નેપાળમાં બીજીવાર કેપી શર્માની તાજપોશી, બન્યા દેશના 41માં વડાપ્રધાન

સીપીએન-યુએમએલ અને સીપીએમ-માઓવાદી સેન્ટર ગઠબંધનને ડિસેમ્બરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 275માંથી 174 સીટો પર જીત મળી હતી. 

 

 નેપાળમાં બીજીવાર કેપી શર્માની તાજપોશી, બન્યા દેશના 41માં વડાપ્રધાન

કાઠમાંડુઃ નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીમાં વામપંથી ગઠબંધનને મોટી જીત મળ્યા બાદ સીપીએન-યુએમએલના અધ્યક્ષ કેપી શર્મા ઓલી ગુરૂવારે બીજીવાર નેપાળના વડાપ્રધાન બની ગયા છે. ઓલીા વડાપ્રધાન બનતા નેપાળમાં રાજનીતિક સ્થિરતાની આશા ફરી એક વખત જાગી છે. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ 65 વર્ષના ઓલીને દેશના 41માં વડાપ્રધાન પદ્દે નિયુક્ત કર્યા. ચીન પ્રત્યે લગાવ રાખનાર ઓલી આ પહેલા 11 ઓક્ટોબર 2015થી ત્રણ ઓગસ્ટ 2016 સુધી નેપાળના વડાપ્રધાન પદ્દે રહ્યા હતા

નેપાળના બંધારણના અનુચ્છેદ 76 મુજબ ઓલીને વડાપ્રધાન પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અનુચ્છેદ પ્રમાણે જ્યારે પ્રતિનિધિ સભામાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત ન હોય તો રાષ્ટ્રપતિ પ્રતિનિધિ સભાના એવા સભ્યને વડાપ્રધાન પદ્દે નિયુક્ત કરશે જેને બે કે તેથી વધુ પાર્ટીના સમર્થનથી બહુમત પ્રાપ્ત થઈ શકે. વડાપ્રધાન પદ માટે ઓલીનું સમર્થન યુસીપીએન-માઓવાદી, રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી નેપાલ અને મધેશી રાઇટસ ફોરમ ડેમોક્રેટિક સિવાય 13 અન્ય નાની પાર્ટીઓએ સમર્થન કર્યું છે. 

શેર બહાદુર દેઉબાએ કર્યું રાષ્ટ્રજોગ સંબોધન
આ પહેલા નેપાલી કોંગ્રેસ અધ્યક્ષ શેર બહાદુર દેઉબાએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને વડાપ્રધાન પદ્દેથી પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક સંસદીય અને સ્થાનિક ચૂંટણીમાં પાર્ટીની કરારી હારના આશરે બે મહિના બાદ દેઉબાએ રાજીનામું આપ્યું છે. દેઉબા સીપીએન (માઓવાદી સેન્ટર)ના સમર્થનથી ગત વર્ષે 6 જૂને નેપાળના 40માં વડાપ્રધાન બન્યા હતા. સીપીએન હવે વામપંથી ગઠબંધનનો ભાગ છે અને સીપીએન યુએમએલ સાથે વિલય કરી રહ્યું છે. ટેલીવિઝન પ્રસારણ દરમિયાન દેઉબાએ કહ્યું, મારા નેતૃત્વમાં સરકારના ત્રણેય સ્તરોએ મતદાન સફળતાપૂર્વક પૂર્ણ થયું. જેનાથી સત્તા પરિવર્તનનો પાયો નખાયો.

ઓલીની પાર્ટીને મળી હતી 121 સીટો
સીપીએન-યુએમએલ અને સીપીએન-માઓવાદી સેન્ટર ગઠબંધને ડિસેમ્બરની સામાન્ય ચૂંટણીમાં 275 સીટોમાંથી 174 સીટો પર જીત મેળવી હતી. સીપીએન-યુએમએલનું નેતૃત્વ ઓલી, જ્યારે સીપીએન માઓવાદી સેન્ટરનું નેતત્વ પુષ્પ કુમાર દહલ પ્રચંડ કરે છે. ઓલીની પાર્ટી સીપીએન-યુએમએલને 121 મળી અને તે સંસદની સૌથી મોટી પાર્ટી બની. નેપાળી કોંગ્રેસને 63 સીટ મળી છે, જ્યારે સીપીએન-માઓવાદી સેન્ટરની પાસે 53 સીટો છે. સીપીએન-યુએમએલ અને સીપીએન-માઓવાદી સેન્ટરની કુલ 174 સીટો છે. બહુમતની સરકાર બનાવવા માટે આ પર્યાપ્ત આંકડો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news