પ્રકાશ રાજનો 'આક્રોશ', કહ્યું- જ્યારથી વડાપ્રધાન વિરુદ્ધ બોલ્યો છું, ત્યારથી.....

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ પ્રકાશ રાજ ભાજપ વિરુદ્ધ કેમ્પેઈન કરતા જોવા મળી રહ્યો છે.

પ્રકાશ રાજનો 'આક્રોશ', કહ્યું- જ્યારથી વડાપ્રધાન વિરુદ્ધ બોલ્યો છું, ત્યારથી.....

નવી દિલ્હી: 'સિંઘમ', 'વોન્ટેડ' જેવી ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા પ્રકાશ રાજનું કહેવું છે કે જ્યારે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યુ છે ત્યારથી બોલિવૂડ ફિલ્મોમાં તેમને કામ મળવાનું બંધ થઈ ગયું છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ પ્રકાશ રાજ ભાજપ વિરુદ્ધ કેમ્પેઈન કરતા જોવા મળી રહ્યો છે. અત્રે જણાવવાનું કે કર્ણાટકમાં 12 એપ્રિલના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેના પગલે ખુબ ગરમાવો ચે. પ્રકાશ રાજ છેલ્લા કેટલાક સમયથી મોદી સરકાર અને ભાજપની રાજનીતિનો આકરો વિરોધ કરી રહ્યાં છે.

'ધ પ્રિન્ટ'ને આપેલા એક ઈન્ટરવ્યુમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રહી ચૂકેલા પ્રકાશ રાજે કહ્યું કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ સમસ્યા નથી પરંતુ જ્યારથી મેં બોલવાનું શરૂ કર્યુ છે ત્યારથી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ઓફરો મળવાની બંધ થઈ ગઈ છે. જો કે તેમણે કહ્યું કે તેમને કોઈ ચિંતા નથી કારણ કે તેમની પાસે ખુબ (રૂપિયા) છે.

કન્નડ મેગેઝીનની એડિટર ગૌરી લંકેશ અને પ્રકાશ રાજ જૂના મિત્ર હતાં. આ ઈન્ટવ્યુંમાં ગૌરી લંકેશની હત્યા પર પ્રકાશ રાજે કહ્યું કે ગૌરીના મોતની ઘટનાએ મને અંદર સુધી ઝંઝોળીને મૂકી દીધો. તે માત્ર સવાલ પૂછી રહી હતી. જ્યારે તેને મારી નાખવામાં આવી ત્યારે મને અપરાધબોજ મહેસૂસ થયો. શું અમે તેને લડાઈમાં એકલી છોડી દીધી હતી? હું જેટલા સવાલ કરું છું તેટલુ મને ધમકી આપીને કે મારા કામ અટકાવીને ચૂપ કરાવવાની કોશિશ કરવામાં આવે છે. આ ભાજપ જ કરી રહ્યો છે.

અત્રે જણાવવાનું કે પ્રકાશ રાજ છાશવારે ભાજપ પર નિશાન સાધતા રહે છે. જો કે પ્રકાશનો રાજકારણમાં પ્રવેશવાનો કોઈ ઈરાદો નથી. પ્રકાશે ફિલ્મ એક્ટરોના રાજનેતા બનવાને દેશ માટે એક ત્રાસદી ગણાવી છે. તે છેલ્લે રોહિત શેટ્ટીની હિંદી ફિલ્મ 'ગોલમાલ અગેન'માં જોવા મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news