પાકિસ્તાનમાં ટોળાએ નનકાના સાહિબ ગુરૂદ્વારા પર કર્યો પથ્થરમારો, શીખોને ભગાડવાની આપી ધમકી

કટ્ટરપંથીઓની ભીડે ગુરૂદ્વારાને ઘેર્યું છે. આ કારણે પ્રથમવાર ગુરૂદ્વારા જન્મ સ્થાન નનકાના સાહિબમાં ભજન-કીર્તનને રદ્દ કરવા પડ્યા છે. ગુરૂ ગોવિંદ સિંહજીના ગુરૂપરબ પર અખંડ પાઠ શરૂ થવાના હતા.  

Updated By: Jan 3, 2020, 07:52 PM IST
પાકિસ્તાનમાં ટોળાએ નનકાના સાહિબ ગુરૂદ્વારા પર કર્યો પથ્થરમારો, શીખોને ભગાડવાની આપી ધમકી

લાહોરઃ પાકિસ્તાનના નનકાના સાહિબમાં શુક્રવારે લોકોના ટોળાએ શીખોના સૌથી પવિત્ર ધર્મસ્થળોમાંથી એક નનકાના સાહિબ ગુરૂદ્વારા પર પથ્થરમારો કર્યો હતો. બપોરથી ભીડે ગુરૂદ્વારાને ઘેરી લીધું હતું. ઘટના સાથે જોડાયેલા વીડિઓમાં એક કટ્ટરપંથી શીખોને નનકાના સાહિબથી ભગાડવા અને આ પવિત્ર શહેરનું નામ બદલીને ગુલામ અલી મુસ્તફા કરવાની ધમકી આપી રહ્યો છે. 

પ્રથમવાર નનકાના સાહિબમાં રદ્દ થયા ભજન-કીર્તન
કટ્ટરપંથીઓની ભીડે ગુરૂદ્વારાને ઘેર્યું છે. આ કારણે પ્રથમવાર ગુરૂદ્વારા જન્મ સ્થાન નનકાના સાહિબમાં ભજન-કીર્તનને રદ્દ કરવા પડ્યા છે. ગુરૂ ગોવિંદ સિંહજીના ગુરૂપરબ પર અખંડ પાઠ શરૂ થવાના હતા. આ વિસ્તારમાં હાલ તણાવનો માહોલ છે. 

શીખ યુવતીને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવનાર કરી રહ્યો છે નેતૃત્વ
ભીડનું નેતૃત્વ પાછલા વર્ષે નનકાના સાહિબમાં એક શીખ યુવતી જગજીત કૌરનું અપહરણ કરી અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરી લગ્ન કર્યાનો આરોપી મોહમ્મદ હસનનો પરિવાર કરી રહ્યો છે. તેનો આરોપ છે કે પોતાની મરજીથી ઇસ્લામ સ્વીકારનાર અને લગ્ન કરનાર યુવતીઓને લઈને શીખ સમુદાય કારણ વગર હંગામો કરે છે. મહત્વનું છે કે પાછલા વર્ષે જે જગજીત કૌરનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હતું, તે નનકાના સાહિબ ગુરૂદ્વારાના જ ગ્રંથીની પુત્રી છે. 

અકાલી દળે ગુરૂદ્વારા પર હુમલાની નિંદા કરી
અકાલી દળે નનકાના સાહિબ ગુરૂદ્વારા પર ટોળાના હુમલાની ટીકા કરી છે. દિલ્હીના ધારાસભ્ય મનજિંદગ સિંહ સિરસાએ ટ્વીટ પર હુમલાનો વીડિઓ શેર કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને તાત્કાલિક પગલા ભરવાની માગ કરી છે.