મહાભિયોગ પ્રસ્તાવ: Donald Trump ને મળ્યો Mike Pence નો સાથ, પરંતુ અનેક રિપબ્લિકન સાંસદોએ મુશ્કેલી વધારી
Trending Photos
વોશિંગ્ટન: કેપિટલ હિલ હિંસા મુદ્દે ટીકાનો સામનો કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) વિરુદ્ધ મહાભિયોગના પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમેરિકી સંસદમાં મહાભિયોગના પક્ષ અને વિરોધમાં દલીલો થઈ રહી છે. આ બધા વચ્ચે ડેમોક્રેટ્સના ભારે દબાણ છતાં ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે(Mike Pence) ટ્રમ્પને પદ પરથી હટાવવા માટે બંધારણના 25માં સંશોધનનો ઉપયોગ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. પેન્સે હાઉસ સ્પીકર નેન્સી પેલોસી (Nancy Pelosi)ને પત્ર લખીને સ્પષ્ટ કરી દીધુ કે તેમનો એવો કોઈ ઈરાદો નથી.
હિંસા માટે ટ્રમ્પ જવાબદાર
ડોનાલ્ડ ટ્રમ્પ માટે માઈક પેન્સનો સાથ રાહતની વાત હોઈ શકે છે. પરંતુ તેમની પાર્ટીમાં ફાડા પડતા જોવા મળી રહ્યા છે. અનેક રિપબ્લિકન સાંસદોએ ડેમોક્રેટ્સના પ્રસ્તાવનું સમર્થન કરતા જાહેર કર્યું છે કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને હટાવવાના પ્રસ્તાવના પક્ષમાં મતદાન કરસે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં રિપબ્લિકન તરફથી નંબર 3ની પોઝિશન ધરાવનાર લિઝ ચેનીએ કેપિટલ હિંસા માટે સીધી રીતે ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવતા કહ્યું કે મહાભિયોગ પ્રસ્તાવના સમર્થનમાં મત આપશે. લિઝ રિપબ્લિકનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડિક ચેનીના પુત્રી છે.
પેન્સ બોલ્યા- આ શરમજનક હશે
લિઝની જેમ રિપબ્લિકન જ્હોન કાટકો અને એડમ કિંઝિગરે પણ જાહેરાત કરી છે કે તેઓ મહાભિયોગના પક્ષમાં મત આપશે. એવા પણ અહેવાલ છે કે અનેક અન્ય સાંસદો પણ છેલ્લી ઘડીએ ટ્રમ્પનો સાથ છોડીને ડેમોક્રેટ્સના અભિયાનનો હિસ્સો બની શકે છે. અત્રે જણાવવાનું કે ટ્રમ્પને 25માં સંશોધન દ્વારા હટાવવાનો મેરીલેન્ડના ડેમોક્રેટ રિપ્રિઝન્ટેટિવ જેમી રસ્કિને રજુ કર્યો છે. જો કે પેન્સે તેનાથી ઈન્કાર કરતા કહ્યું કે આ કોઈ પણ દેશ માટે શરમજનક બાબત હશે કે કોઈ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પોતાનો કાર્યકાળ પૂરો ન કરી શકે અને તે પહેલા જ તેમને હટાવી દેવામાં આવે. ડેમોક્રેટ્સની માગણી હતી કે ટ્રમ્પને હટાવીને શપથ ગ્રહણ સુધી પેન્સ કાર્યકારી રાષ્ટ્રપતિ બનીને જવાબદારી સંભાળે.
ટ્રમ્પને કોઈ ફરક નથી પડતો
વિપક્ષના મહાભિયોગ પ્રસ્તાવથી ડોનાલ્ડ ટ્રમ્પ જરાય આશંકિત નથી. તેમણે કહ્યું કે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. રાષ્ટ્રપતિએ મંગળવારે કહ્યું કે 25માં સંશોધનથી મને કોઈ નુકસાન થવાનું નથી. આ અગાઉ પણ તેમણે પોતાના વિરુદ્ધ લાવવામાં આવેલા મહાભિયોગની પ્રક્રિયાને સાવ નકામી ગણાવી હતી. તેમણે તેને રાજકારણના ઈતિહાસની સૌથી મોટી 'વિચ હંટ' ગણાવતા કહ્યું હતું કે મને લાગે છે કે તેનાથી ગુસ્સો વધશે. જો કે ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમે હિંસા નથી ઈચ્છતા.
FBI કસી રહી છે સકંજો, યુટ્યૂબે આપ્યો ઝટકો
આ બાજુ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) ગત અઠવાડિયે થયેલી કેપિટલ હિલ હિંસા મામલે નોંધાયેલા કેસની તપાસ કરી રહી છે. FBI ઓછામાં ઓછા 160 કેસ પર કામ કરી રહી છે. એજન્સીના ફીલ્ડ ઓફિસના પ્રભારી સહાયક નિદેશક ડી'અંટુનોએ મીડિયા બ્રિફિંગમાં જણાવ્યું કે એફબીઆઈને એક લાખ વીડિયો અને ફોટા મળ્યા હતા. જેના આધારે આરોપીઓની ઓળખ થઈ રહી છે. આ બાજુ યુટ્યૂબે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દીધી છે. CNNના રિપોર્ટ મુજબ આ ચેનલ પર અપલોડ કરાયેલા કેટલાક વીડિયો ભડકાઉ માનવામાં આવ્યા છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે કેટલાક વીડિયો અમારી નીતિઓ સાથે મેળ ખાતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે