Russia: પુતિનની કડકાઈ આગળ ઝૂક્યા યેવગેની, ટેંકો પાછી ફરી, ફીલ્ડ કેમ્પ તરફ આગળ વધી રહ્યા છે ફાઈટર્સ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન હાલ ગૃહ યુદ્ધનો સામનો કરી રહ્યા છે. જેનું કારણ છે રશિયાની પ્રાઈવેટ આર્મી વેગનરનો બળવો. વેગનરે પોતાની જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો અને સ્પષ્ટપણે કહ્યું કે દેશને જલદી નવા રાષ્ટ્રપતિ મળવાના છે. વેગનર ગ્રુપના ચીફ યેવગેની પ્રિગોઝીન રશિયાના રાજધાની મોસ્કો તરફ પોતાના 25 હજાર સૈનિકો સાથે કૂચ કરી રહ્યા હતા કે ત્યારે જ  બેલારૂસના રાષ્ટ્રપતિએ મધ્યસ્થતા કરવાની જવાબદારી ઉઠાવી.

Russia: પુતિનની કડકાઈ આગળ ઝૂક્યા યેવગેની, ટેંકો પાછી ફરી, ફીલ્ડ કેમ્પ તરફ આગળ વધી રહ્યા છે ફાઈટર્સ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન હાલ ગૃહ યુદ્ધનો સામનો કરી રહ્યા છે. જેનું કારણ છે રશિયાની પ્રાઈવેટ આર્મી વેગનરનો બળવો. વેગનરે પોતાની જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો અને સ્પષ્ટપણે કહ્યું કે દેશને જલદી નવા રાષ્ટ્રપતિ મળવાના છે. વેગનર ગ્રુપના ચીફ યેવગેની પ્રિગોઝીન રશિયાના રાજધાની મોસ્કો તરફ પોતાના 25 હજાર સૈનિકો સાથે કૂચ કરી રહ્યા હતા કે ત્યારે જ  બેલારૂસના રાષ્ટ્રપતિએ મધ્યસ્થતા કરવાની જવાબદારી ઉઠાવી. જો કે આ સમજૂતિ પહેલા સુધી રશિયામાં આખો દિવસ ઉથલપાથલ જોવા મળી. 

લેટેસ્ટ માહિતી મુજબ રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની કડકાઈ આગળ પ્રાઈવેટ આર્મી વેગનર ચીફ યેવગેની પ્રિગોઝીન ઝૂકી  ગયા છે. બળવાના 12 કલાકની અંદર તેમણે પોતાની સરકાર સાથે સમાધાન કરી લીધુ છે. બેલારૂસના રાષ્ટ્રપતિ અલેક્ઝેન્ડર લુકાશેન્કોએ વેગનર ચીફ સાથે વાત કરી અને ત્યારબાદ યેવગેનીના તેવર ઢીલા પડ્યા અને મોસ્કો પર હુમલા રોકવાનો નિર્ણય લીધો છે. હવે આ પ્રાઈવેટ આર્મીએ પોતાના કેમ્પો તરફ પાછા ફરવાનો નિર્ણય લીધો છે અને ટેંકોના યુટર્ન માર્યો છે. રિપોર્ટ મુજબ આ પ્રાઈવેટ આર્મી મોસ્કો પર કબજો જમાવવા માટે આગળ વધી હતી. 

બેલારૂસના રાષ્ટ્રપતિના મીડિયાના હવાલે આ સમાચાર આવ્યા છે. વેગનર ગ્રુપના ચીફ પ્રિગોઝીન અને રશિયન સરકાર વચ્ચે મોટું સમાધાન થયું છે. બેલારૂસે વેગનરને તણાવ ઓછો કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. તેમણે વેગનર ચીફ સાથે વાત કરીને જણાવ્યું કે વેગનર ગ્રુપ વિદ્રોહ ખતમ કરવા માટે સહમત થયું છે. વેગનરના ફાઈટર્સ મોસ્કોથી પાછા ફરી રહ્યા છે. 

એક નિવેદનમાં પ્રિગોઝીને કહ્યું કે ખૂનામરકી રોકવા માટે અમે નિર્ણય લીધો છે. વેગનર પાછા ફિલ્ડ  કેમ્પ તરફ જશે. તેઓ હવે મોસ્કો તરફ નહીં આવે. તેમણે કહ્યું કે અમે અમારા કાફલાને પાછા મોકલી રહ્યા છીએ. અમે મોસ્કો જતા કાફલાને રોકી દીધો છે. તે અગાઉ રશિયાની સેનાએ મોસ્કો જતા તમામ રસ્તાઓ  બ્લોક કરી દીધા હતા. રાષ્ટ્રપતિ પુતિને વેગનર લીડર્સને મારવાનો આદેશ આપ્યો હતો. 

