હરતુ-ફરતુ પેટ્રોલપંપ : વોટ્સએપના એક મેસેજથી તમને જોઈએ ત્યાં ડીઝલ મળી જશે

જો ક્યાંક જતા સમયે અચાનક તમારી ગાડીમાં ઇંધણ ખૂંટી ગયું હોય તો તમે ઘાંઘા થઈ જતા હશો. આવા સમયે ગાડીને પેટ્રોલ પંપ સુધી લઇ જવી પડે અને તેમાં ઇંધણ ભરાવવું પડે છે. પરંતુ કોઇ તમને એમ કહે કે પેટ્રોલ પંપ તમારા ઘર સુધી આવે અને ઇંધણ ભરી આપે તો? આ કોઈ મજાક નથી, પણ સાવ સાચી વાત છે. વડોદરામાં ઇંધણનો એક એવો પંપ શરૂ કરવામાં આવ્યો છે, જે લોકોનાં સ્થળે પહોંચીને ઇંધણ ભરી આપી રહ્યો છે.
હરતુ-ફરતુ પેટ્રોલપંપ : વોટ્સએપના એક મેસેજથી તમને જોઈએ ત્યાં ડીઝલ મળી જશે

હાર્દિક દિક્ષીત/વડોદરા :જો ક્યાંક જતા સમયે અચાનક તમારી ગાડીમાં ઇંધણ ખૂંટી ગયું હોય તો તમે ઘાંઘા થઈ જતા હશો. આવા સમયે ગાડીને પેટ્રોલ પંપ સુધી લઇ જવી પડે અને તેમાં ઇંધણ ભરાવવું પડે છે. પરંતુ કોઇ તમને એમ કહે કે પેટ્રોલ પંપ તમારા ઘર સુધી આવે અને ઇંધણ ભરી આપે તો? આ કોઈ મજાક નથી, પણ સાવ સાચી વાત છે. વડોદરામાં ઇંધણનો એક એવો પંપ શરૂ કરવામાં આવ્યો છે, જે લોકોનાં સ્થળે પહોંચીને ઇંધણ ભરી આપી રહ્યો છે.

સાવ મજાક લાગતી આ વાતને વડોદરાનાં ચાર ઉદ્યમી યુવાનો વ્યોમ અમીન, સપન પટેલ, અલય પટેલ અને પૂર્વમ પટેલે એક સ્ટાર્ટઅપનાં રૂપમાં સાકાર કરી બતાવી છે. આ ચારેય સાહસિક યુવાનોએ મળીને તેમની એક ફર્મ શરૂ કરી છે. આ ફર્મ તમને તમારા ઘર, ફેક્ટરી, હોસ્પિટલ સુધી ઇંધણ પહોંચાડે છે. એટલું જ નહીં તમારું ટ્રેક્ટર કે ટ્રક જ્યાં ઉભો હોય ત્યાં, કે પછી તમારી રેસીડેન્સી સુધી પણ પહોંચી તમને ડીઝલની ડિલિવરી આપી જાય છે. તમે પૂછશો એ કઇ રીતે શક્ય છે, પરંતુ એ શક્ય બનાવ્યું છે આ ચાર યુવાનોનાં સાહસે.

  • સપન પટેલ - સ્ટાર્ટઅપનો વિચાર આવ્યો
  • વ્યોમ અમીન - રોકાણ કરનાર પાર્ટનર 
  • અલય પટેલ - ફાઉન્ડર મેમ્બર
  • પુર્વમ પટેલ - માર્કેટિંગનું કામ સંભાળે છે 

પોતાના અનુભવથી સ્ટાર્ટ અપનો આઈડિયા આવ્યો 
એક વખત આ મિત્રો તેમની ડીઝલ કાર લઇ ક્યાંક ફરવા જઇ રહ્યા હતા અને ગાડીમાં ડીઝલ (diesel) ભરાવવાનું ભૂલી ગયા. રસ્તામાં તેમની ગાડીમાં ડીઝલ ખૂટી ગયું અને તેઓ રાતના સમયે રસ્તામાં જ અટવાઇ ગયા. માંડ તેઓએ બમણાથી વધુ પૈસા ચૂકવી પેટ્રોલ (petrol) પંપ સુધી ગાડી પહોંચે તેટલા ડીઝલની વ્યવસ્થા કરી. પરંતુ તેમને પડેલી આ અગવડે આ સ્ટાર્ટઅપ (start up) નાં આઇડિયાને જન્મ આપ્યો. 

સપન પટેલ યુએસની સિલિકોન વેલીમાં મસમોટા પગારે નોકરી કરતા હતા. પરંતુ પોતાના વતનમાં કંઈ કરવુ છે તે વિચારે તેઓ ગુજરાત પરત ફર્યા હતા. વતન આવ્યા બાદ કંઇક અલગ કરવાની શોધ (business idea) માં લાગ્યા હતા. તેવામાં જ આ ગાડીવાળો બનાવ તેમના સાથે બન્યો હતો. એટલે તેમણે મિત્રો સાથે મળીને વિચાર્યું કે કેમ ના એક એવી વ્યવસ્થા ગોઠવાય જે લોકોને તેમના ઇચ્છીત સ્થાને ઇંધણ (petrol diesel) પૂરું પાડે.

આ રીતે શરૂ કર્યું સ્ટાર્ટ અપ
ચારેય મિત્રોએ આ અંગે રિસર્ચ શરુ કર્યું અને ઇન્ટરનેટ પર સર્ચ કરતા તેમને પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝની વેબસાઇટ પર તેમની ડિઝલ એટ ડોર અંગે સરકારની નીતિઓની જાણકારી મળી. આ જાણકારી તેમના માટે એક સંજીવની બની અને તેઓએ આ અંગે વધારે જાણકારી મેળવવા માટે સંબંધિત સરકારી કચેરીઓ ફરી વળ્યાં. તેમને જાણકારી મળી કે એક પેટ્રોલિયમ કંપની પાસેથી જો લાઇસન્સ પ્રાપ્ત થાય અને આ સ્ટાર્ટઅપ (business) ચાલુ કરવા માટે શરૂઆતનાં ફંડ સાથે તેમના જે નિયમો છે તે પુરા થતા હોય તો પેટ્રોલિયમ કંપની તમને તમારી જગ્યા સુધી ડીઝલ પહોંચાડા પરવાનો આપી શકે છે. આ યુવાનોએ દિવસ રાત એક કરીને તમામ ફોર્માલિટી પૂરી કરવા માટે સખત મહેનત કરી. આ માટે જરૂરી ફંડની વ્યવસ્થા પણ કરી. ખાસ કરીને જે ચાલતો ફરતો ડીઝલ પંપ હોય છે, જે એક વાહન પર માઉન્ટ કરેલો હોય છે તેવા ખાસ પ્રકારનાં વેહિકલ કે જેને મોબાઇલ બાવઝર કહેવામાં આવે છે, જેનું એપ્રુવલ PESO એટલે કે PETROLEUM AND EXPLOSIVES SAFETY ORGANIZATION પાસેથી મેળવવું પડતું હોય છે અને જેના નોર્મ્સ ખુબ જ હાઇ હોય છે. તેવા peso થી એપ્રુવલ કરાવેલા ખાસ પ્રકારનાં વેહિકલ પણ બનાવડાવ્યા. આમ ચાર યુવાઓએ તેમનું આ સ્ટાર્ટઅપ શરુ કર્યું. નામ રાખ્યું FUELY (ફ્યુલી).. 

