મિત્ર બદલીને પછતાશે માલદીવ; ચીનની મહેમાનગતિ ભારે પડશે, સમજાશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે!

ભારત સાથેના સંબંધ બગાડી ચૂકેલા માલદીવના રાષ્ટ્રપતિ અત્યારે ચીનના પ્રવાસે છે. બંને દેશો એકબીજાના વખાણ કરી રહ્યા છે, જેના કેન્દ્રમાં છે ભારત સામેનો છૂપો વિરોધ. માલદીવના ટૂંકી દ્રષ્ટિ ધરાવતા નવા સત્તાધીશો સામે ચાલીને દેશને ડ્રેગનના ભરડા તરફ લઈ જઈ રહ્યા છે.

મિત્ર બદલીને પછતાશે માલદીવ; ચીનની મહેમાનગતિ ભારે પડશે, સમજાશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે!

ઝી બ્યુરો/નવી દિલ્હી: દુનિયાની ઉભરતી મહાસત્તા અને પાંચમા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર ભારત અને માલદીવના સંબંધ અત્યારે ચર્ચામાં છે. એ જ માલદીવ, જે વિસ્તારમાં અમદાવાદથી પણ નાનું છે. તેમ છતા ટચૂકડું માલદીવ ભારત સાથે શિંગડા ભેરવવાનું દુસ્સાહસ કરી રહ્યું છે. તેનું કારણ બીજું કંઈ નહીં, પણ ચીનનો દોરીસંચાર છે. 

ભારત સાથેના સંબંધ બગાડી ચૂકેલા માલદીવના રાષ્ટ્રપતિ અત્યારે ચીનના પ્રવાસે છે. બંને દેશો એકબીજાના વખાણ કરી રહ્યા છે, જેના કેન્દ્રમાં છે ભારત સામેનો છૂપો વિરોધ. માલદીવના ટૂંકી દ્રષ્ટિ ધરાવતા નવા સત્તાધીશો સામે ચાલીને દેશને ડ્રેગનના ભરડા તરફ લઈ જઈ રહ્યા છે. જો કે ભારતે પણ માલદીવને સબક શિખવાડવાની કવાયત તેજ કરી દીધી છે.

ભારત અને માલદીવના સંબંધોમાં અત્યારે એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે, જે માલદીવની તરફેણમાં નથી. ભારત સાથે સંબંધ બગાડીને આ ટચૂકડા દેશની નવી સરકારે મોટી ભૂલ કરી છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝ્ઝુ ભારતની જગ્યાએ ચીનની મહેમાનગતિ માણી રહ્યા છે. ચીનના વખાણ કરીને તેમણે ચીનને માલદીવનું મૂલ્યવાન અને અભિન્ન સહયોગી પણ ગણાવી દીધું છે. જિયામેન ફ્રી ટ્રેડ ઝોનની મુલાકાત અને ચીનની સરકારી કંપની ચાઈના કોમ્યુનિકેશન્સ કન્સ્ટ્રક્શન લિમિટેડના અધિકારીઓ સાથેની મુઈજ્જુની વાતચીત ઘણા સંકેત આપે છે. તે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરશે.

નવાઈની વાત એ છે કે મુઈજ્જુ એક-બે નહીં પણ પૂરા પાંચ દિવસના ચીનના પ્રવાસે છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે કેટલીક સમજૂતી પણ થશે. સૌથી મોટી વાત એ છે કે ચીન માલદીવને પોતાના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવમાં સામેલ કરી શકે છે. જો આમ થાય તો હિંદ મહાસાગરમાં ચીનનો ચંચુપાત વધશે, જેનાથી ભારતે વધુ સાવચેત રહેવું પડશે. આ ઉપરાંત ચીન માલદીવમાં પાયાનાં ઈન્ફ્રાસ્ટ્રકચરને વિકાસાવવા માટેના પણ કરાર કરી શકે છે. એટલે કે ચીન માલદીવને અન્ય નાના દેશોની જેમ પોતાનું બગલ બચ્ચુ બનાવવા માગે છે. જેનો ઉપયોગ તે સ્વાભાવિક રીતે જ ભારતના વિરોધમાં કરશે.

