વર્લ્ડ કપઃ 16 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન, લક્ષ્મણ જેવી થઈ રાયડૂની હાલત

વર્લ્ડ કપ 2019: અંબાતી રાયડૂને ગત વર્ષે ઓક્ટોબરથી નિયમિત રીતે ચોથા નંબર પર ઉતારવામાં આવ્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોમાં નિષ્ફળ રહ્યાં બાદ તેને બહાર કરી દેવામાં આવ્યો.   

Updated By: Apr 17, 2019, 04:17 PM IST
વર્લ્ડ કપઃ 16 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન, લક્ષ્મણ જેવી થઈ રાયડૂની હાલત

નવી દિલ્હીઃ 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા વિશ્વ કપ માટે ભારતીય પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટે બેટિંગ લાઇન-અપમાં સૌથી મહત્વપૂર્ણ ચોથા સ્થાન માટે દાવેદાર માનવામાં આવેલા અંબાતી રાયડૂની પસંદગી ન કરી. સોળ વર્ષ પહેલા જે પરિસ્થિતિઓમાં વીવીએસ લક્ષ્મણ વર્લ્ડ કપ 2003ની ટીમમાં ન આવી શક્યો હતો લગભગ આવી સ્ટોરી બીજા હૈદરાબાદી બેટ્સમેન અંબાતી રાયડૂની સાથે પુનરાવર્તિત થઈ છે. 2003ના વિશ્વકપની ટીમમાં ત્રીજા નંબરના બેટ્સમેનના રૂપમાં લક્ષ્મણનું સ્થાન પાક્કુ માનવામાં આવી રહ્યું હતું. 

પરંતુ ટીમ પસંદગીના થોડા મહિના પહેલા ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ખરાબ પ્રદર્શનને કારણે તેને વિશ્વ કપની ટિકિટ ન મળી. રાયડૂ પોતાના કરિયરમાં શરૂઆતથી ત્રણ કે ચાર પર રમી રહ્યો છે. ગત વર્ષે ઓક્ટોબરથી તે નિયમિત રીતે નંબર ચાર પર બેટિંગ કરતો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોમાં નિષ્ફળ રહ્યાં બાદ તેને બહાર કરી દેવામાં આવ્યો અને હવે લાગે છે કે 33 વર્ષીય રાયડૂનુ હૈદરાબાદના પોતાના સીનિયર લક્ષ્મણની જેમ વિશ્વકપ રમવાનું સપનું ક્યારેય પૂરુ થશે નહીં. 

પસંદગીકારોએ ત્યારે લક્ષ્મણને સ્થાને દિનેશ મોંગિયાને તક આપી હતી. મોંગિયાની પસંદગીનો આધાર તે હતો કે, તે ત્રણેય વિદ્યાઓ બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગમાં થોડુ-થોડુ યોગદાન આપી શકે છે, જ્યારે લક્ષ્મણ સ્પેશિયલ બેટ્સમેન હતો. રાયડૂના સ્થાને પસંદ કરાયેલ વિજય શંકરે આ વર્ષે વનડે ક્રિકેટમાં પર્દાપણ કર્યું અને અત્યાર સુધી માત્ર નવ મેચ રમી છે. 

ICC World Cup 2019: પંત, રાયડૂ અને નવદીપ સૈની ભારતના સ્ટેન્ડ બાય 

પીટીઆઈ પ્રમાણે પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે શંકરની પસંદગી પર 'ત્રિઆયામી' શબ્દોનો ઉપયોગ કર્યો, કારણ કે તે ત્રણેય વિદ્યાઓમાં યોગદાન આપી શકે છે. રાયડૂ શુદ્ધ બેટ્સમેન છે. લક્ષ્મણે વિશ્વકપ 2019ની ટીમને લઈને કહ્યું કે, આ સંતુલિત ટીમ છે અને ભારત વિશ્વકપનું પ્રબળ દાવેદાર છે. પરંતુ ટીમ પસંદગી પહેલા તેણે ખુદની 15 સભ્યોની ટીમ પસંદ કરી હતી જેમાં રાયડૂને જગ્યા આપી હતી. સ્વાભાવિક છે કે રાયડૂને બહાર કરવાથી તે નિરાશ થશે. 

લક્ષ્મણને જ્યારે વિશ્વ કપની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, ત્યારે તેણે કહ્યું હતું કે, આ મારા કરિયરનો સૌથી નિરાશાજનક સમય હતો. મેં વિશ્વ કપ માટે ઘણી મહેનત કરી હતી. ગત વર્ષે (2002માં) વેસ્ટ ઈન્ડિઝ સિરીઝમાં મેં સૌથી વધુ (312) રન બનાવ્યા હતા અને ત્યારબાદ આ રીતે ટીમમાંથી બહાર કરવો મોટો ઝટકો હતો. આ નિરાશા હંમેશા રહેશે. આ સમાચારને પચાવવામાં થોડો સમય લાગ્યો. રાયડૂએ પણ પોતાની નિરાશા વ્યક્ત કરી અને તેણે 'ત્રિઆયામી' શબ્દનો ઉપયોગ વ્યંગના રૂપમાં કરીને પસંદગીકારો પર કટાક્ષ કર્યો હતો. 

રાયડૂએ ટ્વીટ કર્યું, વિશ્વકપ જોવા માટે 3ડી ચશ્મા ઓર્ડર કર્યાં છે. રાયડૂના આ ટ્વીટને રિટ્વીટ કરતા પ્રજ્ઞાન ઓઝાએ લખ્યું, હૈદરાબાદી ક્રિકેટરોનો રસપ્રદ મામલો. આવી સ્થિતિમાં રહી ચુક્યો છું. નિરાશા સમજી શકું છું. રસપ્રદ વાત છે કે, 2002-03માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ત્રણ વનડેમાં લક્ષ્મણ રમ્યો હતો જેમાં તેણે 9, 20 અને 10 રન બનાવ્યા હતા. ત્યારબાદ ત્રણ વનડેમાં તેના સ્થાને મોંગિયાનો ઉતારવામાં આવ્યો જેમાં તેણે 12, બે અને શૂન્યનો સ્કોર બનાવ્યો હતો. 

World Cup 2019: ભારતની ટીમ જાહેર, જાણો અન્ય ટીમો વિશે

તેમ છતાં મોંગિયાને વિશ્વકપની ટીમમાં પસંદ કરવામાં આવ્યો જેમાં તેણે 11 મેચોની છ ઈનિંગમાં 20ની એવરેજથી 120 રન બનાવ્યા હતા. તેણે 5 વિકેટ ઝડપી હતી. મોંગિયા ત્યારબાદ વધુ દિવસો ટીમમાં ન રહ્યો અને લક્ષ્મણે વાપસી કરી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઈમાં 102 રન બનાવ્યા હતા. રાયડૂએ ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અંતિમ મેચમાં 90 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોમાં તે 33 રન બનાવી શક્યો અને આ ત્રણ ઈનિંગથી તેનું વિશ્વકપ રનવાનું સપનું ચકનાચુર થઈ ગયું હતું.