મોરોક્કોમાં 60 વર્ષ બાદ ભયંકર ભૂકંપ : 820થી વધુ લોકોનાં મોત, UNESCO હેરિટેજ સાઈટને પણ નુકસાન

ઉત્તર આફ્રિકાના દેશ મોરોક્કોમાં ભૂકંપના કારણે ભયંકર તબાહી સર્જાઈ છે. આ વિનાશક ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે સૌથી વધુ મોત પર્વતીય વિસ્તારોમાં થયા છે.
 

મોરોક્કોમાં 60 વર્ષ બાદ ભયંકર ભૂકંપ : 820થી વધુ લોકોનાં મોત, UNESCO હેરિટેજ સાઈટને પણ નુકસાન

Morocco Earthquake Today: આફ્રિકન દેશ મોરોક્કોમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા વિનાશક ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 800 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. આ વિનાશક ભૂકંપને છેલ્લા છ દાયકામાં મોરોક્કોમાં આવેલા સૌથી ખતરનાક ભૂકંપ તરીકે ગણાવવામાં આવી રહ્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ભૂકંપના કારણે મોરોક્કોમાં સેંકડો ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે, જેના કારણે મોરોક્કોના મોટા શહેરોમાં રહેતા લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે. આ વિનાશક ભૂકંપથી યુનેસ્કો હેરિટેજ સ્થળોને પણ નુકસાન થયું છે.

મોરોક્કન ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભૂકંપમાં મૃત્યુઆંક 820 પર પહોંચી ગયો છે જ્યારે 672 અન્ય લોકો ઘાયલ છે. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું છે કે મોટાભાગના મૃત્યુ પર્વતીય વિસ્તારોમાં થયા છે જ્યાં રાહત માટે પહોંચવું મુશ્કેલ હતું. શુક્રવારે મોડી રાત્રે મોરોક્કોના ઉચ્ચ એટલાસ પર્વતોમાં આવેલા ભૂકંપની તીવ્રતા 7.2 હતી.

રિપોર્ટ અનુસાર ભૂકંપના કારણે યુનેસ્કો હેરિટેજ સાઈટને પણ નુકસાન થયું છે. જેમા અલ-ફના સ્ક્વેરમાં એક મસ્જિદનો મિનાર તૂટી પડ્યો છે, જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જે મોરોક્કોના જૂના શહેરમાં આવેલા મારાકેશમાં સ્થિત છે.

ભૂકંપનું કેન્દ્ર મરાકેશ શહેરમાં રહેતા શહેરી બ્રાહિમ હિમ્મીએ એજન્સીને જણાવ્યું હતું કે ભૂકંપને કારણે ઘણી જૂની ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને તેણે એમ્બ્યુલન્સને જૂના શહેરને છોડ્યા પછી જોઈ હતી. તેમણે કહ્યું કે લોકો ડરી ગયા છે અને બીજા ભૂકંપના ડરથી ઘરની બહાર નીકળી ગયા છે. સોશિયલ મીડિયા પર ભૂકંપ સાથે જોડાયેલા ચોંકાવનારા ફોટા અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે.

શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના કારણે તબાહી
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે બધું જ ભગવાનની ઈચ્છા છે, પરંતુ અમે ઘણું સહન કર્યું છે. ઓલ્ડ મરાકેશ શહેરના રહેવાસી જોહરી મોહમ્મદ કહે છે, "ભૂકંપના આંચકાને કારણે હું હજુ પણ ઊંઘી શકતો નથી. લોકોને બચવા માટે દોડતા જોયા છે. ઓલ્ડ મરાકેશ શહેરમાં તમામ ઘરો જૂના છે. ઓસ્ટ્રેલિયન પ્રવાસી ટ્રાઈ કહે છે, "અચાનક રૂમ ધ્રુજવા લાગ્યો. અમે કેટલાક કપડાં અને અમારી બેગ ઉપાડી અને બહાર ભાગ્યા."

મોરોક્કોમાં 1960 પછીનો સૌથી ભયંકર ભૂકંપ
ભૂકંપના કેન્દ્રની નજીકના સ્થાનિક રહેવાસી મોન્ટાસિર ઈટરીએ જણાવ્યું હતું કે, "મોટા ભાગના ઘરોને નુકસાન થયું છે. અમારા પડોશીઓ કાટમાળ નીચે દબાયેલા છે અને લોકો ગામમાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે." આ દરમિયાન સ્થાનિક શિક્ષક હામિદ અફકારનું કહેવું છે કે ભૂકંપના આંચકા અનુભવતા જ તે પોતાના ઘરેથી ભાગી ગયો હતો. તેણે કહ્યું, "પૃથ્વી લગભગ 20 સેકન્ડ સુધી ધ્રૂજતી રહી. જ્યારે હું બીજા માળેથી નીચે દોડ્યો, ત્યારે દરવાજો પોતાની મેળે ખૂલી અને બંધ થઈ ગયો."

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, 1960 પછી મોરોક્કોનો આ સૌથી ભયંકર ભૂકંપ છે. 1960ના ભૂકંપમાં ઓછામાં ઓછા 12,000 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે. તીવ્રતાના સંદર્ભમાં, ઇતિહાસનો સૌથી ખરાબ ભૂકંપ 1960 માં ચિલીમાં નોંધાયો હતો.

ભારત દરેક શક્ય મદદ માટે તૈયાર : પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે "મોરોક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી ખૂબ જ દુઃખી છું. આ દુઃખદ ક્ષણમાં, મારી સંવેદનાઓ મોરોક્કોના લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ મુશ્કેલ સમયમાં ભારત મોરોક્કોને શક્ય તમામ મજજ કરવા માટે તૈયાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news