અત્રે જણાવવાનું કે પ્રિગોઝીનના બળવાખોરી તેવર જોતા રશિયાની સરકારે સુરક્ષાના કડક પગલાં ભર્યા. જો કે હાલ રશિયાની રાજધાની મોસ્કોમાં લોકડાઉન છે. રશિયાની સેનાના સૈનિક શહેરની સુરક્ષાની તૈયારીમાં લાગ્યા છે. આ અગાઉ શનિવારે સાંજે પુતિને રશિયાના લોકોને સંબોધન કરતા ચેતવણી ઉચ્ચારી હતી કે પ્રિગોઝીને તેમની પીઠમાં ખંજર ભોંક્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વેગનર પ્રમુખ યેવગેની પ્રિગોઝીન પર દેશદ્રોહ, સશસ્ત્ર વિદ્રોહ શરૂ કરવા અને પોતાના જ દેશની પીઠમાં ખંજર ભોંકવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો પર પ્રિગોઝીનનું કહેવું છે કે તેમનો હેતુ સૈન્ય તખ્તાપલટનો નહીં પરંતુ ન્યાય માટે માર્ચ કાઢવાનો છે. 

રશિયા પર 10 મોટા અપડેટ

1. બેલારૂસના રાષ્ટ્રપતિએ  કરી સમાધાનની વાત
આ બળવા વચ્ચે બેલારૂસના રાષ્ટ્રપતિ અલેક્ઝેન્ડર લુકાશેન્કોએ પ્રિગોઝીન સાથે વાતચીત કરી છે. પ્રિગોઝીને રશિયામાં વેગનર સૈનિકોની અવસરજવર રોકવા અને તણાવ ઓછો કરવા માટે લુકાશેન્કોનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. બેલારૂસના રાષ્ટ્રપતિએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે હાલ પ્રિગોઝીન બળવો નહીં કરે. પ્રિગોઝીનની સેના હવે પોતાના  બેસ તરફ પાછી ફરી રહી છે. 

2. યુક્રેને બહાર પાડ્યું નિવેદન
આ આંતરિક લડાઈને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ પણ નિવેદન બહાર પાડ્યું છે. જેલેન્સ્કીએ કહ્યું કે અમને બધાને યાદ છે કે કેવી રીતે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને 2021માં દુનિયાને ધમકી આપી હતી. વર્ષ 2022 એ દેખાડ્યું કે તેમણે બધાને ભ્રમિત કર્યા અને જૂઠથી તેમને તાકાત મળી. ક્રેમલિનમાં તેઓ કોઈ પણ આતંકનો સહારો લેવા માટે સક્ષમ છે. એક દિવસમાં તેમણે પોતાના અનેક શહેરોમાંથી ઘણાને ગુમાવી દીધા અને તમામ રશિયન ડાકુઓ, ભાડાના સૈનિકો, કુલીન વર્ગોને દેખાડ્યું કે રશિયાના શહેરો અને કદાચ હથિયારો સાથે શસ્ત્રાગાર પર કબજો કરવો કેટલો સરળ છે. 

3. રોસ્તોવ અને લિપેત્સક પર વેગનરનું નિયંત્રણ
પ્રિગોઝીને અને તેમના 25000 મજબૂત વેગનર સૈનિકોના દક્ષિણ રશિયન સહેર રોસ્તોવ ઓન ડોન પર નિયંત્રણ છે. આ તમામ સૈનિક પ્રિગોઝીનના એક ઈશારે મરવા માટે તૈયાર છે. પ્રિગોઝીનની સેનાએ પુતિનની સેના જોડે એક સૈન્ય હુમલાનો બદલો લેવાની કસમ ખાધી છે. પ્રિગઝીનનું કહેવું હતું કે રશિયાની સેનાના હુમલામાં વેગનર આર્મીના કેટલાક લોકો માર્યા ગયા છે. કથિત રીતે રોસ્તોવમાં બસ ટિકિટોનું વેચાણ બંધ કરાયું છે. જેનાથી લોકો પાસે શહેર છોડવાના ગણતરીના વિકલ્પો છે. આ ઉપરાંત રશિયાના લિપેત્સક પ્રાંતના ગવર્નરે પણ મોડી સાંજે કહ્યું કે વેગનર સૈનિકોનું સમૂહ આ વિસ્તારમાં પ્રવેશ કરી ચૂક્યો છે. અત્રે જણાવવાનું કે લિપેત્સક મોસ્કોથી 360 કિમી દૂર છે. એ હિસાબે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વેગનર સેના 360 કિમી દૂરથી પાછા ફર્યા. 

4. સ્થિતિ પર અમેરિકાની નજર
આ ગૃહ યુદ્ધ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઈટ હાઉસની બાજ નજર છે. વ્હાઈટ હાઉસે મીડિયાને જણાવ્યું કે રાષ્ટ્રપતિ બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમે આજે સવારે (સ્થાનિક સમય મુજબ) આ સમગ્ર લેટેસ્ટ ઘટનાક્રમ વિશે જાણકારી આપી. આ બ્રિફિંગમાં પ્રમુખ વરિષ્ઠ સલાહકાર પણ સામેલ હતા. 

