ICICI બેન્કે કરી એક જ ભુલ અને લોકોના ડૂબી ગયા 16 હજાર કરોડ રૂ.

છેલ્લા દોઢ મહિનામાં અનેક બેન્કોના ગોટાળા સામે આવ્યા છે

ICICI બેન્કે કરી એક જ ભુલ અને લોકોના ડૂબી ગયા 16 હજાર કરોડ રૂ.

નવી દિલ્હી : બેન્કિંગ સેક્ટરનો ખરાબ સમય ક્યારે પુરો થશે ? શું બેન્કોની મોટી સમસ્યા એનપીએ જ છે? છેલ્લા દોઢ મહિનામાં બેન્કોની ખરાબ સ્થિતિ સામે આવતા લાગે છે કે બેન્કો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયમો વિશે ગંભીર છે. પીએનબી ગોટાળો જાહેર થયા પછી હવે ધીરેધીરે તમામ બેન્કોની અસલિયત સામે આવવા લાગી છે. હવે સરકારી બેન્કોના આ ગોટાળાનો રેલો પ્રાઇવેટ બેન્કો સુધી પહોંચ્યો છે. આઇસીઆઇસીઆઇ બેન્ક હાલમાં 3250 કરોડ રૂ.ની 'સ્વીટ ડીલ'માં અટવાયેલી છે. આ બેન્કની એમડી ચંદા કોચરના નામને બદનામ કરવાનો પ્રયાસ છે કે કોઈ ખતરાની ઘંટડી એ તો આવનારો સમય જ બતાવશે. જોકે બેન્કની એક ભુલના કારણે રોકાણકારોના 16000 કરોડ રૂ. ડૂબી ગયા છે અને આ રકમ પીએનબી ગોટાળા કરતા પણ વધારે છે. 

લોન કે 'સ્વીટ ડીલ'?
ICICI બેન્કના સીઈઓ ચંદા કોચર પર લોનના બદલે ફાયદો ઉઠાવવાનો મામલો સામે આવ્યો છે. એક અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ મુજબ ડિસેમ્બર 2008માં વીડિયોકોન સમૂહના માલિક વેણુગોપાલ ધૂતે બેન્કના સીઈઓ અને એમડી ચંદા કોચરના પતિ દીપક કોચર અને તેમના બે સંબંધીઓ સાથે મળીને જોઈન્ટ વેન્ચર (જેવી) બનાવી. ત્યારબાદ આ કંપનીના નામ પર 64 કરોડની લોન લેવામાં આવી અને પછી આ કંપનીના માલિકી હક માત્ર 9 લાખ રૂપિયામાં એવા ટ્રસ્ટના હાથમાં સોંપી દેવામાં આવી જેની કમાન દીપક કોચરના હાથમાં હતી. મળેલી જાણકારીમાં ખુલાસો થયો છે કે જોઈન્ટ વેન્ચરના હસ્તાંતરણથી 6 મહિના પહેલા વીડિયોકોન ગ્રુપે ICICI બેન્ક પાસેથી 3250 કરોડ રૂપિયાની લોન લીધી હતી. પરંતુ 2017માં જ્યારે વીડિયોકોન પર 86 ટકા લોન અમાઉન્ટ એટલે કે 2810  કરોડ રૂપિયા લેણી રકમ હતી ત્યારે આ અમાઉન્ટને એપીએ (નોન પરફોર્મિંગ એસેટ્સ) જાહેર કરી દેવામાં આવી. જોકે આ મામલામાં તપાસ ચાલુ છે પણ બેન્કનું બોર્ડ ચંદા કોચરને ક્લિનચીટ આપી ચૂક્યું છે. 

તૂટ્યો શેર
ખાનગી સેક્ટરની સૌથી મોટી બેન્ક આઇસીઆઇસીઆઇ બેન્ક થોડા દિવસોથી ખોટા કારણોસર વિવાદમાં છે. આઇસીઆઇસીઆઇ બેન્કના એમડી ચંદા કોચર પર ખોટી રીતે વીડિયોકોન ગ્રુપને રૂ.3250 કરોડની લોન આપવાનો આરોપ લાગ્યો છે. કારણ કે તેમાંથી વીડિયોકોને રૂ.2,810 કરોડ પરત ભર્યા નથી અને બેન્કે તેને વર્ષ 2017માં એનપીએ જાહેર કરી દીધી. બેન્કની આ ભૂલના કારણે આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ઘટાડો આવ્યો છે અને 3 દિવસમાં રોકાણકારોની રૂ.16,090.64 કરોડથી વધુ મૂડી ધોવાઇ છે.

SEBIનું આકરું વલણ 
માર્કેટ રેગ્યુલેટર સેબીએ પણ આઇસીઆઇસીઆઇ બેંક સહિત લેન્ડર્સ ગ્રૂપ સાથે થયેલી સ્વીટ ડીલના કારણે વીડિયોકોન અને એના પ્રમોટર્સ વિરૂદ્ધ આકરું વલણ અપનાવ્યું છે. આઇસીઆઇસીઆઇ બેન્ક પણ સેબીના રડાર પર છે. સીબીઆઇએ પણ બેન્કના અધિકારીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે. 

2008માં આવી ન્યૂપાવર
વીડિયોકોન ગ્રૂપના માલિક ધૂતે દિપક કોચર સાથે મળીને બરાબરની ભાગીદારી હેઠળ ડિસેમ્બર 2008માં ન્યૂપાવર નામથી એક કંપની ખોલી હતી. આ કંપનીને દેશની સૌથી મોટી ચોથી બેંક ICICI સહિત અન્ય કેટલીક સરકારી બેંકો અને ધિરાણકર્તાઓએ પણ લોન આપી હતી. જેમાં કોચર પરિવારના કેટલાંક સંબંધી મહેશ અડવાણી અને નીલમ અડવાણી શંકાસ્પદ બિઝનેસ ટ્રાન્જેક્શનની મદદથી ધૂત પરિવાર દ્વારા સ્થાપિત આ કંપનીના માલિક બની ગયા.  એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, લોન ભરપાઈ કરવાના બદલે કંપનીની માલિકીનો હક કોચર પરિવારને ટ્રાન્સફર કરાયો હતો. ICICI બેંકે જણાવ્યું કે, તેઓની લેણ દેણની સિસ્ટમ મજબૂત છે. એવું પણ બહાર આવ્યું છે કે, ચંદા કોચરના પતિ દિપક કોચરની લોન પાસ કરાવવા એક કંપનીને શેર પણ આપવામાં આવ્યો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news