અમેરિકામાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરવા ભારતીય સમુદાયમાં થનગનાટ, કરી ખાસ તૈયારી

વોશિંગ્ટન ડીસીમાં આવેલા રોનાલ્ડ રીગન સેન્ટરમાં પ્રધાનમંત્રી ભારતીય સમુદાયને સંબોધન કરવાના છે...આ કાર્યક્રમમાં સમગ્ર અમેરિકામાંથી ભારતીયો આવવાના છે. પ્રધાનમંત્રી મોદીની અમેરિકાની આ પહેલી સ્ટેટ વિઝિટ છે. 
 

અમેરિકામાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરવા ભારતીય સમુદાયમાં થનગનાટ, કરી ખાસ તૈયારી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે, ત્યારે તેમના સ્વાગત માટે અમેરિકામાં અભૂતપૂર્વ તૈયારીઓ કરાઈ છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતાને આવકારવા ભારતીય સમુદાયમાં અનેરો થનગનાટ છે. સમગ્ર અમેરિકામાં વસતા ભારતીયો ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ડીસી પહોંચી રહ્યા છે. PM મોદીની અમેરિકાની પહેલી સ્ટેટ વિઝિટ અહીં વસતા ભારતીયો માટે પણ ગર્વની વાત છે. આ પ્રવાસ ભારત અને અમેરિકાના રાજદ્વારી તેમજ વેપારી સંબંધો માટે ઐતિહાસિક છે. ત્યારે કેવો છે અત્યારે અમેરિકાનો માહોલ, જોઈએ આ અહેવાલમાં..

પ્રધાનમંત્રી મોદીનો અમેરિકા પ્રવાસ અહીં વસતા ભારતીયો માટે મહોત્સવ સમાન બની રહ્યો છે. પ્રધાનમંત્રીને આવકારવા માટે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો છે...પ્રધાનમંત્રીના આગમન સમયે ગરબાની રમઝટ જમાવવા યુવતીઓએ મન મૂકીને ગરબાની પ્રેક્ટિસ કરી..

ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રી યુએન હેડક્વાર્ટરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવાના છે, ત્યારે અહીં વસતા ભારતીયોએ પ્રધાનમંત્રીને આવકારવા માટે મોટા પાયા પર તૈયારીઓ કરી છે. ભારતીય પરિવારોએ ઘરે જ તિરંગા તૈયાર કર્યા છે...પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સામેલ થવા તેમજ તેમને મળવા માટે સમગ્ર અમેરિકામાંથી લોકો ન્યૂયોર્ક અને વોશિંગ્ટનમાં ઉમટી રહ્યા છે. 

— ANI (@ANI) June 20, 2023

ગ્રેમી એવોર્ડ વિજેતા ગાયક ફાલ્ગુની શાહ પણ ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રીને આવકારવા તૈયારી કરી રહ્યા છે. ફાલ્ગુની તેમજ તેમના પતિ ગૌરવ શાહે પ્રધાનમંત્રી સાથે મળીને મિલેટ અનાજ પર એક ગીત તૈયાર કર્યું છે. આ ગીતને ફાલ્ગુની અને તેમના પતિએ સ્વર આપ્યો છે. આ ગીતનો ઉદ્દેશ્ય દુનિયામાંથી મિલેટ્સની મદદથી ભૂખમરાને દૂર કરવાનો છે. 

ભારતની વિનંતીને પગલે જ યુએન જનરલ એસેમ્બલી અને FAOએ 2023ના વર્ષને મિલેટ્સ માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું હતું. ફાલ્ગુની શાહે ગાયેલા ગીતને પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ પણ કર્યું હતું. ફાલ્ગુનીએ ભારતમાં પ્રધાનમંત્રી સાથેની મુલાકાતને અને ગીત તૈયાર કરતી વખતના અનુભવને યાદ કર્યો હતો. 

હવે જ્યારે પ્રધાનમંત્રી ન્યૂયોર્ક આવી રહ્યા છે, ત્યારે ફાલ્ગુની શાહે તેમની મુલાકાતને ભારતીયો માટે ગર્વ સમાન ગણાવી છે..તેઓ પ્રધાનમંત્રી સાથે મળવા આતુર છે. અમેરિકામાં વસતા ભારતીયો પ્રધાનમંત્રીના સ્વાગત માટે જાતે ફૂલોના હાર અને તિરંગા તૈયાર કરી રહ્યા છે...મંદિરમાં આ માટે મોટી સંખ્યામાં ભારતીયો એકત્રિત થયા. હારને તૈયાર કરતી વખતે મંદિરમાં મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા.

વોશિંગ્ટન ડીસીમાં આવેલા રોનાલ્ડ રીગન સેન્ટરમાં પ્રધાનમંત્રી ભારતીય સમુદાયને સંબોધન કરવાના છે...આ કાર્યક્રમમાં સમગ્ર અમેરિકામાંથી ભારતીયો આવવાના છે. પ્રધાનમંત્રી મોદીની અમેરિકાની આ પહેલી સ્ટેટ વિઝિટ છે. રાષ્ટ્રપતિ બાઈડેને તેમના માટે સ્ટેટ ડિનરનું આયોજન કર્યું છે. પીએમ મોદી બીજી વખત અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરવાના છે. ન્યૂયોર્કમાં યુએનના હેડક્વાર્ટરમાં તેઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં પણ હાજરી આપશે, એટલે કે પ્રધાનમંત્રીનો આ અમેરિકા પ્રવાસ ઐતિહાસિક બની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news