Film Reviw: મનોરંજન+'મનોજ'રંજન= ફેરાફેરી હેરાફેરી

મનોજ જોષીની ફિલ્મ ફેરાફેરી હેરાફેરી રીલીઝ થઈ ગઈ છે

Film Reviw: મનોરંજન+'મનોજ'રંજન= ફેરાફેરી હેરાફેરી

કર્નલ દુષ્યંત, અમદાવાદ : ઘણા સમય પછી ગુજરાતીમાં કોઈ કોમેડી ફિલ્મ આવી છે. જી હાં, મનોજ જોષીની ફિલ્મ ફેરાફેરી હેરાફેરી રીલીઝ થઈ ગઈ છે. ફિલ્મનું નામ જોતાં જ લાગે કે આમાં કંઇક ગરબડ છે. ખરેખર જેવું નામ છે તેમ આખી ફિલ્મમાં હાસ્યની ગરબડ છે પરંતુ તમારે આ હાસ્યની ગરબડ જોવા માટે ફિલ્મ જોવી પડશે. ફિલ્મમાં તમને મનોજ જોષીની સાથે ગુજરાતી સાહિત્યકાર-હાસ્યકાર સાંઇરામ દવે પણ જોવા મળશે. ફિલ્મની શરૂઆત સાંઈરામના ડાયરાથી થાય છે. તમને આ ફિલ્મમાં લવ, લગન અને લોચાનું કોમ્બિનિકેશન જોવા મળે છે. 

રૂદ્ર મુવી ઈન્ટરનેશનલ તથા વ્રજ પ્રોડકશનના બેનર હેઠળ ગુજરાતી કોમેડી ફિલ્મ ફેરાફેરી હેરાફેરીનું નિર્માણ થયું છે. આ ફિલ્મને ગીરીશ મોહિતે ડાયરેક્ટ કરી છે તો જીતુ પરમારે સ્ક્રિપ્ટ લખી છે.  ગુજરાતી ફિલ્મના પ્રખ્યાત કલાકાર ચાણકય ઉર્ફે  મનોજ જોશી, બીજલ જોશી, સોનીયા શાહ, નેત્રી ત્રિવેદી, કુલદીપ રાજગૌર, આરતી નાગપાલ, સંજીવ જોટાંગીયા સહિતના કલાકારોએ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથર્યા છે. આ ફિલ્મમા ગુજરાતી લોકડાયરાના સાવજ એવા લેખક-હાસ્ય-સાહિત્યકાર તથા શિક્ષક સાંઇરામ દવે(પ્રશાંત દવે)એ ખૂબ સરસ અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્મના એક ગીતને સોનુ નિગમે સ્વર આપ્યો છે તથા જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ ફિલ્મની કોરિયોગ્રાફી કરી છે.

ફિલ્મની કથા
ફિલ્મની વાર્તા પૈસાની હેરાફેરીની નહી ફેરાફેરીની હેરાફેરી છે. ફિલ્મની શરૂઆત સાંઇરામના ડાયરાથી થાય છે. સાંઇરામ દવે શરૂઆતમાં જ કહે છે કે કોઇ માણસના નસીબ ખરાબ હોય ત્યારે તેના લગન થાય છે પણ જ્યારે બહુ ખરાબ હોય ત્યારે તેના બે વાર લગન થાય છે. બસ આ જ રીતે ફિલ્મમાં બે લગ્નની વાત કરવામાં આવી છે. સાંઇરામ પોતાના ડાયરામાં હસમુખ જોબનપુત્રા (મનોજ જોશી) આપવીતી કહે છે. હસમુખ (મનોજ જોશી) મંદાકિની સાથે પ્રેમલગ્ન કરી લે છે અને જ્યારે આ વાત પિતાને કહેવા જાય છે ત્યારે હસમુખ પિતા તેની પાસે વચન માંગે છે કે મારા મિત્રની દિકરી શ્રીદેવી સાથે લગ્ન કરવાના છે. અને બસ પછી હસમુખ જોબનપુત્રા બે પત્નીઓ વચ્ચે ફસાઇ જાય છે અને સર્જાય છે હાસ્યનું વાવાઝોડું. પદ્મ શ્રી પુરસ્કારના વિજેતા મનોજ જોશીની કોમેડી તમને હેરાફેરીના બાબુરામને પણ ભૂલાવી દેશે.

ફિલ્મમાં બે પત્નીઓને સાચવવામાં હસમુખની હાલત સેંડવીચ જેવી થઇ જાય છે. હસમુખલાલના જીવનમાં એક સાંધો ને તેર તુટે જેવી હાસ્યાસ્પદ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તેઓ એક સમસ્યામાંથી છુટકારો મેળવે અને બીજી સમસ્યા તેમની રાહ જોતી હોય તેવું લાગે છે. હાસ્યના રંગથી તરબોળ કરતી ફિલ્મ ફેરાફેરી હેરાફેરી એક નવા જ અંદાજમાં દર્શકો સમક્ષ કોમેડી રજૂ કરવામાં આવી છે જે પરિવાર સાથે મોજ કરાવવા સાથે વિકએન્ડ પણ એન્ટરટેઇનિંગ બનાવી દેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news