5. સોમવારે મોસ્કોમાં રજા
સમાચાર એજન્સી એપીના રિપોર્ટ મુજબ મોસ્કોમાં મેયરે સ્થાનિક લોકોને કારોનો ઉપયોગ ન કરવાનો આગ્રહ કર્યો છે અને સોમવારે મોટા ભાગના લોકોને રજા પર રહેવા જણાવાયું છે. 

6. વોરોનિશ ઓઈલ ડેપોમાં આગ
મળતી માહિતી મજુબ વેગનર આર્મીના ફાઈટર વિમાનો, ટેંકો અને બખ્તરબંધ વાહનોનો એક કાફલો મોસ્કોથી લગભગ 6 કલાકની ડ્રાઈવ પર લિપેત્સક વિસ્તારમાં પહોંચી ગયો હતો. આ બધા વચ્ચે વેગનર આર્મીનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં સેના મોસ્કો  તરફ આગળ વધતી વખતે વોરોનિશના અડધા શહેરમાંથી પસાર થઈ. આ દરમિયાન વોરોનિશ શહેરમાં એક વિશાળ ઓઈલ ડેપો આગની લપેટોમાં ઘેરાતો જોવા મળ્યો. તે સમયે એક હેલિકોપ્ટર હવામાં હતું. સોશિયલ મીડિયા ફૂટેજમાં સૈનિકોના મોટા કાફલાને વોરોનિશથી ઉત્તર તરફ જતો જોઈ શકાય છે. 

7. મોસ્કોથી 200 કિમી દૂર હતા
મોસ્કોએ શહેરના દક્ષિણ કિનારે બખ્તરબંધ વાહનો અને સૈનિકો સાથે ચોકીઓ બનાવીને વેગનર ગ્રુપને રોકવાની તૈયારી કરી હતી. રેડ સ્કવેરે બંધ કરાયું હતું. રસ્તાઓ પર અવરજવર રોકી દેવાઈ હતી. પરંતુ સમાધાન બાદ પ્રિગોઝિને જણાવ્યું કે તેમના ફાઈટર્સ મોસ્કોથી ફક્ત 200 કિમી દૂર હતા. 

8. વેગનરે નિવેદન બહાર પાડીને કરી હતી ગૃહ યુદ્ધની વાત
વેગનરે પોતાની ટેલિગ્રામ ચેનલ દ્વારા વ્લાદિમિર પુતિનના  ભાષણ બાદ નિવેદન બહાર પાડ્યું હુતં. આ નિવેદનમાં વેગનરે કહ્યું હતું કે પુતિને ખોટો વિકલ્પ  પસંદ કર્યો છે અને રશિયાને જલદી એક નવા રાષ્ટ્રપતિ મળશે. વેગનરે એમ પણ કહ્યું કે જીત તેમની જ થશે અને એક કે બે ગદ્દારોના જીવનને 25000 સૈનિકોના જીવનથી ઉપર રાખવામા આવ્યા છે. વેગનરે નિવેદનમાં કહ્યું છે કે રશિયામાં ગૃહ યુદ્ધ હવે અધિકૃત રીતે શરૂ થઈ ગયું છે. 

9. વેગનર ગ્રુપના ફાઈટર્સ રશિયાના જ ભાડાના સૈનિકો છે. ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ મુજબ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે જણાવ્યું કે પ્રાઈવેટ આર્મી વેગનરના ચીફ તણાવ ઓછો કરવા માટે સમાધાન પર રાજી થઈ ગયા છે. તેઓ હવે પાડોશી દેશ બેલારૂસ જતા રહેશે. તેમના વિરુદ્ધ અપરાધિક કેસ બંધ કરાશે. નિવેદનમાં કહેવાયું કે પુતિન અપ્રત્યાશિત પરિણામો સાથે લોહીયાળ સ્થિતિ અને આંતરિક ટકરાવથી બચવા માંગતા હતા. 

10. પ્રિગોઝીને રક્ષામંત્રી સર્ગેઈ શોઈગુને હટાવવાની માંગણી કરી છે જે યુક્રેનમાં યુદ્ધના સંચાલન માટે લાંબા સમયથી આલોચનામાં ઘેરાયેલા છે. તેમણે શુક્રવારે શોઈગુ પર આરોપ લગાવ્યો હતો કે તેમના ઈશારા પર સૈન્ય દળોએ વેગનર કેમ્પ પર એટેક કર્યો જેમાં મોટી સંખ્યામાં તેમના સાથીઓ માર્યા ગયા. જો કે રક્ષા મંત્રાલયે તેનો ઈન્કાર કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news