ચીને અત્યારથી જ માલદીવ અને ભારતના સંબંધ વધુ વણસે તેમાં રસ લેવાની શરૂઆત કરી દીધી છે. નવેમ્બરમાં સત્તા પર આવેલા મોહમ્મદ મોઈઝ્ઝુએ તુર્કી અને યુએઈ બાદ ચીનનો પ્રવાસ ખેડીને પોતાની પ્રાથમિકતા છતી કરી દીધી છે. માલદીવના મંત્રીઓએ ભારતીયો અને દેશના પ્રધાનમંત્રી મોદીના કરેલા અપમાન બાદ ભારતમાં માલદીવના બહિષ્કારની ગતિ વધી છે. ત્યારે તેના નુકસાનને માલદીવના સત્તાધીશો સમજવા લાગ્યા છે. આ દરમિયાન આવા અહેવાલો સામે આવી રહ્યા છે કે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ જાન્યુઆરીના અંત સુધી ભારતના પ્રવાસે આવી શકે છે. જો કે ભારત સરકાર તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરાઈ.

ભારત હંમેશાથી માલદીવની પડખે ઉભું રહ્યું છે. જરૂરિયાત સમયે દરેક મદદ પૂરી પાડી છે. પછી તે 2004માં આવેલી ભયાનક સુનામી હોય કે 2014નું માલદીવનું જળસંકટ હોય. માલદીવમાં તૈયાર થયેલી ઘણી પરિયોજનાઓમાં ભારતે મદદ કરી છે. કોરોના કાળમાં ભારતે માલદીવને વક્સિન પૂરી પાડી હતી. માલદીવના સુરક્ષા દળોને તાલીમ પૂરી પાડવામાં પણ ભારતની મહત્વની ભૂમિકા છે.

ભારતની આ ભૂમિકાને જોતાં માલદીવની અત્યાર સુધીની સરકારો ભારતને પોતાની વિદેશ નીતિમાં સૌથી વધુ મહત્વ આપતી આવી છે. પણ મોહમ્મદ મુઈજ્જુએ ચીનના ઈશારે અલગ ટ્રેક પકડ્યો છે. GFXIN તેમનું વલણ પહેલાથી જ ભારત વિરોધી રહ્યું છે. તેમણે પોતાનો ચૂંટણી પ્રચાર જ ભારતના વિરોધના આધારે કર્યો હતો. સત્તા પર આવ્યા બાદ તેમણે ભારતને માલદીવમાંથી પોતાના સૈનિકો પરત બોલાવવા કહી દીધું. આ ઉપરાંત તેમણે ભારત સાથેની હાઈડ્રોગ્રાફિક સમજૂતીને પણ રિન્યૂ નથી કરી. જે દેખાડે છે કે મુઈજ્જુ ચીનના પ્યાદાથી વિશેષ કંઈ નથી.

ગુજરાતમાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો! આ જિલ્લામા મોટું નુકસાન,સ્થિતિ દયનીય 
  
માલદીવના વિપક્ષી દળો પણ મુઈજ્જુની ખોરી દાનત અને ખોટી વિદેશ નીતિને સમજી ચૂક્યા છે. ભારત સાથે સંબંધ બગાડવા બદલ હવે મુઈજ્જુને સત્તા પરથી દૂર કરવાના પ્રયાસ પણ શરૂ થઈ ગયા છે. માલદીવમાં વિપક્ષના એક નેતા અલી અઝીમે રાષ્ટ્રપતિ મુઈજ્જુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા વિપક્ષને આહ્વાહન કર્યું છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે અમે ડેમોક્રેટ્સ દેશની વિદેશ નીતિની સ્થિરતાને જાળવી રાખવા માટે અને કોઈ પણ પાડોશી દેશથી અલગાવને અટકાવવા માટે પ્રતિબદ્ધ છીએ. શું તમે રાષ્ટ્રપતિ મુઈજ્જુને સત્તા પરથી દૂર કરવા જરૂરી પગલાં લેવા માટે તૈયાર છો? શું માલદીવનું સચિવાલય અવિશ્વાસ મતની શરૂઆત માટે તૈયાર છે?

સત્તા પર આવ્યાના બે જ મહિનામાં મુઈજ્જુએ ચીન માટેનો પોતાનો પ્રેમ છતો કરી દીધો છે. જે માલદીવ અને તેની જનતા માટે જોખમી છે. દેવાની જાળમાં ફસાવીને ચીન અનેક નાના દેશોનો ભરડો લઈ ચૂક્યું છે. ત્યારે માલદીવના સત્તાધીશોને જલ્દી સમજ આવે તે જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news