આગામી 90 દિવસમાં કાબુલ પર કબજો કરી લેશે તાલિબાન, અમેરિકી એજન્સીની ચેતવણી

તાલિબાને અત્યાર સુધી દેશના 65 ટકા ભાગ પર કબજો કરી લીધો છે. તાલિહાનને માત આપવા માટે અફઘાનિસ્તાન સરકારે ત્રણ તબક્કાવાળો માસ્ટર પ્લાન બનાવ્યો છે.

આગામી 90 દિવસમાં કાબુલ પર કબજો કરી લેશે તાલિબાન, અમેરિકી એજન્સીની ચેતવણી

કાબુલઃ અમેરિકી ગુપ્ત એજન્સીઓએ ચેતવણી આપી છે કે તાલિબાન આતંકીઓ આગામી 30થી 90 દિવસમાં અફઘાનિસ્તાન પર કબજો કરી શકે છે. આ ખુલાસા બાદ અફઘાનિસ્તાનની ગની સરકારમાં હડકંપ મચી ગયો છે. તાલિબાને અત્યાર સુધી દેશના 65 ટકા ભાગ પર કબજો કરી લીધો છે. તાલિહાનને માત આપવા માટે અફઘાનિસ્તાન સરકારે ત્રણ તબક્કાવાળો માસ્ટર પ્લાન બનાવ્યો છે.

અફઘાનિસ્તાનના ગૃહમંત્રી જનરલ અબ્દુલ સત્તાર મિર્ઝાકવાલે બુધવારે અલઝઝીરાને જણાવ્યુ કે, સરકાર સ્થાનીક સમૂહોને હથિયારબંધ કરી રહી છે, જેથી તાલિબાનને પાછળ ધકેલી શકાય. તેમણે કહ્યું કે, તાલિબાનના 9 પ્રાંતો પર કબજો કર્યા બાદ અફઘાન સેના હાઈવે, મોટા શહેરો અને સરહદ ક્રોસિંગને સુરક્ષિત બનાવવા માટે પ્રયાસ કરી રહી છે. મિર્ઝાકવાલ હાલમાં દેશની 1,30,000 ની પોલીસ ફોર્સના પ્રમુખ બન્યા છે. 

સ્થાનીક મિલિશિયાને સમર્થન આપી રહી છે સરકાર
અફઘાનિસ્તાનના ગૃહ મંત્રીએ કહ્યુ કે, સરકાર હવે સ્થાનીક વોલેન્ટિયર મિલિશિયાને સમર્થન આપી રહી છે, જેને અપરાઇઝિંગ મૂવમેન્ટ કહેવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, અમે ત્રણ તબક્કામાં કામ કરી રહ્યાં છીએ. પ્રથમ તબક્કામાં સરકારી સૈનિકોની હારને રોકવાનું છે. બીજા તબક્કામાં સૈનિકોને ફરી ભેગા કરવાનું છે જેથી તેની મદદથી શહેરોની આસપાસ સુરક્ષાનો ઘેરો તૈયાર કરી શકાય. તેમણે જણાવ્યું કે, જે સુરક્ષાકર્મી પોતાની પોસ્ટ છોડી ચાલ્યા ગયા છે અમે તેને પરત લાવી રહ્યાં છીએ. 

મિર્ઝાકવાલે કહ્યુ કે, ત્યારબાદ ત્રીજો તબક્કો શરૂ થશે જેમાં તાલિબાન વિરુદ્ધ આક્રમક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ સમયે અમે બીજા તબક્કા તરફ આગળ વધી રહ્યાં છીએ. અફઘાનના ગૃહમંત્રીનું નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં તાલિબાન આતંકી ખુબ ઝડપથી કાબુલ તરફ આગળ વધી રહ્યાં છે. હવે તેના નિશાને મઝાર-એ-શરીફ આવી ગયું છે. મિર્ઝાકવાલે કહ્યુ કે, સરકારની હારનું મોટુ કારણ રસ્તા અને હાઈવે પરથી નિયંત્રણ ગુમાવી દેવાનું રહ્યું. 

અમારી પાસે ખુબ સીમિત હવાઈ સમર્થન
અફઘાન નેતાએ કહ્યું કે, અમેરિકી સૈનિકોની વાપસી બાદથી દેશના 400 વિસ્તારમાં જોરદાર જંગ શરૂ થઈ ગયો છે. તેમણે કહ્યું- અમારી પાસે ખુબ સીમિત હવાઈ સમર્થન છે. હેલિકોપ્ટરનો ઉપયોગ સામાન લઈ જવા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે કરવામાં આવી રહ્યો છે. મિર્ઝાકવાલે કહ્યુ કે, કેન્દ્ર સરકાર સ્થાનીક નેતાઓને તે શક્તિ આપી રહી છે કે પોતાના સમુદાયની અંદરના લોકોને તાલિબાન વિરુદ્ધ જંગ માટે ભરતી કરે. આ લોકોએ અફઘાન રાષ્ટ્રપતિ અને સરકારમાં સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું છે. બાદમાં તેને અફઘાન સેનામાં સામેલ કરી લેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news