Pakistan: એક ઓડિયો ટેપથી પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ, મોટા રહસ્યનો થયો પર્દાફાશ

પાકિસ્તાનમાં એક વાયરલ ઓડિયો ટેપના કારણે ખુબ હંગામો મચ્યો છે.

Pakistan: એક ઓડિયો ટેપથી પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ, મોટા રહસ્યનો થયો પર્દાફાશ

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં એક વાયરલ ઓડિયો ટેપના કારણે ખુબ હંગામો મચ્યો છે. આ ઓડિયો પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસાર (Saqib Nisar) ની હોવાનું કહેવાય છે. જેમાં તેઓ નવાઝ શરીફ અને તેમના પુત્રી મરિયમ નવાઝ  (Nawaz Sharif & Maryam Nawaz) ને જેલમાં નાખવાનો આદેશ આપતા સંભળાય છે. સાકિબ નિસારે પોતાની વાતચીતમાં 'ઈન્સ્ટીટ્યૂશન' શબ્દનો ઉપયોગ કર્યો છે. પાકિસ્તાનમાં સેના અને ISI ને આ નામથી સંબોધવામાં આવે છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સેનાના ઈશારે જ નવાઝ શરીફને જેલ થઈ હતી. જો કે વાયરલ ઓડિયોની સત્યતાની પુષ્ટિ સ્વતંત્ર રીતે થઈ શકી નથી. જ્યારે પૂર્વ ચીફ જસ્ટિસનું કહેવું છે કે ઓડિયો સાથે છેડછાડ કરાઈ છે. 

ફેક્ટ ફોકસે કર્યો દાવો
ટ્રિબ્યુનલના રિપોર્ટ મુજબ પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસાર(Saqib Nisar) એ વાયરલ ઓડિયો પર પ્રતિક્રિયા આપતા તેને તથ્યોથી વિપરીત ગણાવી છે. તેમણે કહ્યું કે મે ઓડિયો સાંભળ્યો છે અને તે સંપૂર્ણ રીતે ફેક છે. આ અગાઉ પાકિસ્તાની ઈન્વેસ્ટિગેટિવ વેબસાઈટ 'ફેક્ટ ફોકસ' એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ ઓડિયો લગભગ બે મહિના પહેલા મળ્યો હતો. સાઈટે દાવો કર્યો કે આ ઓડિયોની મલ્ટીમીડિયા ફોરેન્સિકમાં વિશેષતા ધરાવતી એક પ્રમુખ અમેરિકી ફર્મ ગેરેટ ડિસ્કવરી દ્વારા ચકાસણી કરાવવામાં આવી છે. 

2018નો હોવાનું કહેવાય છે આ Audio 
વેબસાઈટનું કહેવું છે કે આ અમેરિકી ફર્મે પોતાના રિપોર્ટમાં આ ઓડિયો ફાઈલની સત્યતાની પુષ્ટિ કરી છે. તેનો અર્થ છે કે આ ફાઈલ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવી નથી. જો કે અવાજની સત્યતાને લઈને કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરાઈ નથી. આ રેકોર્ડિંગ 25 જુલાઈ 2018ની સામાન્ય ચૂંટણીની બરાબર પહેલાનું હોવાનું કહેવાય છે. તે સમયે નવાઝ શરીફ વિરુદ્ધ કોર્ટમાં સુનાવણી ચાલુ હતી. 

— #FactFocus (@FactFocusFF) November 21, 2021

'સજા થવી જોઈએ, ભલે તે અયોગ્ય હોય'
ઓડિયોમાં પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસાર કોઈ વ્યક્તિને નિર્દેશ આપતા સાંભળી શકાય છે. તેમણે કહ્યું કે મિયા સાહેબ (નવાઝ શરીફ) અને તેમના પુત્રી (મરિયમ નવાઝ)ને સજા થવી જોઈએ, ભલે તે અયોગ્ય હોય. તે યોગ્ય છે કે નહીં, તે કરવું પડશે. યોગ્યતાની પરવા કર્યા વગર, આપણે એ કરવું પડશે અને એટલે સુધી કે તેમની પુત્રી માટે પણ. જ્યારે તે વ્યક્તિએ કહ્યું કે પુત્રીને સજા ન આપી શકાય તો મુખ્ય ન્યાયાધીશ નિસારે જવાબ આપ્યો કે તમે બિલકુલ સાચા છો. મે મિત્રો સાથે વાત કરી કે આ અંગે કઈ કરવામાં આવે પરંતુ તેઓ ન માન્યા. 'ઈન્સ્ટીટ્યૂશન' ઈમરાન ખાનને સત્તામાં લાવવા માંગે છે. 

'મારા પર કોઈનું દબાણ નહતું'
પૂર્વ જસ્ટિસ સાકિબ નિસારે કહ્યું કે નવાઝ શરીફ કે તેમના પુત્રી વિરુદ્ધ નિર્ણય સંભળાવવાનો આદેશ આપવા માટે તેમણે જવાબદેહી કોર્ટના કોઈ જજ સાથે ક્યારેય સંપર્ક કર્યો નહતો. તેમણે કહ્યું કે હું આમ કેમ કરીશ, મને મિયા નવાઝ શરીફથી કોઈ ફરિયાદ નથી. પાકિસ્તાની સેના કે આઈએસઆઈ તરફથી કોઈએ પણ તેમનો સંપર્ક કર્યો નહતો કે આ મામલે તેમના પર દબાણ કર્યું નહતું. જે પણ હોય...હાલ તો પાકિસ્તાનમાં આ ઓડિયો ટેપને લઈને ખુબ હંગામો મચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news