Top 10 Car List: જૂન મહિનામાં આ 10 કાર્સ બની લોકોની પહેલી પસંદ, ખરીદતાં પહેલાં જોઇ લેજો યાદી
ગયા મહિને જે કાર ટોપ 10માં નંબર 1 બની હતી તે આ વખતે નંબર 7 ઉપર પહોંચી ગઈ અને જે કાર ગયા મહિને ટોપ 10માંથી બહાર નીકળી ગઈ હતી તે કાર આ મહિને નંબર 1 પર આવી ગઈ.
Trending Photos
સવજી ચૌધરી, અમદાવાદ: ગયા મહિને જે કાર ટોપ 10માં નંબર 1 બની હતી તે આ વખતે નંબર 7 ઉપર પહોંચી ગઈ અને જે કાર ગયા મહિને ટોપ 10માંથી બહાર નીકળી ગઈ હતી તે કાર આ મહિને નંબર 1 પર આવી ગઈ.
10. Grand i10 Nios
ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ થઈ છે હ્યુન્ડાઈની Grand i10 Nios. જૂન મહિનામાં આ કારના 8,787 યુનિટનું વેચાણ થયું છે. એક યુનિટનો મતલબ છે એક કાર. ગયા વર્ષે 2020ના જૂન મહિમાં Grand i10 Nios ના 3,593 યુનિટનું વેચાણ થયું હતું. આ કારનું પેટ્રોલ એન્જિન પ્રતિ લિટર 20 કિલોમીટરની એવરેજ આપે છે અને ડીઝલ વેરિયન્ટ પ્રતિ લિટર 26.2 કિલોમીટરની એવરેજ આપે છે. આ કાર ડીઝલ, CNG અને પેટ્રોલ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. CNG વેરિયન્ટ પ્રતિ કિલોગ્રામ 28.5 કિલોમીટરની એવરેજ આપે છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 5 લાખ 23 હજારથી 8 લાખ 45 હજાર રૂપિયા છે.
9. EECO
નવમા ક્રમે સૌથી વધુ વેચાઈ છે ટેક્સી સેગમેન્ટમાં આવતી મારુતિની સસ્તી 7 સીટર EECO. આ ગાડીના 9,218 યુનિટનું જૂન મહિનામાં વેચાણ થયું છે.આ કાર પેટ્રોલ અને CNG ઓપ્શન સાથે ઉપલબ્ધ છે. ઈકોનું પેટ્રોલ એન્જિન પ્રતિ લિટર 16.11 કિલોમીટરની એવરેજ આપે છે. તો CNGમાં પ્રતિ કિલોગ્રામ દીઠ 20.88 કિલોમીટરનું માઈલેજ મળે છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 4 લાખ 08 હજારથી 5 લાખ 29 હજાર રૂપિયા છે.
8. ERTIGA
જૂન મહિનામાં આઠમા ક્રમે સૌથી વધુ લોકોએ ખરીદી છે મારુતિની ફેમિલી કાર ERTIGA. ગયા મહિને અર્ટિગાના 9,920 યુનિટનું વેચાણ થયું છે. આ કાર પેટ્રોલ અને CNG ઓપ્શન સાથે ઉપલબ્ધ છે. ERTIGAનું પેટ્રોલ એન્જિન પ્રતિ લિટર 19.01 કિલોમીટરની એવરેજ આપે છે અને CNGમાં પ્રતિ કિલોગ્રામ દીઠ 26.08 કિલોમીટરનું માઈલેજ મળે છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 7 લાખ 81 હજારથી 10 લાખ 59 હજાર રૂપિયા છે.
7. CRETA
મે મહિનામાં દેશની નંબર 1 બનનારી એસયુવી કાર CRETA આ વખતે સાતમા નંબરે ધકેલાઈ ગઈ છે. 9,941 ગાડીઓ સાથે ક્રેટા આ વખતે સાતમા સ્થાન પર આવી ગઈ છે. આ કાર ડીઝલ અને પેટ્રોલ એન્જિન ઓપ્શન સાથે મળે છે. ક્રેટાનું પેટ્રોલ એન્જિન પ્રતિ લિટર 21.4 કિલોમીટરની એવરેજ આપે છે તો પેટ્રોલ એન્જિન પ્રતિ લિટર 16.8 કિલોમીટરની એવરેજ આપે છે. ક્રેટામાં CNGનો વિકલ્પ નથી મળતો. આ કારની એક્સ શો રૂમ કિંમત 10 લાખ 51 હજારથી 17 લાખ 70 હજાર રૂપિયા છે.
6. ALTO
દેશની સૌથી સસ્તી અને મારુતિની એન્ટ્રી લેવલ હેચબેક ALTO કાર ટોપ 5માં પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહી છે. જૂન મહિનામાં અલ્ટોના 12,513 યુનિટનું વેચાણ થયું છે. આ કાર પેટ્રોલ અને CNG ઓપ્શન સાથે મળે છે. અલ્ટોનું પેટ્રોલ એન્જિન પ્રતિ લિટર 22.05 કિલોમીટરની એવરેજ આપે છે તો તેનું CNG વર્ઝન પ્રતિ કિલો 31.59 કિલોમીટરની એવરેજ આપે છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 2 લાખ 99 હજારથી 4 લાખ 60 હજાર રૂપિયા છે.