હાલ ફ્યુલી વડોદરા અને આસપાસનાં જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં પોતાની સર્વિસ શરુ કરી છે. જે હોસ્પિટલ્સ, મોલ, ઇન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટર્સ, ટ્રાવેલર્સ, રેસિડેન્સીઅલ સોસાયટીસ તેમજ હાઇરાઇઝ બિલ્ડીંગ્સ કે જ્યાં જનરેટરની જરૂર પડતી હોય તેવા લોકોને તેમના સ્થાન સુધી પહોંચી ડીઝલ પૂરું પાડે છે. આ ઉત્સાહી યુવાનોનાં સ્ટાર્ટઅપની ખાસ વાત એ છે કે, ગામડાઓમાં જ્યાં ટ્રેક્ટરથી ખેતી થાય છે કે અને જ્યાં જનરેટર લગાવવાની જરૂર પડે છે તેવી જગ્યાઓએ પણ FUELY નું મોબાઇલ બ્રાઉઝર પહોંચી ડીઝલ ભરી આપે છે. તેઓ ખેડૂતો પાસેથી કોઇ વધારાનો ચાર્જ પણ નથી લેતાં. આ કારણે લોકોને ધીમે ધીમે આ સર્વિસ પસંદ આવી રહી છે. 

આ પણ વાંચો : લાખો ગરબા ખેલૈયાઓને મોટો ઝટકો - આ વર્ષે નહિ યોજાય ગુજરાતના સૌથી મોટા ગરબા
 
હાલ ગ્રાહકો ત્રણ રીતે FUELY ને પોતાની ડીઝલની જરૂરિયાત અંગે સંપર્ક કરી શકે છે. કોલ કરીને તેમજ વોટ્સએપનાં માધ્યમથી અથવા FUELY ની એપ પણ છે. આ એપ પર જઇને FUELY ને ડીઝલની જરૂરિયાત અંગે જણાવો તો તુરંત જ ગણતરીનાં સમયમાં જ તમારી પાસે FUELY નું બ્રાવઝર આવી પહોંચશે તમને ડીઝલ પહોંચાડી દેશે. આ સર્વિસથી તેમના તમામ પ્રકારનાં ગ્રાહકોને ફાયદો પહોંચ્યો છે. જ્યાં જનરેટર ચલાવવા માટે ડીઝલની જરૂર પડે તેમને કારબા લઇને પેટ્રોલ પંપ સુધી જવું પડતું હતું અને પછી તેમની જરૂરિયાત જણાવે તો જ અને યોગ્ય લાગે તો જ પેટ્રોલપંપથી કારબામાં ડીઝલ મળતું તેમને હવે તેમના સ્થાન સુધી ડીઝલ મળતું થઇ ગયું છે. ખેડૂતોને જો તેમના ટ્રેક્ટર કે ખેતીની અન્ય મશીનરીમાં ડીઝલની જરૂર પડતી તો તેમને પણ તેમના ટ્રેક્ટરને લઇને પેટ્રોલપંપ સુધી પહોંચવું પડતું હતું. હવે ખેડૂતને તેના બારણાં સુધી ડીઝલ મળી રહેતા તેમના પણ પૈસાની બચત થાય છે. 

શરૂઆતમાં આ યુવાનોને લોકોને તેમની સેવા લેવા માટે સહમત કરતા ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. લોકો ડીઝલની ગુણવત્તા અને તેની પૂરી પડાતી માત્રાને લઇને દ્વિઘામાં હતા. પરંતુ તેઓએ જયારે આ સેવાનાં ફાયદા લોકોને સમજાવ્યા અને તેઓની બધી જ શંકાઓને લઇને પ્રેક્ટિકલ સમાધાન પુરુ પાડ્યું, ત્યારે લોકોને પણ અહેસાસ થયો કે આ સેવા લેવામાં કાંઇ ગુમાવવાનું નથી ફક્ત ફાયદો જ છે. આજે તેઓ વડોદરા અને આસપાસનાં જિલ્લાઓમાં તેમની સેવા સફળતાપૂર્વક પૂરી પાડી રહ્યા છે. વડોદરાનાં આ ઉદ્યોગ સાહસિકોનું લક્ષ્યાંક આગામી સમયમાં આખું ગુજરાતને સેવા પૂરું પાડવાનું છે અને તે દિશામાં તેઓ મહેનત પણ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news