય ટીમના કોચ પદ માટે ઈન્ટરવ્યૂ કરવામાં આવશે તે સમયે 57 વર્ષીય શાસ્ત્રી વેસ્ટ ઈન્ડિઝમાં હશે અને તે વીડિયો કોલના માધ્યમથી તેમાં સામેલ થશે. 

શાસ્ત્રી 2014 થી 2016 સુધી ભારતીય ટીમનો ડાયરેક્ટર રહ્યો હતો. 2017મા અનિલ કુંબલે પદથી હટ્યા બાદ તેને ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. કુંબલેએ એક વર્ષ સુધી કોચ રહ્યાં બાદ કેપ્ટન કોહલીની સાથે પોતાના અસ્થિર સંબંધોને કારણે પદ્દ પરથી રાજીનામું આપી દીધું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news