5. DZIRE
મારુતિની DZIRE ગાડી સિડાન સેગમેન્ટની કાર છે. આ કાર ટોપ 5માં રહેવામાં સફળ થઈ છે તેનું કારણ છે લોકો ડીઝાયરને પસંદ કરી રહ્યા છે. જૂન મહિનામાં ડીઝાયરના 12,639 યુનિટ વેચાયા છે. આ કાર ફક્ત પેટ્રોલ વેરિયન્ટમાં જ મળે છે. CNG ઓપ્શન ફક્ત ટેક્સી માટે ટૂર તરીકે વેચાતી DZIREમાં ઉપલબ્ધ છે. આ કારનું પેટ્રોલ એન્જિન પ્રતિ લિટર 23.26 કિલોમીટરની એવરેજ આપે છે અને ઓટોમેટિક વર્ઝન 24.12 કિલોમીટરનું માઈલેજ આપે છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 5 લાખ 98 હજારથી 9 લાખ 02 હજાર રૂપિયા છે.
4. VITARA BREZZA
ઓછી કિંમતમાં આવતી સારી ગાડીઓને પાછળ રાખીને વિટારા બ્રેઝા ટોપ 10માં ચોથા ક્રમે આવી છે. 4 મિટર સબ કોમ્પેક્ટ SUV તરીકે ધૂમ વેચાતી વિટારા બ્રેઝાએ ક્રેટાને પાછળ રાખીને પોતાની લોકપ્રિયતા ફરીથી હાંસલ કરી લીધી છે. જૂન મહિનામાં આ કારના 12,883 યુનિટનું વેચાણ થયું છે. આ કાર ફક્ત પેટ્રોલ એન્જિનમાં જ મળે છે. બ્રેઝાનું પેટ્રોલ એન્જિન મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં પ્રતિ લિટર 17.03 કિલોમીટરની એવરેજ આપે છે અને ઓટોમેટિક વર્ઝનમાં પ્રતિ લિટર 17.03 કિલોમીટરની એવરેજ આપે છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 7 લાખ 51 હજારથી 11 લાખ 41 હજાર રૂપિયા છે.
3. BALENO
ટોપ થ્રીમાં ત્રીજા ક્રમે લોકોને પસંદ પડી છે મારુતિની બલેનો કાર. જૂન મહિનામાં બલેનોના 14,701 યુનિટનું વેચાણ થયું છે. ઉચ્ચ મધ્યમ વર્ગની પ્રીમિયમ સિડાન ગણાતી બલેનો હજુ પણ લોકપ્રિય છે તેનો પુરાવો છે ગયા મહિનામાં થયેલું વેચાણ. આ કાર ફક્ત પેટ્રોલ ઓપ્શન સાથે જ મળે છે. બલેનોનું પેટ્રોલ એન્જિન મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં પ્રતિ લિટર 23.87 કિલોમીટરની એવરેજ આપે છે તો ઓટોમેટિક વર્ઝનમાં પ્રતિ લિટર 19.56 કિલોમીટરની એવરેજ આપે છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 5 લાખ 98 હજારથી 9 લાખ 30 હજાર રૂપિયા સુધી છે.
2. SWIFT
ભારતમાં બીજા ક્રમે સૌથી વધુ વેચાયેલી કાર બની છે સ્વિફ્ટ. જૂન મહિનામાં સ્વિફ્ટના 17,727 યુનિટનું વેચાણ થયું છે. નવી સ્વિફ્ટના આ વર્ષે 3 વખત ભાવ વધ્યા પછી પણ લોકો તેને ખરીદવામાં રસ બતાવી રહ્યા છે. તેનું કારણ છે માઈલેજ. સ્વિફ્ટનું પેટ્રોલ એન્જિન મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં પ્રતિ લિટર 23.2 કિલોમીટરની એવરેજ આપે છે અને ઓટોમેટિક ટ્રાન્સમિશન પ્રતિ લિટર 23.76 કિલોમીટરની એવરેજ આપે છે. આ કાર ફક્ત પેટ્રોલ ઓપ્શન સાથે જ મળે છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 5 લાખ 73 હજારથી 8 લાખ 41 હજાર રૂપિયા સુધી છે.
1. WAGON R
ગયા મહિને ટોપ 10માંથી બહાર ફેંકાઈ ગયેલી આ કાર ફરી એકવાર સુપરસ્ટાર બની ગઈ છે. દેશમાં સૌથી વધુ લોકોએ વેગનઆરને પસંદ કરી છે. જૂન મહિનામાં વેગનઆરના 19,447 યુનિટનું વેચાણ થયું છે. આ કાર પેટ્રોલ અને CNG વેરિયન્ટમાં મળે છે. કંપની ફિટેડ CNGમાં વેગનઆર લેવા માટે આજે પણ 4 મહિનાનું વેઈટિંગ છે. આ કારનું પેટ્રોલ એન્જિન પ્રતિ લિટર 21.79 કિલોમીટરની એવરેજ આપે છે. CNGમાં પ્રતિ કિલો 32.52 કિલોમીટરની એવરેજ મળતી હોવાનો કંપનીનો દાવો છે. વેગન આરની એક્સ શો રૂમ કિંમત 4 લાખ 80 હજારથી 5 લાખ 67 હજાર રૂપિયા છે.
તો જૂન મહિનામાં વેચાયેલી ટોપ 10 કારમાં મારુતિની 8 ગાડીઓ છે અને હ્યુન્ડાઈની 2 ગાડીઓ. ટાટા અને મહિન્દ્રાની એક પણ ગાડીને આ વખતે ટોપ 10માં લોકોએ પસંદ નથી કરી. જૂન મહિનામાં જે ટોપ દસ ગાડીઓ વેચાઈ છે તેમનો બજારમાં 50 ટકા હિસ્સો છે અને બાકીની તમામ દેશી-વિદેશી ગાડીઓનો હિસ્સો 50 ટકા છે. જૂન મહિનામાં સમગ્ર દેશમાં પેસેન્જર સેગમેન્ટમાં 2,55,397 ગાડીઓનું વેચાણ થયું છે જે મે મહિનામાં 1,03,343થી ડબલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે