ઈમરાનની પાર્ટીના ડો. આરીફ અલવી પાકિસ્તાનના 13 રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા


ડો. આરીફ અલવી, પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાન તહેરીકે ઈન્સાફ પાર્ટીના સભ્ય છે, તેમને કુલ 432માંથી 212 વોટ મળ્યા

ઈમરાનની પાર્ટીના ડો. આરીફ અલવી પાકિસ્તાનના 13 રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ પાર્ટીના નેતા ડો. આરીફ અલવી પાકિસ્તાનના 13 રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. હજુ આધિકારીક જાહેરાત થઈ નથી, પરંતુ પાકિસ્તાનના મીડિયા રોપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદ, રાષ્ટ્રીય અને રાજ્યોની વિધાનસભામાં થયેલા મતદાનમાં તેઓ વિજેતા બન્યા છે. 

ધ એક્સપ્રેસ ટ્રીબ્યુને જણાવ્યું કે, પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના ઉમેદવાર ડો. અલવીએ કુલ ઈલેક્ટોટર કોલેજમાં 432માંથી 212 વોટ મેળવ્યા હતા. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઊભા રહેલા વિરોધ પક્ષના નેતા મૌલાના ફઝલુર રહેમાનને માત્ર 131 વોટ મળ્યા હતા. એતઝાઝ અહેસાન, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સભ્યને માત્ર 81 વોટ મળ્યા હતા. 

અલવીએ પરિણામ જાણ્યા બાદ જણાવ્યું કે, તેઓ માત્ર પીટીઆઈના પ્રેસિડન્ટ નથી, તેઓ તમામ પક્ષ અને તમામ પાકિસ્તાની નાગરિકોનાં પ્રેસિડન્ટ છે. તેમના કાર્યકાળમાં તેઓ ગરીબોની ભલાઈ માટે કામ કરશે. 

વ્યવસાયે દાંતના ડોક્ટર એવા 69 વર્ષના ડો. અલવી પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ પાર્ટીના સ્થાપક સભ્યોમાંના એક છે. તેમણે વર્ષ 2006થી 2013 દરમિયાન પાર્ટીના જનરલ સેક્રેટરીનું પદ સંભાળ્યું હતું. તેઓ તાજેતરમાં જ 25 જુલાઈના રોજ યોજાયેલી ચૂંટણીમાં કરાચીની (એનએ-247) બેઠક પરથી પાકિસ્તાનની રાષ્ટ્રીય સંસદમાં ચૂંટાઈ આવ્યા હતા. આ અગાઉ તેઓ 2013માં પણ સામાન્ય ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. 

પાકિસ્તાનના વર્તમાન રાષ્ટ્રપતિ મમનૂન હુસેનનો કાર્યકાળ 8 સપ્ટેમ્બરના રોજ પૂરો થાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news