હેમા માલિનીના ફેન રહ્યાં છે વાજપેયી, ડ્રીમ ગર્લની આ ફિલ્મ જોઈ હતી 25 વાર
ભારતીય જનતા પાર્ટીના સાંસદ હેમા માલિનીએ ગત વર્ષ મથુરામાં એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સંબંધિત એક રહસ્ય ઉજાગર કર્યું હતું.
Trending Photos
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીની તબિયત હાલ અત્યંત નાજૂક છે. તેમને એમ્સમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં છે. વાજપેયીની હાલત જાણવા માટે એમ્સમાં નેતાઓનો જમાવડો થઈ રહ્યો છે. દેશભરના લોકો તેમના સ્વાસ્થ્ય અંગે દુઆઓ અને પ્રાર્થના કરી રહ્યાં છે. આ દરમિયાન એક રસપ્રદ કિસ્સો ધ્યાનમાં આવી રહ્યો છે. નેતા હોવાની સાથે સાથે વાજપેયી કલમના પણ જાદુગર હતાં. તેમની લખેલી કવિતાઓ આજે પણ મનમાં જોશ ભરી દેવા માટે પૂરતી છે. વાજપેયીને લખાણ અને વાંચન ઉપરાંત ફિલ્મ જોવી પણ ગમતી હતી. તે પણ અભિનેત્રી હેમા માલિનીની ફિલ્મો. હેમા માલિનીના એક ઈન્ટરવ્યુ દરમિયાન એ વાતનો ખુલાસો થયો હતો કે વાજપેયી તેમના મોટા પ્રશંસક હતાં.
ભારતીય જનતા પાર્ટીના સાંસદ હેમા માલિનીએ ગત વર્ષ મથુરામાં એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સંબંધિત એક રહસ્ય ઉજાગર કર્યું હતું. હેમા માલિનીએ કહ્યું હતું કે અટલ બિહારી વાજપેયીને તેમને એક ફિલ્મ એટલી ગમી હતી કે તે ફિલ્મ તેમણે 25 વાર જોઈ હતી. આ ફિલ્મ 1972માં આવેલી સીતા ઔર ગીતા હતી.
હેમા માલિની સામે જોઈને કઈ બોલી શકતા નહતાં વાજપેયી
હેમા માલિનીએ આ દરમિયાન આ સમગ્ર કિસ્સાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે મને યાદ છે કે એકવાર મે પદાધિકારીઓને કહ્યું હતું કે હું ભાષણોમાં અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરું છું. પરંતુ તેમને ક્યારેય મળી નથી, મળાવો તો ખરા. ત્યારે તેઓ મને મળવા માટે લઈ ગયા હતાં. પરંતુ મેં મહેસૂસ કર્યુ હતું કે અટલજી વાત કરતા ખચકાઈ રહ્યાં હતાં. ત્યાં હાજર એક મહિલાને પૂછ્યું કે શું વાત છે. અટલજી બરાબર વાત કેમ નથી કરી રહ્યાં. તેમણે જણાવ્યું કે અસલમાં તેઓ તમારા ખુબ મોટા પ્રશંસક છે. તેમણે 1972માં આવેલી તમારી ફિલ્મ સીતા ઔર ગીતા 25 વાર જોઈ હતી. અચાનક તમે સામે આવી ગયા તો તેઓ ખચકાઈ રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે