કેરળના પૂરની ફેસબુક મજાક ઉડાવવી પડી મોંઘી, કંપનીએ તાત્કાલિક નોકરીમાંથી કાઢી મુક્યો

રાહુલ નામનો આ વ્યક્તિ કંપનીમાં કેશિયરના પદ પર હતો. તેણે થોડા દિવસ અગાઉ કેરળનાં પૂરપીડિતોની ફેસબુકના માધ્યમથી મજાક ઉડાવી હતી. ત્યાર બાદ ઓમાનમાં તેની કંપનીએ તેને કાઢી મુક્યો છે 

કેરળના પૂરની ફેસબુક મજાક ઉડાવવી પડી મોંઘી, કંપનીએ તાત્કાલિક નોકરીમાંથી કાઢી મુક્યો

દુબઈઃ કેરળ પૂર પીડિયોતની મજાક ઉડાવવી એક ભારતીય વ્યક્તિનો મોંઘી પડી ગઈ છે. ફેસબૂક પર લખેલી તેની કોમેન્ટને કારણે તેની કંપની એટલી નારાજ થઈ કે તેને તાત્કાલિક ધોરણે નોકરીમાંથી હાંકી કઢાયો છે.  રાહુલ નામનો આ વ્યક્તિ કંપનીમાં કેશિયરના પદ પર હતો. તેણે થોડા દિવસ અગાઉ કેરળ પૂર પીડિતોની ફેસબૂકના માધ્યમથી મજાક ઉડાવી હતી. ત્યાર બાદ ઓમાનમાં તેની કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મુક્યો છે. જોકે, ત્યાર બાદ તેણે પોતાના આ કૃત્ય બદલ માફી માગી લીધી હતી. 

રાહુલ ચેરૂ પલાયત્તુ ઓમાનમાં લુલુ ગ્રૂપ ઈન્ટરનેશનલમાં કેશિયરના પદ પર કામ કરતો હતો. કેરળમાં આવેલા પૂર અંગે તેણે ફેસબૂક પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેણે સેનીટેશન સાથે સંકળાયેલા મુદ્દા પર કંઈક એવું લખ્યું હતું, જે કંપનીને અયોગ્ય લાગ્યું હતું. ખલીજ ટાઈમ્સના જણાવ્યા અનુસાર, તેની કંપનીના એચઆર વિભાગે ત્યાર બાદ તેને ટર્મિનેટ કરી દીધો હતો. 

એચઆર મેનેજર નસર મુબારક-સલેમ-અલ-માલવીએ લખ્યું કે, તમારી સેવાઓ કંપનીમાંથી તાત્કાલિક ધોરણે સમાપ્ત કરવામાં આવે છે. કેમ કે, તમે કેરળમાં આવેલા પૂર અંગે અત્યંત અસંવેદનશીલ કોમેન્ટ લખી છે. તમે તમારી તમામ જવાબદારીઓ પોતાના રિપોર્ટિંગ મેનેજરને સોંપી દો. તમે તાત્કાલિક એકાઉન્ટ વિભાગને પોતાનું ફાઈનલ સેટલમેન્ટ કરાવવા માટે મળો. 

ત્યાર બાદ રાહુલ પોતાની કોમેન્ટ અંગે કંપની પાસેથી તાત્કાલિક ધોરણે માફી માગી હતી. આ માટે તેણે રવિવારે ફેસબુક પર એક વીડિયો પણ મુક્યો હતો. જેમાં તેણે કહ્યું કે, 'હું મારી ટિપ્પણી અંગે માફી માગું છું. હું જ્યારે એ લખી રહ્યો હતો ત્યારે મને ખબર ન હતી કે હું શું ભુલ કરી રહ્યો છું.'

ભારતીય મૂળના ઉદ્યોગપતિની કંપની છે 
ઓમાનમાં લુલુ જૂથ ભારતીય મૂળના અબજપતિ ઉદ્યોગપતિ એમ.એ. યુસુફ  ચલાવે છે. તેઓ પોતે પણ કેરળના રહેવાસી છે. તેમણે આ ભીષણ આપત્તિમાં કેરળ માટે 92 લાખ દિરહમ જેટલી રકમ પણ મદદ માટે મોકલી છે. આ ઉપરાંત યુનાઈટેડ અરબ અમિરાત સરકારે આ બાબતે કેરળમાં મદદ માટે એક સમિતિની રચના કરી છે. 

કંપનીના સીસીઓ વી. નંદકુમારે રાહુલને ટર્મિનેટ કરવા અંગે લખ્યું હતું કે, અમે આ બાબતે તાત્કાલિક પગલાં લીધા હતા. અમે એવો સંદેશો આપવા માગતા હતા કે, આવી બાબતોમાં અમારું વલણ એકદમ સ્પષ્ટ છે. અમે આવી બાબતોમાં થોડી પણ ઢીલ ચલાવી લેતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news