વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની કફોડી સ્થિતિ, અમેરિકાએ આપ્યો વધુ એક મોટો ઝટકો
14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દુનિયાભરની ટીકાઓ ભોગવી રહેલા પાકિસ્તાનને વધુ એક મોટો આંચકો લાગ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દુનિયાભરની ટીકાઓ ભોગવી રહેલા પાકિસ્તાનને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનથી આવતા નાગરિકોના વિઝાની સમય મર્યાદાને ઘટાડી દીધી છે. નવા નિયમ મુજબ હવે અમેરિકા આવવા માંગતા પાકિસ્તાની નાગરિકોને માત્ર 3 મહિનાના વિઝા જ મળશે. અગાઉ 5 વર્ષના મળતા હતાં.
અત્રે જણાવવાનું કે હાલ પુલવામામાં થયેલા આતંકી હુમલાના પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ તણાવ છે. પુલવામા આતંકી હુમલામાં ભારતના સીઆરપીએફના 30 જવાનો શહીદ થયા હતાં. જેને પગલે ભારતે પાકિસ્તાન પ્રત્યે આકરું વલણ અપનાવેલું છે. અમેરિકા પણ ભારતની આતંક વિરુદ્ધની લડાઈમાં ભારતની સાથે છે. દુનિયાના દેશોનું ભારતને સમર્થન છે.
આવામાં પાકિસ્તાનને અમેરિકા તરફથી મળેલો આ આંચકો તેમના નાગરિકો માટે મુશ્કેલી સર્જી શકે છે. અગાઉ પાકિસ્તાની નાગરિકોને અમેરિકા તરફથી 5 વર્ષના વિઝા આપવામાં આવતા હતાં. અમેરિકા તરફથી ઉઠાવાયેલા આ પગલાંને પાકિસ્તાન માટે મોટો ઝાટકો જોવામાં આવી રહ્યો છે.
વાત જાણે એમ છે કે આતંકવાદના મુદ્દે અમેરિકાએ પણ પાકિસ્તાનને ખુબ જ ખરીખોટી સંભળાવી હતી અને પાકિસ્તાનને પોતાની ધરતી પર આતંકવાદને શરણ ન આપવાનું કહી ચેતવ્યું હતું. અમેરિકાએ પુલવામા હુમલા બાદ પાકિસ્તાનની ધરતી પર કરાયેલી ભારતની એર સ્ટ્રાઈકને પણ સમર્થન આપ્યું હતું તથા જૈશ એ મોહમ્મદના કેમ્પ પર ભારતીય વાયુસેનાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે