Happy Birthday The Great Gama: કુશ્તીમાં એક પણ મેચ ન હારનાર ભારતના પહેલાં પહેલવાનની કહાની

આજે ભારતના ગૌરવ સમાન ગામા પહેલવાનનો જન્મ દિવસ છે. ત્યારે જાણીએ વર્ષો પહેલાં જ્યારે કોઈ આધુનિક સાધનો કે જીમ નહોતા ત્યારે તે સમયે પહેલવાનો કુશ્તી માટે કેવી રીતે તેૈયારીઓ કરતા હતા તે પણ જાણવા જેવું છે.

Happy Birthday The Great Gama: કુશ્તીમાં એક પણ મેચ ન હારનાર ભારતના પહેલાં પહેલવાનની કહાની

નવી દિલ્લીઃ તમે પ્રખ્યાત રેસ્લર ધી ગ્રેટ ખલીને તો ઓળખતા જ હશો. જેણે WWEની રેસ્લિંગ રિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેવી જ રીતે આપણા દેશના વધુ એક પહેલવાન વિશે લગભગ તમે અજાણ હશો. આ કોઈ સામાન્ય પહેલવાન નથી, કારણ કે લોકોનું એવું માનવું છે કે આ પહેલવાને એક પણ કુશ્તીનો મેચ હાર્યો નથી. આ પહેલવાનનું નામ ગામા છે. તેએ ધી ગ્રેટ ગામા અને રુસ્તમ-એ-હિંદ તરીકે પણ ઓળખાય છે. આજે એટલે કે 22 મે, 2022ના તેમનો 144મો જન્મદિવસ છે. ગૂગલે પણ ડૂડલ બનાવી તેમના જન્મદિવસને ખાસ બનાવ્યો. ગામા પહેલવાને 50 વર્ષ સુધી કુશ્તીમાં યોગદાન આપ્યું અને અનેક સિદ્ધિ મેળવી. એવું કહેવાય છે કે તેમના જીવનનો અંતિમ સમય તંગીથી ભરેલો હતો. આવો જાણીએ ગામા પહેલવાનની લાઈફ, કરિયર, ડાયટ અને વર્કઆઉટ વિશે.જન્મ અને કરિયર-
ગામા પહેલવાનનું મૂળ નામ ગુલામ મોહમ્મદ બખ્શ બટ હતું. તેમનો જન્મ 22 મે, 1878ના અમૃતસરના જબ્બોવાલ ગામમાં થયો હતો. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે તેમનો જન્મ મધ્યપ્રદેશમાં થયો હતો. ગામાની લંભાઈ 5.7 ફુટ અને વજન 113 કિલોગ્રામ હતો. તેમના પિતાનું નામ મોહમ્મદ અજીઝ બખ્શ હતું.
કુશ્તીનો શોખ હોવાથી તેમણે નાનપણથી પહેલવાન બનવાનું સપનું જોયું હતું. બસ આ સપનાને સાકાર કરવા તેમણે નાની ઉંમરમાં કુશ્તી લડવાનું શરૂ કર્યું. અને જોત જોતામાં તેમણે કુશ્તીની દુનિયામાં પોતાનું નામ બનાવી લીધું. 1910માં તેઓ તેમના ભાઈ ઈમામ બખ્શ સાથે આંતરરાષ્ટ્રીય રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ઈંગ્લેન્ડ ગયા હતા. તેમની ઉંચાઈ માત્ર 5 ફૂટ 7 ઈંચ હોવાને કારણે તેમને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. ત્યારપછી તેમણે ત્યાંના કુશ્તીબાજોને ખુલ્લો પડકાર આપ્યો કે તેઓ કોઈપણ રેસલરને 30 મિનિટમાં હરાવી દેશે, પરંતુ કોઈએ તેમનો પડકાર સ્વીકાર્યો નહીં.
તેમણે પોતાની કારકિર્દીમાં વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયનશિપ (1910) અને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ (1927) સહિત અનેક ટાઈટલ જીત્યા, જ્યાં તેમને 'ટાઇગર'નું બિરુદ આપવામાં આવ્યું. કહેવાય છે કે તેમણે દિગ્ગજ માર્શલ આર્ટિસ્ટ બ્રુસ લીને પણ પડકાર આપ્યો હતો. જ્યારે બ્રુસ લી ગામા કુશ્તીબાજને મળ્યા ત્યારે તેમણે તેમની પાસેથી 'ધ કેટ સ્ટ્રેચ' શીખ્યા, જે યોગ પર આધારિત પુશ-અપ્સનો એક પ્રકાર છે. ગામા પહેલવાન 20મી સદીની શરૂઆતમાં રૂસ્તમ-એ-હિંદ બન્યો.ગામાનો ડાયટ-
ગામા કુશ્તીબાજના ગામનો રહેવાસી હતો અને તેનો ખોરાક પણ સ્વદેશી હતો. અહેવાલો મુજબ તેનો આહાર ઘણો ભારે હતો. તે દરરોજ 10 લીટર દૂધ પીતો હતો. આ સાથે તેમના આહારમાં 6 દેશી મરઘાનો પણ સમાવેશ હતો. આ સાથે, તે એક પીણું બનાવતો હતો જેમાં તે લગભગ 200 ગ્રામ બદામ નાખી પીતો હતો. આ ડ્રિંકથી તેને એટલી શક્તિ મળતી કે તે મોટા કુશ્તીબાજોને હરાવી દેતો.ગામાની કસરત-
અહેવાલો સૂચવે છે કે ગામા દરરોજ તેની ટીમના 40 સાથીઓ સાથે કુશ્તી કરતો હતો. તેમની કસરતમાં 5000 હિંદુ સ્ક્વોટ્સ અથવા સિટ-અપ્સ, 3000 હિંદુ પુશ-અપ્સ અથવા દંડનો સમાવેશ થતો. સયાજીબાગના બરોડા મ્યુઝિયમમાં 2.5 ફૂટનો ક્યુબિકલ પથ્થર રાખવામાં આવ્યો છે, જેનો વજન આશરે 1200 કિલો છે. કહેવાય છે કે 23 ડિસેમ્બર 1902ના રોજ ગામાએ આ 1200 કિલો વજનનો પથ્થર ઉપાડ્યો હતો.ગામાનો અંતિમ સમય-
વિભાજન પહેલા, ગામા અમૃતસરમાં રહેતા હતા પરંતુ વધતા જતા સાંપ્રદાયિક તણાવને કારણે તેઓ લાહોર ગયા. ગામા પહેલવાન 1927માં સ્વીડિશ રેસલર જેસ પીટરસન સાથે તેમના જીવનની છેલ્લી કુશ્તી લડી હતી. તેઓ તેમના જીવનમાં 50થી વધુ કુશ્તી લડ્યા હતા અને એક પણ કુશ્તી હાર્યા નથી.
કુશ્તી છોડ્યા પછી, તેમણે અસ્થમા અને હૃદય રોગની ફરિયાદ કરી અને તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. કહેવાય છે કે તેને એટલી આર્થિક તકલીફ થઈ ગઈ હતી કે તેને છેલ્લી ઘડીએ પોતાનો મેડલ વેચવો પડ્યો હતો. લાંબી માંદગી બાદ આખરે 1960માં 82 વર્ષની વયે તેમનું અવસાન થયું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news