અમેરિકાની ધમકીની 'ઐસી કી તૈસી', ભારતે રશિયા સાથે કરી લાખો ડોલરની ડિફેન્સ ડીલ

અમેરિકાના પ્રતિબંધો મૂકવાની ધમકીને સાવ બાજુ પર મૂકીને ભારત અને રશિયાએ મંગળવારે ભારતીય નેવી માટે બે મિસાઈલ યુદ્ધજહાજોના નિર્માણ માટેની ડીલ પર હસ્તાક્ષર કર્યાં.

અમેરિકાની ધમકીની 'ઐસી કી તૈસી', ભારતે રશિયા સાથે કરી લાખો ડોલરની ડિફેન્સ ડીલ

નવી દિલ્હી: અમેરિકાના પ્રતિબંધો મૂકવાની ધમકીને સાવ બાજુ પર મૂકીને ભારત અને રશિયાએ મંગળવારે ભારતીય નેવી માટે બે મિસાઈલ યુદ્ધજહાજોના નિર્માણ માટેની ડીલ પર હસ્તાક્ષર કર્યાં. આ ડીલ 50 લાખ ડોલરની છે. બંને યુદ્ધજહાજોનું નિર્માણ ગોવામાં કરવામાં આવશે. આ સાથે જ બંને દેશોએ ઉચ્ચસ્તરના સંરક્ષણ સહયોગને ચાલુ રાખવાના પણ સ્પષ્ટ સંકેત આપ્યાં. ટેક્નોલોજી ટ્રાન્સફર હેઠળ રશિયા ડિઝાઈન સહિત સંપૂર્ણ સહયોગ ભારતને આપશે. આ ડિફેન્સ ડીલ બાદ ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધુ મજબુત બનશે. 

અધિકારીઓએ  કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રની પીએસયુ ગોવા શિપયાર્ડ લિમિટેડ (જીએસએલ) અને રશિયાની સરકારી રક્ષા નિર્માતા રોસોબોરોન એક્સપર્ટ વચ્ચે તલવાર શ્રેણીના બે યુદ્ધજહાજના નિર્માણ માટે કરાર કરવામાં આવ્યો. આ કરાર સંરક્ષણ સહયોગ માટે બે સરકાર વચ્ચે રૂપરેખા હેઠળ કરવામાં આવ્યો. 

રશિયા ડિઝાઈન અને ટેક્નોલોજી ભારતને ટ્રાન્સફર કરશે
આ ડીલ મુજબ રશિયા ભારતમાં યુદ્ધજહાજના નિર્માણ માટે જીએસએલને ડિઝાઈન, ટેક્નોલોજી અને કેટલીક સામગ્રી ઉપલબ્ધ કરાવશે. જહાજોમાં અત્યાધુનિક મિસાઈલો, અને અન્ય શસ્ત્ર પ્રણાલીઓ લાગેલી હશે. જીએસએલના સીએમડી શેખર મિત્તલે જણાવ્યું કે અમે ગોવામાં બે યુદ્ધજહાજોના નિર્માણ માટે રશિયા સાથે 50 કરોડ ડોલરની ડીલને છેલ્લું સ્વરૂપ આપી દીધુ છે. તેમણે જણાવ્યું કે યુદ્ધજહાજોનું નિર્માણ 2020માં શરૂ થશે અને પહેલું જહાજ 2026માં પાણીમાં ઉતરવા માટે તૈયાર થઈ જશે, જ્યારે બીજુ જહાજ 2027 સુધીમાં તૈયાર થશે. 

રડારની પકડમાં નહીં આવે આ જહાજ
રશિયા જે બે યુદ્ધજહાજો બનાવવા માટે ભારતને મદદ કરી રહ્યું છે તેમાં અનેક ખાસિયતો છે. કહેવાય છે કે સ્ટીલ્થ એરક્રાફ્ટની જેમ આ બંને જહાજ સોનાર અને રડારની પકડમાં આવશે નહીં. તેનાથી દુશ્મનના વિસ્તારમાં મિશન પૂરું કરવામાં ખુબ મદદ મળશે. આ યુદ્ધજહાજો આધુનિક મિસાઈલો અને બીજા હથિયારોથી લેસ હશે. 

છ સપ્તાહ પહેલા જ ભારતે કરી હતી વધુ એક ડીલ
ભારતે આ અગાઉ રશિયા સાથે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે ડીલ કરી હતી. આ ડીલ લગભગ 5 અબજ ડોલર એટલે કે 40 હજાર કરોડ રૂપિયાની છે. એસ-400 ડિફેન્સ સિસ્ટમની પાંચ રેજિમેન્ટ્સ તે ભારતને વેચશે. આ ડિફેન્સ સિસ્ટમ ભારતને 2020માં મળશે, જેનાથી દેશની વાયુસેના મજબુત બનશે. નોંધનીય છે કે ટ્રમ્પ પ્રશાસને અનેક રશિયન કંપનીઓ પર પ્રતિબંધ મૂકેલા છે. અમેરિકાએ કહ્યું છે કે જે દેશ રશિયાની ડિફેન્સ કંપનીઓ સાથે ડીલ કરશે તેમણે પણ CAATSA કાયદા મુજબ પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. જો કે ભારતને આશા હતી કે અમેરિકા તેને છૂટ આપશે. 

(ઈનપુટ-ભાષામાંથી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news